ભારતની સરકારી વેબસાઇટ થઈ હેક: આઠ મહિનાથી યુઝરની સાથે છેતરપિંડી થઈ રહી હોવા છતાં કોઈ પગલાં નથી લેવાયા
Government Websites Hacked: ભારત સરકારની ઘણી સરકારી વેબસાઇટ હાલમાં રિડાયરેક્ટ થઈને સ્કેમ સાઇટ પર જઈ રહી છે. આ કારણે યુઝર્સ સાથે છેતરપિંડી થઈ રહી છે. સાઇટ રિડાયરેક્ટ થવાને કારણે ઘણા યુઝર્સ સાથે છેતરપિંડી થવાના રિપોર્ટ બહાર આવી રહ્યા છે. છેતરપિંડી કોઈની સાથે પણ થઈ શકે છે, પરંતુ સરકારી સાઇટ પર થઈ રહી હોવાની વાત મોટી છે. આ વેબસાઇટ 2024ના મે મહિનામાં હેક થઈ હતી, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.
સરકારી વેબસાઇટ થઈ હેક
સરકારી વેબસાઇટની પાછળ gov.in લાગે છે. આવી લગભગ 90 વેબસાઇટને હેક કરવામાં આવી હતી. આમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચર રીસર્ચ અને ઇન્ડિયન પોસ્ટથી લઈને હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યની સરકારી વેબસાઇટ પણ હેક થઈ હતી.
કેવી રીતે કરવામાં આવે છે છેતરપિંડી?
કોઈ પણ સરકારી વેબસાઇટ ખોલતાં યુઝરને તરત જ અન્ય વેબસાઇટ પર લઈ જવામાં આવે છે જેને રિડાયરેક્ટ કહેવામાં આવે છે. આ વિશે યુઝરને જાણ પણ નથી થતી. તેમણે ઓરિજિનલ વેબસાઇટ લખી હોય છે, પરંતુ તેને હેક કરી લેવામાં આવી હોવાથી તેમને અલગ વેબસાઇટ પર લઈ જવામાં આવે છે, જે સરકારી વેબસાઇટ જેવી જ દેખાતી હોય છે. ઘણી વખત યુઝર્સને આ રીતે ઓનલાઇન બેટિંગ વેબસાઇટ પર પણ લઈ જવામાં આવે છે.
સરકારના પગલાં
સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા એ સમયે કેટલીક વેબસાઇટને રિકવર કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ એ ચોક્કસ નથી કે સરકાર દ્વારા તેને ખરેખર સોલ્વ કરવામાં આવી હતી કે કેમ, કારણ કે હજી પણ આ વેબસાઇટ પર ક્લિક કરતાં યુઝરને રિડાયરેક્ટ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઇસરો દ્વારા સ્પેડેક્સ મિશનની ડોકિંગ પ્રોસેસને લંબાવવામાં આવી: જાણો કેમ
ફરી થયું હેક?
સરકારની ટીમ દ્વારા એ સમયે વેબસાઇટને રિકવર કરવામાં આવી હોય એવું બની શકે છે. પરંતુ તેની મૂળમાં જઈને એ વેબસાઇટ કેમ હેક થઈ અને તેનું કારણ શું હતું એ શોધવાની કોશિશ પણ ન કરી હોય એવું લાગી શકે છે. સરકાર દ્વારા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા સર્વર કોન્ફિગ્રેશનમાં બદલાવ કરવામાં ન આવે અને તેની સિક્યોરિટી વધારવામાં ન આવે ત્યાં સુધી હેકર્સ વારંવાર તેને હેક કરી શકે છે. એક વાર રસ્તો ખબર પડતાં તેમની આ વેબસાઇટ હેક થતાં થોડી જ ક્ષણો લાગે છે.