Get The App

સુપર કમ્પ્યુટરને જે કામ કરતાં વર્ષો લાગ્યા તે ગૂગલની ચીપે પાંચ મિનિટમાં કરી બતાવ્યું

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
સુપર કમ્પ્યુટરને જે કામ કરતાં વર્ષો લાગ્યા તે ગૂગલની ચીપે પાંચ મિનિટમાં કરી બતાવ્યું 1 - image



Google Chip News | ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જે તેવી તેની નવી ચીપ 'ગૂગલ વિલો' લોન્ચ કરી દીધી છે. આ ચીપ ક્વોન્ટમ કમ્પ્યુટર્સના ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે.  ગૂગલે કહ્યું કે, આ ચીપ નેક્સ્ટ જનરેશન ચીપ છે, જે સુપર કમ્પ્યુટર કરતાં પણ અનેક ગણી વધુ ઝડપી છે. આ ચીપ ગૂગલના કેલિફોર્નિયા સ્થિત સાન્તા બાર્બરાની ક્વોન્ટમ લેબમાં બનાવાઈ છે. આ ચીપથી સજ્જ ક્વોન્ટમ કમ્પ્યુટરની મદદથી અત્યંત જટિલ મેથેમેટિકલ પ્રોબ્લેમનો માત્ર પાંચ મિનિટમાં ઉકેલ લાવવામાં આવ્યો છે. સામાન્ય કમ્પ્યુટરથી આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવત તો તેમાં લાખો વર્ષોનો સમય લાગી જાત.

ક્વોન્ટમ કમ્પ્યુટરમાં આ ચીપનો મોટાપાયે વપરાશ થવા સાથે તેની ગણતરી કરવાની ગતિમાં અભૂતપૂર્વ વધારો થશે જેના કારણે ક્વોન્ટમ કમ્પ્યુટર ટેકનોલોજીમાં ધરમૂળથી  પરિવર્તનો આવશે. કંપનીની સાન્ટા કલેરામાં આવેલી ક્વોન્ટમ લેબમાં વિકસાવવામાં આવેલી વિલો ચીપ 105 ક્યુબિટ્સથી સજ્જ છે. જો કે, આ ચીપનો હાલ કોઇ કમર્શિયલ ઉપયોગ નથી. કંપની માને છે કે  આ ચીપથી સજ્જ તેના નવા ક્વોન્ટમ કમ્પ્યુટર મેડિસિન, બેટરી ટેકનોલોજી અને આર્ટિફિશ્યલ ટેકનોલોજી ક્ષેત્રમાં નવા પડકારોને ઝીલી બતાવશે જે ઝીલવાની આજના કમ્પ્યુટર્સની ક્ષમતા નથી. ગૂગલના સીઈઓ સુંદર પીચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર પોસ્ટ કરીને 'ગૂગલ વિલો' ચીપસેટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં પાયાનોએકમ ક્યુબિટસ છે જે બિટ્સ કરતાં ઝડપી છે પણ તેમાં અણુસ્તરે સહેજ પણ હલચલ થાય તો ભૂલ થવાની સંભાવના રહે છે. આ ભૂલો મોટા અવરોધ સમાન છે. કેમ કે જેમ ચીપ પર ક્યુબિટ્સ વધે તેમ તેની ભૂલોની સંખ્યા પણ વધતી જાય જેના કારણે તેની કામગીરી પણ વિપરીત અસર પડે. ગૂગલનો દાવો છે કે તેણે વિલોના ક્યુબિટ્સને એવી રીતે સાંકળ્યા છે કે તેની સંખ્યા વધવા છતાં ભૂલોનો દર ઘટાડી શકાશે. હવે આ ભૂલો થતી હોય ત્યારે જ સુધારી લેવાની ક્ષમતા પણ વિકસાવવામાં આવી હોવાનો કંપનીએ દાવો કર્યો  છે. આમ, ક્વોન્ટમ કમ્પ્યુટર વ્યવહારુ ઉપયોગમાં લેવાની દિશામાં આ મહત્વની શોધ પુરવાર થશે. 

ગૂગલ ક્વોન્ટમ એઆઇના વડા હાર્ટમુટ નેવેને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે હવે બ્રેક ઇવન પોઇન્ટ પસાર કરી ચૂક્યા છીએ. કંપનીએ વિલો માટે જ સમર્પિત ફેબ્રિકેશન સુવિધા ઉભી કરવા મોટું મૂડીરોકાણ કર્યું છે જેથી ચીપના વિકાસનું ચક્ર ઝડપથી ફેરવી શકાય. આ ક્ષેત્રમાં અન્ય સ્પર્ધક કંપનીઓ વધારે ક્યુબિટસ સાથેની ચીપ વિકસાવી રહી છે પણ ગૂગલે ક્યુબિટની વિશ્વસનીયતાને અગ્રક્રમ આપ્યો છે. નેવેેને જણાવ્યું હતું કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં હવે પછીનું પગલું ઉપયોગી અને પરંપરાગત કમ્પ્યુટર ન કરી શકે તેવા કામો કરવાનું હશે. અમને આશા છે કે વીલો જનરેશનની ચીપ આ ધ્યેય હાંસલ કરવામાં સહાયક નીવડશે. 

ગૂગલે દાવો કર્યો છે કે વીલો ચીપ એટલી ઝડપે ગણતરી કરે છે કે તે જે કામ પાંચ મિનિટમાં કરે તેને ઝડપી સુપરકમ્પ્યુટર કરવા જાય તો તેને એકડાની પાછળ ૨૫ મીંડા આવે તેટલા વર્ષ લાગે.બીજા શબ્દોમાં  કહીએ તો  બ્રહ્માંડની વય કરતાં પણ વધારે વર્ષ લાગે. જો કે ગૂગલના ૅઆવા દાવાથી અંજાઇ જવા જેવું નથી. 

૨૦૧૯માં ગૂગલે દાવો કર્યો હતો કે તેની ક્વોન્ટમ ચીપ જે કામ કરે છે તે કામ પરંપરાગત કમ્પ્યુટર કરવા જાય તો તેને દસ હજાર વર્ષ લાગે. પણ આઇબીએમ કંપનીએ દલીલ કરી હતી કે જો પુરી ક્ષમતાએ  ક્લાસિકલ કમ્પ્યુટર કામ કરે તો આ કામ માત્ર અઢી દિવસમાં જ કરી શકાય તેમ છે. આવી ટીકા આ વખતે ન થાય તે માટે ગૂગલે જણાવ્યું છે કે આદર્શ સ્થિતિમાં પણ ક્લાસિકલ કમ્પ્યુટરને વીલો ચીપ જેવા પરિણામ મેળવવામાં અબજો વર્ષ લાગે તેમ છે.

ગૂગલની નવી વિલો ચીપમાં 105 ક્યુબિટ્સ

ક્વોન્ટમ કમ્પ્યુટર અને તેનો એકમ ક્યુબિટ્સ કેવી રીતે કામ કરે છે?

સાન્ટા બાર્બરાઃ ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતો પર કામ કરતાં ખાસ પ્રકારના કમ્પ્યુટરમાટે ગૂગલે આ ખાસ પ્રકારની કમ્પ્યુટર ચીપ ડિઝાઇન કરી છે. સામાન્ય કમ્પ્યુટરમાં વપરાતી ચીપ માં 0 અથવા 1 એમ બે જ બિટ વપરાય છે. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરમાં ક્યુબિટ એટલે કે ૦,૧, અથવા બંને એકમ એકસાથે વાપરવામાં આવે છે. જેને કારણે ક્વોન્ટમ ચીપ વધારે સંકુલ ગણતરીઓ અતિઝડપે પાર પાડી શકે છે. જે પરંપરાગત સામાન્ય કમ્પ્યુટરમાં કરવી શક્ય હોતી નથી.

ગૂગલની નવી વિલો ચીપમાં ૧૦૫ ક્યુબિટ્સ છે.


Google NewsGoogle News