ગૂગલે લીધો યુ-ટર્ન: હથિયાર બનાવવા માટે AI નહીં બનાવવાની પ્રતિજ્ઞાથી બનાવ્યું અંતર, અમેરિકાની સિક્યોરિટી પર કરશે ફોક્સ
Google U-Turn on AI: ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ દ્વારા યુ-ટર્ન લેવામાં આવ્યો છે. ગૂગલે તેમની ગાઇડલાઇન્સમાં સમાવેશ કર્યો હતો કે કંપની કોઈ પણ દિવસ હથિયાર અથવા તો જાસૂસી કરવા માટે ઉપયોગમાં આવી શકે એવા સાધન માટે AI નહીં બનાવે. જોકે નવી ગાઇડલાઇન્સમાંથી એને હટાવી દેવામાં આવ્યું છે. આથી ગૂગલ દ્વારા સંપૂર્ણ રીતે યુ-ટર્ન લેવામાં આવ્યો છે. તેમની જૂની ગાઇડલાઇન પ્રમાણે AIનો ઉપયોગ કોઈને પણ નુક્સાન થાય એ માટે ઉપયોગમાં નહીં કરી શકાય એમ હતું, જેમાં હવે પરિવર્તન લાવવામાં આવ્યું છે.
ગૂગલનો યુ-ટર્ન
ગૂગલ દ્વારા તેમની પોલીસી દ્વારા યુ-ટર્ન લેવામાં આવ્યો છે. તેમણે એમાં બદલાવ કરીને કહ્યું છે કે તેઓ જવાબદારી પૂર્વક AIનું ડેવલપમેન્ટ કરશે. આ AIમાં ફીડબેકના આધારે બદલાવ કરવાની સાથે એના પર કેવી રીતે નજર રાખી શકાય એ રીતે બનાવવાની વાત કરી છે. તેમણે તેમની પોલીસીમાંથી કોઈને નુક્સાન ન થાય એ શબ્દને કાઢી નાખ્યો છે. હવે તેમણે પોલીસીમાં એ વસ્તુનો ઉમેરો કર્યો છે કે કંપનીનો ગોલ સોશિયલ જવાબદારી પૂરી કરવાનો તેમ જ ઇન્ટરનેશનલ કાયદા મુજબ સ્વીકારવામાં આવેલા નિયમો મુજબ અને હ્યુમન રાઇટ્સને ધ્યાનમાં રાખીને AIને બનાવવામાં આવશે. આ પોલીસી મુજબ કંપની હવે હથિયાર અને જાસૂસીમાં કામ આવી શકે એવા AI પણ બનાવશે. ચીને આ પ્રકારનું AI બનાવ્યું હોવાથી તેમના પર અમેરિકાનું પ્રેશર આવ્યું હોય એ પણ બની શકે છે.
કંપની દ્વારા કરવામાં આવ્યો પોતાનો બચાવ
ગૂગલે પોલીસીમાં બદલાવ કર્યો હોવાથી તેમના પર ઘણાં સવાલ કરવામાં આવી રહ્યા છે. આ માટે ગૂગલની સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જેમ્સ મનિકા અને ગૂગલની AI લેબ ડીપમાઇન્ડની હેડ ડેમિસ હસાબિસ દ્વારા એનો બચાવ કરવામાં આવ્યો છે. તેમણે બ્લોગ આ વિશે કંપનીએ કેમ બદલાવ કર્યો એ વિશે જણાવ્યું હતું. ટૂંકમાં કંપનીએ હવે એ નિર્ણય લીધો છે કે બિઝનેસની સાથે તેઓ હવે તેમની (અમેરિકા) સરકારની જરૂરિયાત શું છે એના પર પણ ફોક્સ કરી રહી છે. નેશનલ સિક્યોરિટી પર કોઈ રિસ્ક ન આવે એ માટે હવે AI ટૂલ બનાવવામાં આવશે.
પરિવર્તનની જરૂર
ગૂગલના કર્તાધર્તા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમણે જૂની પોલીસી છેક 2018માં લોન્ચ કરી હતી. એ સમયે AI નવું હતું અને એનો આટલો ઉપયોગ નહોતો થયો. જોકે સમય બદલાયો છે. હવે રોજેરોજની લાઇફમાં દરેક વ્યક્તિ AIનો ઉપયોગ કરે છે. AIનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે નહીં અને એનાથી શું નુ્કસાન થાય છે એની સમજ અને જાણ લોકોને છે. આથી કંપનીએ પણ 2025માં ઍડ્વાન્સ ટૅક્નોલૉજી સાથે ચાલવાની સાથે તેમની પોલીસીમાં પણ પરિવર્તન કર્યું છે.
સરકાર સાથે મળીને કામ કરશે કંપનીઓ
ગૂગલના હેડ દ્વારા તેમની પોસ્ટમાં એ જણાવવામાં આવ્યું હતું કે કંપનીઓ અને સરકાર દ્વારા સાથે મળીને કામ કરવું જોઈએ. બન્ને સાથે મળીને કામ કરશે ત્યારે એવી પ્રોડક્ટ બનાવવી જેનાથી સ્વતંત્રતા અને સમાનતા જળવાઈ રહે અને હ્યુમન રાઇટ્સનું પણ ધ્યાન રાખવામાં આવે. આ સાથે જ દેશની સિક્યોરિટીને પણ આંચ ન આવે અને દેશના લોકોના પ્રોટેક્શન માટે પણ એ ટૂલ જરૂરી સાબિત થઈ શકે.
બિઝનેસને મળશે વેગ
ગૂગલનો એન્યુઅલ રિપોર્ટ હાલમાં જાહેર કરવામાં આવ્યો છે. એમાં કંપનીએ પોતાની અપેક્ષા કરતાં ઓછો બિઝનેસ કર્યો હોવાનું સ્વીકાર્યું છે. એની અસર તેમના શેર પર પણ થઈ છે. જોકે અમેરિકાના ઇલેક્શનને કારણે ગૂગલના ડિજિટલ એડ્સ રેવેન્યુમાં દસ ટકાનો વધારો થયો છે. કંપની હવે AI પ્રોજેક્ટ પાછળ આ વર્ષે અંદાજે 75 બિલિયન ડૉલર ઇનવેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ ઇનવેસ્ટમેન્ટ દ્વારા કેવી પ્રોડક્ટ અને ટૅક્નોલૉજી બનાવવામાં આવશે એ તો સમય જણાવશે.