ગૂગલે એક SMS મોકલીને કરી જેમિની AI પર કામ કરનારાની હકાલપટ્ટી, જાણો કર્મચારીનો અનુભવ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંથી એક Googleમાં નોકરી મેળવવાનું સપનું ઘણાં લોકો જોતા હોય છે. જો કે આ મોટી કંપનીમાં કામ કરતા અનેક લોકોની નોકરી અચાનક છીનવાઈ જાય છે તે પણ હકીકત છે. ગૂગલનો લેટેસ્ટ પ્રોજેક્ટ Gemini AI ચેટબોટ છે અને કંપનીએ તેના પર કામ કરતા એક કર્મચારીની SMS મોકલીને હકાલપટ્ટી કરી છે. આ કારણસર ગૂગલની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ રહી છે.
ગૂગલના પૂર્વ કર્મચારી એલેક્સ કોહેને ટેક કંપનીમાંથી પોતાને કાઢી મૂકવા અંગેનો અનુભવ શેર કર્યો છે. કોહેને જણાવ્યું છે કે, ‘એક દિવસ અચાનક મારું Hangout અને Google Driveનું એક્સેસ છીનવાઈ ગયું. હું કંઈ જાણતો ન હતો, પરંતુ મારા મેનેજરે એક SMS મોકલીને જણાવ્યું કે, કંપનીમાંથી મારી હકાલપટ્ટી થઈ છે. કંપનીએ આ સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું પણ જરૂરી ન સમજ્યું.’
Gemini AI પર કામ કરી રહ્યો હતો એલેક્સ
માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર પોતાના ટર્મિનેશનની માહિતી આપતા કોહેને લખ્યું છે કે ‘હું ગૂગલના Gemini AI મોડેલ સાથે સબંધિત અલ્ગોરિધમ પર કામ કરતો હતો. મને દુ:ખ થઈ રહ્યું છે કે, મને આજે ગૂગલમાંથી કાઢી મૂકાયો. હું જેમિનીને શ્રેષ્ઠ બનાવવા માટે ડેવલપ કરવામાં આવી રહેલા અલ્ગોરિધમનો ઈન્ચાર્જ હતો. હું 12 મહિનાનો બ્રેક લઈ રહ્યો છું અને પછી નક્કી કરીશ કે, આગળ શું કરવાનું છે. આ પાંચ મહિનાની સફર મજેદાર રહી.
કર્મચારીના પગારમાં ત્રણ ગણો વધારો કરાયો હતો
આશ્ચર્યની વાત છે કે, છેલ્લા દિવસોમાં Perplexity AI CEO અરવિંદ શ્રીનિવાસે જણાવ્યું હતું કે ગૂગલે એક સમયે તેના કેટલાક કર્મચારીઓને 300% સુધીનો પગાર વધારો આપ્યો હતો. આ વધારો એવા કર્મચારીઓને આપવામાં આવ્યો હતો, જે કંપનીની રિસર્ચ ટીમનો ભાગ હતા. આ કર્મચારીઓનો AI વિભાગ સાથે કોઈ સીધો સંબંધ નહોતો.