વૈશ્વિક અજાયબી ગીઝાના ગ્રેટ પિરામિડમાંથી આ શું મળી આવ્યું...? સ્કેનિંગ કરવાનો આદેશ
-પિરામિડના બીજા ભાગમાં રાજાની કબરની ઉપર પાંચ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા
નવી દિલ્હી,તા. 3 માર્ચ 2023, શુક્રવાર
વિશ્વની ખ્યાતનામ સાત અજાયબીઓમાં શામેલ ગીઝાના ગ્રેટ પિરામિડે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ 4500 વર્ષ જૂના પિરામિડની રચના વિશે જ ચર્ચા કરતા હતા. હવે વૈજ્ઞાનિકોએ ગ્રેટ પિરામિડના મુખ્ય પ્રવેશદ્વાર પાસે નવ મીટર એટલેકે અંદાજિત 30 ફૂટ લાંબો છુપાયેલ કોરિડોર શોધી કાઢ્યો છે. ઇજિપ્તની પુરાતત્વ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પિરામિડની અંદરની શોધ સ્કેન કરેલા પિરામિડ પ્રોજેક્ટના ભાગ રૂપે હાથ ધરવામાં આવી હતી. આ માટે વૈજ્ઞાનિકોની ટીમ 2015થી ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી, 3D સિમ્યુલેશન અને કોસ્મિક-રે ઇમેજિંગ સહિતની સંરચનાને નુકશાન ન કરતી તકનીકોનો ઉપયોગ કરી રહી છે.
કોરિડોરની શોધમાં શું બહાર આવ્યું?
નેચર જર્નલમાં ગુરુવારે પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે આ શોધ પિરામિડના નિર્માણ અને કોરિડોરની સામે સ્થિત ચૂનાના પત્થરના માળખાના હેતુ વિશે સમજ આપી શકે છે. ગીઝાનો મહાન પિરામિડ ઈસવિસન પૂર્વે 2560ની આસપાસ ફારુન ખુફુ અથવા ચેઓપ્સના શાસન દરમિયાન સ્મારક અને કબર તરીકે બાંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ પિરામિડ 146 મીટર (479 ફૂટ) ઊંચો હતો, પરંતુ હવે તે માત્ર 139 મીટર જ બચ્યો છે. 1889માં પેરિસમાં એફિલ ટાવરના નિર્માણ સુધી આ માનવસર્જિત સૌથી ઉંચુ બનાવેલ સ્ટ્રકચર હતું.
વજન વહેંચવા માટે બનાવાયો હતો ગુપ્ત કોરિડોર :
ઇજિપ્તની સુપ્રીમ કાઉન્સિલ ઓફ એન્ટિક્વિટીઝના વડા મુસ્તફા વઝીરીએ જણાવ્યું કે અધૂરો કોરિડોર કદાચ પિરામિડના વજનને મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ અથવા હજુ સુધી શોધાયેલ ચેમ્બર અથવા જગ્યાઓની આસપાસ વજન વહેંચવા માટે બનાવવામાં આવ્યો હતો. મુખ્ય પ્રવેશદ્વારનો ઉપયોગ હવે પ્રવાસીઓની અવરજવર માટે થાય છે. આ ખોખલો(હોલો) કોરિડોર મુખ્ય દરવાજાથી સાત મીટર દૂર છે. "અમે શું કરી શકીએ તે જોવા માટે અમે અમારી સ્કેનિંગ ચાલુ રાખીશું," તેમણે કહ્યું. આ કોરિડોરના તળિયે અથવા અંત સુધી આપણને શું મળે છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પિરામિડમાં બનાવવામાં આવ્યા છે સિક્રેટ રૂમ :
માનવામાં આવે છે કે, પિરામિડના બીજા ભાગમાં રાજાની કબરની ઉપર પાંચ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. તેમનું કામ પિરામિડના વજનને એકબીજામાં વહેંચવાનું હતું. વઝીરીએ કહ્યું કે તે શક્ય છે કે ફારુન પાસે એક કરતાં વધુ દફન ચેમ્બર હોય. જાપાનના 6 મીમી-જાડા એન્ડોસ્કોપે પિરામિડના પત્થરોમાં નાના સાંધા દ્વારા આ કોરિડોરની ફોટોગ્રાફી કરી. તે કોસ્મિક-રે મ્યુઓન રેડિયોગ્રાફી દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.