ફક્ત આઇફોન માટે જેમિની એપ બનાવી રહ્યું છે ગૂગલ, એન્ડ્રોઇડમાં પણ ના હોય એવું ફીચર ઉમેરાશે
Google Gemini App For iPhone: ગૂગલ હાલમાં આઇફોન માટે જેમિની એપ્લિકેશન બનાવી રહ્યું છે. ગૂગલ દ્વારા તેમનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમિનીને એન્ડ્રોઇડના મોટાભાગના ફીચર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, એપલ માટે હવે જેમિની લાઇવ નામની એપ્લિકેશન પર કામ ચાલી રહ્યું છે. એન્ડ્રોઇડની સાથે એપલ યુઝર્સને પણ ટાર્ગેટ કરવા માટે ગૂગલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આઇફોન માટે એપ્લિકેશન
ગૂગલ દ્વારા હાલ જ એપલની આઇફોન એપ્લિકેશન પર કામ કરવામાં આવી રહ્યું છે. એન્ડ્રોઇડમાં ગૂગલ એપ્લિકેશન, જીમેલ અને ગૂગલની અન્ય દરેક એપ્લિકેશનમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી એપલના આઇફોનમાં યુઝર્સ એનો ઉપયોગ કરી શકે એ હેતુથી ગૂગલ દ્વારા ખાસ આઇફોન માટે એપ્લિકેશન બનાવવામાં આવી રહી છે. ગૂગલની આ એપ્લિકેશનની ટેગ લાઇન છે ‘અનલોક ધ પાવર ઓફ ગૂગલ AI ઓન આઇફોન’. આ એપ્લિકેશનના કારણે આઇફોન યુઝર્સે ગૂગલની એપ્લિકેશન નાખવી કે એને ઓપન કરવાની જરૂર નહીં રહે.
ફીચર્સ
જેમિની એપ્લિકેશનમાં એક નવું ફીચર આપવામાં આવ્યું છે, જેનું નામ છે 'જેમિની લાઇવ'. આ ફીચર ગૂગલની અન્ય જેમિની એપ્લિકેશનોમાં નથી. એટલે કે આ ફીચર ફક્ત આઇફોન યુઝર્સ માટે છે. આ ફીચરની મદદથી, જો યુઝર પોતાનો આઇફોન ઉપયોગ કરી રહ્યો છે, તો પણ જેમિની એક્ટિવ રહેશે. ગમે ત્યારે જરૂર પડે તો જેમિની યુઝરને મદદ કરશે. એન્ડ્રોઇડમાં આ ફીચર અત્યારે નથી, પરંતુ ભવિષ્યમાં તેવું શક્ય છે.
આ પણ વાંચો: આઇફોનનું નવું ફીચર: સિક્યોરિટી એજન્સી માટે પણ ડેટા કલેક્ટ કરવાનું થયું મુશ્કેલ
ક્યારે રિલીઝ થશે?
ગૂગલ દ્વારા હાલમાં આ એપ્લિકેશનને ટેસ્ટ કરવામાં આવી રહી છે. આ એપ્લિકેશનને રિલીઝ કરવા પહેલાં અનેક દેશોમાં ટેસ્ટ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે, જે રીતે ગૂગલની મદદથી જેમિનીનો ઉપયોગ કરવામાં આવે છે, એ જ રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ થશે. એક વાર એપ્લિકેશન રિલીઝ થઈ જાય ત્યારબાદ, તેના તમામ ફીચર્સનો ઉપયોગ કરી શકાશે.