Get The App

ગૂગલ ક્રોમ માટે નવું ફીચર: AIની મદદથી બ્લોક કરશે પોપ-અપ એડ્સ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
ગૂગલ ક્રોમ માટે નવું ફીચર: AIની મદદથી બ્લોક કરશે પોપ-અપ એડ્સ 1 - image


Google Chrome New Feature: ગૂગલ હાલમાં એક નવું ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચર તેના ક્રોમ બ્રાઉઝર માટે છે અને એ એક AI આધારિત છે, જે વેબસાઇટ પર આવતી પોપ-અપ એડ્સને બ્લોક કરશે. આ ફીચરને પરમિશનAI નામ આપવામાં આવ્યું છે. આ ફીચર યુઝરના લોકેશન અને નોટિફિકેશન માટેની સતત આવતી વિનંતીઓને સમજે છે અને તેના આધારે કામ કરશે.

પરમિશનAI કેવી રીતે કામ કરશે?

પરમિશનAIને બે સર્વિસનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ગૂગલની પરમિશન પ્રીડિક્શન સર્વિસ અને જેમિની નેનો વર્ઝન 2નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બન્ને સર્વિસ યુઝરના ઉપયોગનું પરિક્ષણ કરશે અને એ અનુસાર કામ કરશે. યુઝરે ભૂતકાળમાં કઈ વેબસાઇટ અને કઈ પોપ-અપ વિન્ડોને પરવાનગી આપી છે અને કોને નથી આપી એ દરેક બાબતને ધ્યાનમાં રાખવામાં આવશે. જો યુઝર સતત વિનંતીઓને રીજેક્ટ કરતો હશે તો આ ફીચર પોપ-અપ વિન્ડોને પહેલેથી જ બ્લોક કરી દેશે અને યુઝરને એ દેખાડશે પણ નહીં. આથી, યુઝરનો સમય બચી જશે. ઘણી વેબસાઇટ પર સતત પોપ-અપ એડ્સ આવતી રહે છે, જેનાથી હવે યુઝરને છૂટકારો મળી જશે.

ટેસ્ટિંગ હેઠળ

આ ફીચર હાલમાં ટેસ્ટિંગ હેઠળ છે. પરમિશનAIની સૌથી મહત્ત્વની વાત એ છે કે એ યુઝરના ભૂતકાળના જવાબ પરથી નક્કી કરશે અને એ અનુસાર કામ કરશે. ઉદાહરણ તરીકે, જો યુઝર દરેક નોટિફિકેશનને બ્લોક કરતો હશે, તો AI એ આ આદતને ધ્યાનમાં રાખશે. આ ફીચર બરાબર કામ કરે છે કે નહીં એ માટે હાલ એનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર હાલ ડેવલપર વર્ઝનમાં છે અને સામાન્ય લોકો એનો ઉપયોગ નથી કરી શકતા. જો ફીચર બરાબર કામ કરતું થઇ જશે, તો એને બહુ જલદી લોન્ચ કરી દેવામાં આવશે.

ગૂગલ ક્રોમ માટે નવું ફીચર: AIની મદદથી બ્લોક કરશે પોપ-અપ એડ્સ 2 - image

મહત્ત્વનાં નોટિફિકેશન પણ નહીં દેખાડે એનો ડર

આ ફીચર ઉપયોગી તો છે, પરંતુ સાથે જ ઘણાં યુઝર્સને ડર પણ છે. ઘણી વાર મહત્ત્વનાં નોટિફિકેશન પણ વિવિધ વેબસાઇટ પરથી આવતાં હોય છે. આથી કયું નોટિફિકેશન મહત્ત્વનું છે અને કયું નહીં તે નક્કી કેવી રીતે કરશે એ અંગે જોવું રહ્યું. જો કોઈ મહત્ત્વનું નોટિફિકેશન બંધ કરી દેવામાં આવ્યું તો એનો પણ ડર યુઝર્સને છે.

આ પણ વાંચો: એન્ડ્રોઇડના કો-ફાઉન્ડર રિચ માઇનરે કહ્યું, ‘માઇક્રોસોફ્ટને 400 બિલિયન ડોલરનું નુકસાન, એ બિલ ગેટ્સની ભૂલ’

થર્ડ-પાર્ટી એપ્સ પર નિર્ભર નહીં રહેવું પડે

હાલમાં, દરેક વેબ બ્રાઉઝરમાં એડ્સને અટકાવવા માટે એક્સટેન્શન અથવા તો એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. આ માટે થર્ડ-પાર્ટી પર નિર્ભર રહેવું પડે છે. કયું એક્સટેન્શન અથવા એપ્લિકેશન સારું છે અને કયું ખરાબ એ નક્કી કરવું મુશ્કેલ છે. જો ક્રોમ પછી દરેક બ્રાઉઝર આ ફીચર્સનો સમાવેશ કરે, તો યુઝર્સને થર્ડ-પાર્ટી પર નિર્ભર નહીં રહેવું પડે.


Google NewsGoogle News