મુંબઈની ઑફિસ માટે એક મહિનાનું 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે ગૂગલ
Google Office Rent: ગૂગલ દ્વારા મુંબઈમાં તેમની ઑફિસ માટે ખૂબ જ મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે. આ ઑફિસ મુંબઈના બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી છે. આ માટે ગૂગલ દ્વારા એક મહિનાનું 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે.
ગૂગલ ઇન્ડિયા અને ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા દ્વારા તેમની ઑફિસનું લીઝ એગ્રીમેન્ટ રીન્યુ કરાવવામાં આવ્યું છે. ગૂગલ ઇન્ડિયાની ઑફિસ 1,10,980 સ્ક્વેર ફૂટની છે અને તે બે માળમાં ફેલાયેલી છે. ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાની ઑફિસ 38,678 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે. આ બન્ને ઑફિસ માટે ગૂગલ ટોટલ 4.79 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવશે. સ્ક્વેર યાર્ડ્સ દ્વારા રીવ્યુ કરવામાં આવેલા ડૉક્યુમેન્ટ અનુસાર ગૂગલ દ્વારા આ મહિને જ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે.
આ ઑફિસ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સેન્ટરમાં આવેલી છે. આ પ્રોપર્ટી 1.99 એકરમાં ફેલાયેલી છે અને તેમાં ઘણી ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ, બૅન્ક અને કોર્પોરેટ ઑફિસો આવેલ છે. એમાંથી ગૂગલ પણ એક છે. આ બિલ્ડિંગમાં ગૂગલ ઇન્ડિયા તેની ઑફિસ માટે મહિનાનું 3.55 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે. આ લીઝ આગામી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે અને એની શરુઆત જૂન 2025થી થશે. આ માટે ગૂગલ ઇન્ડિયા દ્વારા 9.64 કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ મૂકવામાં આવી છે. આ લીઝ એગ્રીમેન્ટમાં એક સ્ક્વેર ફૂટના 320 રૂપિયા ભાડું છે અને તેમાં સ્ટેમ્પ ડ્યુટીના 1.87 કરોડ અને રજિસ્ટ્રેશન ચાર્જીસ 30000નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાના અગ્રીમેન્ટ મુજબ તેમના દ્વારા 1.24 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ ઑફિસ એક જ ફ્લોરની છે. ગૂગલ ઇન્ડિયાની જેમ આ ઑફિસનું ભાડું પણ એક સ્ક્વેર ફૂટના 320 રૂપિયા છે. જોકે આ ભાડું ત્રણ વર્ષ બાદ પંદર ટકા વધશે. આ માટે ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા દ્વારા 3.13 કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ ભરી છે. એમાં 66.92 લાખ સ્ટેમ્પ ડ્યુટી અને 30000 રજિસ્ટ્રેશનના છે.
આ પણ વાંચો: એપલના પ્રથમ ફોલ્ડેબલ આઇફોનમાં હશે ચાઇનિઝ લેન્સ ટૅક્નોલૉજી ગ્લાસ: 2026માં થશે લોન્ચ
ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા દ્વારા કંપનીની ક્લાઉડ કમ્પ્યુટિંગ સોલ્યુશન, ડેટા એનાલિટિક્સ અને બિઝનેસ માટેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સર્વિસને જોવામાં આવે છે. ગૂગલ ઇન્ડિયા દ્વારા ભારતમાં એડ્સ, સર્ચ એન્જિન અને દરેક ડિજિટલ ઇનિશિએટીવને હેન્ડલ કરવામાં આવે છે.