એપલ અને ગૂગલ સ્ટોર્સ પરથી ઘણાં VPN બ્લોક કર્યા સરકારે, કંપનીઓએ તેમના સર્વરને ભારતમાંથી કાઢી અન્ય દેશમાં શિફ્ટ કરવાની તૈયારી દેખાડી
Many VPN Apps Block: ભારત સરકાર દ્વારા હાલમાં જ કેટલાક વર્ચ્યુઅલ પ્રાયવેટ નેટવર્ક(VPN)ને બ્લોક કરવામાં આવ્યા છે. VPNનો ઉપયોગ કોઈ દેશ દ્વારા બ્લોક કરવામાં આવેલી ઍપ્લિકેશન અથવા તો કન્ટેન્ટને જોવા માટે કરવામાં આવે છે. એપલ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી ઍપ્લિકેશન છે, જેની મદદથી યુઝર્સ બ્લોક કન્ટેન્ટને જોઈ શકે છે અથવા તો ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
સરકારનો ઑર્ડર
ભારત સરકાર દ્વારા આ ઍપ્લિકેશનને સ્ટોર પરથી કાઢી નાખવા માટેનો ઑર્ડર આપવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સના ડિપાર્ટમેન્ટ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા આ ડિમાન્ડ કરવામાં આવી હતી. આ ઍપ્લિકેશન દ્વારા ભારત સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા હતા, તેનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. આથી, દરેક કંપનીઓને તેમના સ્ટોર પરથી આ ઍપ્લિકેશનને બ્લોક કરવાની સૂચના આપવામાં આવી છે.
કેમ કરવામાં આવ્યા બ્લોક?
સરકારના નિયમ અનુસાર ઍપ્લિકેશન બનાવવી જરૂરી છે. 2022માં સરકારે VPNના ફ્રેમવર્કમાં કેટલાક બદલાવ કર્યા હતા. આ નિયમ મુજબ, દરેક કંપનીઓને સૂચવાયું હતું કે તેમણે પાંચ વર્ષ સુધી યુઝર્સના નામ, એડ્રેસ, આઇપી એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટરીને સાચવી રાખવી પડશે. આ નિયમને જે પણ કંપનીઓ ફોલો નથી કરી રહી, તેમને બ્લોક કરી દેવામાં આવી છે. એમાં ક્લાઉડફ્લેરની ઍપ્લિકેશન 1.1.1.1નો પણ સમાવેશ થાય છે, જે VPN ઍપ્લિકેશનોમાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે.
કંપનીઓએ વ્યક્ત કરી ચિંતા
આ બાબતમાં એપલ, ગૂગલ અને સરકાર તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. જો કે નોર્ડVPN, એક્સપ્રેસVPN, સર્ફશાર્ક અને પ્રોટોનVPN જેવી કંપનીઓએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે યુઝર્સના આ રીતે ડેટા સાચવવું ખોટું છે.
આ પણ વાંચો: સિરી પ્રાઇવસી કેસમાં એપલ ચૂકવશે 815 કરોડ, હજારો યુઝર્સને મળી શકે છે 1700 રૂપિયા
ભારતમાંથી સર્વર કાઢી બીજા દેશમાં મૂકશે કંપનીઓ
સરકારના આ નિયમ સામે ચિંતા વ્યક્ત કર્યા બાદ, ઘણી કંપનીઓએ તેમના સર્વરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારતમાંથી કાઢી અન્ય દેશમાં શિફ્ટ કરવાની તૈયારી દર્શાવી છે. નોર્ડVPN, એક્સપ્રેસVPN, સર્ફશાર્ક અને પ્રોટોનVPN જેવી કંપનીઓ હવે તેમની ઍપ્લિકેશનને ભારતમાં પ્રમોટ પણ નહીં કરે. ડેટા પ્રાઇવસી અને સરકારના નિયમોને લઈને ટેક કંપની અને સરકાર વચ્ચે ઘણા મતભેદ ચાલી રહ્યા છે.