સપ્તાહના 60 કલાક કામ કરો, L&Tના ચેરમેન બાદ ગૂગલની પણ કર્મચારીઓને સલાહ
Google More Working Hours Policy: ગૂગલ હવે તેમના કર્મચારીઓ પર કામનું પ્રેશર નાખી રહ્યું છે. ગૂગલ હવે AIની રેસમાં પાછળ રહેવા નથી માગતું. આથી, ગૂગલના કો-ફાઉન્ડર સર્ગી બ્રિન દ્વારા, તેમના કર્મચારીઓને અઠવાડિયાના 60 કલાક કામ કરવા અને રોજ ઓફિસ આવવા માટે કહેવામાં આવ્યું છે. સર્ગી બ્રિન દ્વારા એક ઇન્ટરનલ મેમોમાં કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની રેસમાં ગૂગલ સૌથી આગળ નીકળી શકે છે. જોકે, આ માટે કર્મચારીઓ દ્વારા વધુ કામ અને મહેનત કરવી પડશે.
48 કલાકથી વધુ કામ કરવા પર ભાર મુક્તી હસ્તીઓ
ઇંફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ 40 વર્ષ સુધી દર અઠવાડિયે 70 કલાકથી વધુ કામ કર્યું છે. તેમના સ્ટેટમેન્ટ બાદ, L&Tના ચેરમેન એસએન સુબ્રમણિયમ દ્વારા અઠવાડિયાના 90 કલાક કામ કરવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દા પર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા પણ ચાલી હતી. જોકે, આ તમામની વચ્ચે, ગૂગલ દ્વારા તેમના કર્મચારીઓને દિવસના 10 કલાક કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
દરરોજ ઓફિસ આવવાની સલાહ
સર્ગી બ્રિન દ્વારા, તેમના કર્મચારીઓને દરરોજ ઓફિસ આવવા માટેની સલાહ આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે, વર્કિંગ ડેના દિવસે ઓફિસ આવવાથી પ્રોડક્શનમાં વધારો થઈ શકે છે. તેમ જ, તેમણે દરરોજ દસ કલાક કામ કરવાની સલાહ આપી છે, પરંતુ એનાથી વધુ કામ કરવાથી તબીયત ખરાબ થઈ શકે છે એ વાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. સર્ગી બ્રિને કહ્યું કે, ‘કેટલાક કર્મચારી ઓછું કામ કરી રહ્યાં છે અને તેમને જોઈને અન્ય કર્મચારી પણ ઓછું કામ કરી શકે છે. એક ટીમ માટે આ પ્રેક્ટિસ ખૂબ જ ખરાબ છે.’
AIની રેસમાં આગળ રહેવું છે ગૂગલને
ગૂગલ હવે AIની રેસમાં આગળ રહેવું છે. આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ માટે, ગૂગલ જેમિની AI પર ખૂબ જ કામ કરી રહ્યું છે. સર્ગી બ્રિન મુજબ, જો કર્મચારીઓ વધુ મહેનત કરે અને વધુ જોર લગાવે, તો AIની રેસમાં દુનિયાભરમાં સૌથી વધુ આગળ નીકળી શકે છે. AIની હવે ફાઇનલ રેસ શરૂ થઈ ગઈ છે. દરેક દેશ અને દરેક કંપની સૌથી શ્રેષ્ઠ AI બનાવવાની કોશિશ કરી રહી છે. આથી, ગૂગલ દરેક કરતાં આગળ નિકળવાની કોશિશ કરી રહ્યું છે.
હાઇબ્રિડ વર્ક પોલિસીને હટાવી રહી છે ટેક કંપની
સર્ગી બ્રિનની આ વાત પરથી, એક વસ્તુ નક્કી છે કે ટેક કંપનીઓ હવે ધીમે ધીમે હાઇબ્રિડ વર્ક પોલિસી હટાવી રહી છે. અગાઉ ફેસબુક અને માઇક્રોસોફ્ટ દ્વારા પણ વર્કફ્રોમ હોમની પોલિસી હટાવી દેવામાં આવી હતી. એમેઝોન દ્વારા પણ જેમને ઓફિસમાંથી કામ ન કરવું હોય તેમને નોકરી છોડી દેવાની વાત કરી દેવામાં આવી હતી. ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને ફૂલ-ટાઇમ ઓફિસમાં લાવવા માટે કોશિશ કરી રહી છે. આ પહેલાં, ઘણી કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓ, જેઓ ઘરથી કામ કરી રહ્યા છે, તેમના કામના કલાકો વધારવાની પોલિસી અપનાવી હતી. 2022માં ચેટજીપીટી લોન્ચ થયું ત્યારથી AIની રેસ શરૂ થઈ ગઈ છે. ડીપસીક બાદ, કંપનીઓ પર હવે વધુ પ્રેશર આવી રહ્યું છે.