મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને રિપેર કરવા વિશેની માહિતી ગ્રાહકને આપવા માટે સરકાર બનાવશે પેનલ
Repair Information: સરકાર દ્વારા એક પેનલ બનાવવાનું નક્કી કર્યું છે. આ પેનલ દ્વારા એક ફ્રેમવર્ક બનાવવામાં આવશે અને એનો ઉદ્દેશ ગ્રાહકોને રિપેરેબિલિટી વિશે જરૂરી માહિતી આપવાનો છે. આ ઉપરાંત સ્પેર પાર્ટ્સ ગ્રાહકોને મળશે કે નહીં એની પણ જાણકારી તેમની પાસે હોવાથી તેઓ પ્રોડક્ટ ખરીદવાનો નિર્ણય વધુ ચોક્કસ રીતે લઈ શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્સ્યુમર અફેર્સ (DoCA) દ્વારા રિપેરેબિલિટી ઇન્ડેક્સ માટે ફ્રેમવર્ક બનાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનો ઉદ્દેશ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં દરેક પ્રોડક્ટ ટકાઉ હોય એ નક્કી કરવાનો છે.
સરકારે 24 સપ્ટેમ્બરે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘રિપેરેબિલિટી ઇન્ડેક્સની મદદથી DoCA ગ્રાહકોને તેમના પ્રોડક્ટ વિશે તમામ પ્રકારની માહિતી મળી રહે એ વાતની કાળજી રાખશે. તેમ જ આ ડિપાર્ટમેન્ટ ટેકનોલોજી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પણ માંગે છે.’
ઘણી કંપનીઓના પ્રતિનિધિઓ પણ હશે આ કમિટીમાં
આ સમિતિનું નેતૃત્વ DoCAના એડિશનલ સેક્રેટરી ભરત ખેરા કરશે. એમાં MiETY અને MSMEના અધિકારીઓની સાથે ભારતીય સેલ્યુલર ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અને સેમસંગ, ગૂગલ ઇન્ડિયા, HMD મોબાઇલ્સ ઇન્ડિયા જેવી કંપનીઓના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
ગ્રાહકને મળશે સંપૂર્ણ માહિતી
આ કમિટી 15 નવેમ્બર, 2024 સુધીમાં રિપેરેબિલિટી ઇન્ડેક્સ માટે ફ્રેમવર્ક માટેનો રિપોર્ટ રજૂ કરશે. આ વિશે સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘રિપેરેબિલિટી ઇન્ડેક્સની મદદથી ગ્રાહકો રિપેર થઈ શકે એવા જ પ્રોડક્ટ ખરીદવા માટે પ્રોત્સાહિત થશે. કેવી રીતે રિપેર કરવામાં આવશે એ માહિતીની સાથે રિપેર કરી શકાય એવી પ્રોડક્ટની સરખામણી પણ કરી શકે એવી રીતે એક સિસ્ટમ બનાવવામાં આવશે. મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ માટે આ સિસ્ટમ હશે.’
ગ્રાહકના હિતનું ધ્યાન રખાશે
રિપેર થઈ શકે એ માટેની તમામ માહિતી ફક્ત ગ્રાહકના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. ગ્રાહક દ્વારા રિપેર થઈ શકે એ તમામ પ્રોડક્ટની તુલના તો કરી જ શકશે, પરંતુ એ સાથે જ પ્રોડક્ટને રિપેર કરવાનો ખર્ચ કેટલો થઈ શકે એ પ્રકારની માહિતી આપવાનો પણ પ્લાનિંગ છે. તેથી ભવિષ્યમાં પ્રોડક્ટમાં કંઈ થયું તો રિપેર ખર્ચ શું આવી શકે એને પણ ધ્યાનમાં રાખીને ખરીદી કરી શકાય. આથી આ તમામ માહિતી પૂરી પાડીને ગ્રાહકનો સંતોષ થાય એનું ધ્યાન રાખવામાં આવશે