ગૂગલ ટ્રાન્સલેટમાં વધુ 110 ભાષા ઉમેરાઈ, અવધી અને મારવાડી સહિત સાત ભારતીય ભાષા-બોલી પણ સામેલ
Google Translate: અનુવાદ માટે વિશ્વાસપાત્ર એવી Google ની સર્વિસ ‘Google Translate’ એ ફરી એક વાર પોતાનો ફલક નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે. અત્યારે સુધી 233 ભાષાઓમાં અનુવાદની સગવડ આપતી ગૂગલે હવે 110 નવી ભાષાઓનો ઉમેરો કરીને મોટી છલાંગ લગાવી છે. Google Translate ની મદદથી હવે દુનિયાની 243 ભાષાઓનો અનુવાદ કરવાનું શક્ય બન્યું છે. ભારતીયોને રસ પડે એવી વાત એ છે કે નવી ઉમેરણ પામેલી ભાષાઓમાં સાત ભારતીય ભાષાઓ/બોલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કઈ કઈ ભારતીય ભારતીય ભાષાઓ/બોલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?
જે સાત ભારતીય ભાષાઓ/બોલીઓનો Google Translate માં સમાવેશ કરવામાં આવ્યો છે એ છે અવધી, બોડો, ખાસી, કોકબોરોક, મારવાડી, સંતાલી અને તુલુ. એટલે એમ કહી શકાય કે કરોડો ભારતીયોનો નવો વર્ગ હવે Google Translate સગવડનો ઉપયોગ કરી શકશે. ભાષાપ્રેમી લોકો નવીનવી ભાષા શીખી શકે એ માટે Google Translate અનુવાદની નિઃશુલ્ક સગવડ પૂરી પાડે છે. દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી વ્યક્તિ આ સેવાનો લાભ લઈ શકે. આગામી સમયમાં ગૂગલ હજુ વધુ ભાષાઓ/બોલીઓમાં આ સગવડ પૂરી પાડશે.
આ પણ વાંચો : આ 35 સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જુઓ આખું લિસ્ટ
કઈ રીતે કામ ચાલે છે Google Translateનું?
Google ના ઇન-હાઉસ PaLM 2 લાર્જ લેન્ગવેજ મોડલ (LLM) ના ઉપયોગ દ્વારા નવી ભાષાઓનો ઉમેરો શક્ય બન્યો છે. આ સેવામાં અનુવાદનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કરવામાં આવે છે. AI મોડેલને તાલીમ આપવા માટે ઓનલાઈન ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, આપણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જેટલું ગુજરાતી લખીએ, એ બધું એનાલાઇઝ કરીને AI મોડલ પોતાની ગુજરાતી સમૃદ્ધ બનાવે છે. એ જ પ્રકારે એ પોતાની ગુજરાતીના જ્ઞાનને ગુજરાતીની મસિયાઈ બહેનો જેવી અન્ય ભાષાઓ (જેમ કે, મરાઠી) સમજવામાં વાપરે છે. આ રીતે જોઈએ તો પરોક્ષ રીતે આપણે બધાં જ AI મોડલની ભાષા-સમૃદ્દિમાં યોગદાન આપીએ છીએ. એક ભાષાના જ્ઞાન થકી AI અન્ય ભાષાઓમાં પારંગત થતું જાય છે અને એ જ્ઞાન અનુવાદના કામમાં વાપરે છે.
અધધધ 1,000 ભાષા/બોલીઓનો સમાવેશનું લક્ષ્ય!
નવેમ્બર 2022 માં ગૂગલે Google Translate અંતર્ગત વૈશ્વિક સ્તરે 1000 સૌથી વધુ બોલાતી ભાષા/બોલીઓનો સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. આ સીમાચિહ્નરૂપ લક્ષ્યાંક પાર પાડવા માટે હાલમાં 110 નવી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વિસ થકી ગૂગલ વૈશ્વિક ભાષાઓ અને પ્રાદેશિક બોલીઓ વચ્ચે સેતુબંધ સ્થાપવાનું મહત્ત્વપૂર્ણ અને પ્રસંશનીય કાર્ય કરી રહ્યું છે.