સંખ્યાબંધ ટૅક્સીના હૉર્ન અચાનક વાગતા લોકોની ઉંઘ હરામ, લોકોએ ગૂગલ પર ભડાશ કાઢી
Self-Driving Car Trigger Honking: સેન ફ્રાન્સિસ્કોના એક વિસ્તારમાં રહેતાં લોકોની ઊંઘ વહેલી સવારે બગડી ગઈ હતી. રોબોટૅક્સીના પાર્કિંગ લોટમાં એક સાથે બધી ટૅક્સીના હૉર્ન અચાનક વાગવાના શરુ થઈ ગયા હતા. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટની અન્ય કંપની વાયમો દ્વારા આ કારને ઓપરેટ કરવામાં આવે છે. આ રોબોટૅક્સીને ગૂગલ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટૅક્સીમાં હૉર્ન વાગતાં ત્યાંના લોકો ગુસ્સે થઈ ગયા હતા.
આ હૉર્ન પહેલાં એક કાર એમ એક પછી અન્ય કાર એમ ધીમે ધીમે શરુ થયા હતા. તેમ જ એક સમય બાદ આ હૉર્ન ખૂબ જ અગ્રેસિવ રીતે વાગવાના શરુ થયા હતા. આ પાર્કિંગ લોટની ઉપર રહેતી એક સૉફ્ટવેર એન્જિનિયર મહિલાએ આ વિશે સોશિયલ મીડિયા પર ભડાશ કાઢી હતી. ત્યાર બાદ એ વિસ્તારમાં રહેતાં ઘણાં લોકોએ વીડિયો પણ અપડલોડ કર્યા હતા.
આ પણ વાંચો: એપલના AI ફીચરનો ઉપયોગ કરવો છે? ચૂકવવા પડી શકે છે મહિને 1500 રૂપિયા...
હૉર્ન વાગવાનું કારણ શુ હતું?
આ પાર્કિંગ લોટમાં ફક્ત રોબોટૅક્સી પાર્ક કરવામાં આવે છે. વહેલી સવારે ચાર વાગ્યે એક પછી એક કાર પેસેન્જરને ડ્રોપ કરીને આ પાર્કિંગ લોટમાં આવી રહી હતી. એક કાર પાર્ક થયા બાદ બીજી કાર પાર્ક થઈ રહી હતી અને એ દરમ્યાન અન્ય કાર આવી રહી હતી. આમ એક પછી એક કાર આવતાં કાર આગળ-પાછળ થઈ રહી હતી અને હૉર્ન વાગવાના શરુ થઈ ગયા હતા. આ કારણસર ત્યાંના લોકોને ખૂબ જ ડિસ્ટર્બન્સ થયું હતું.
વાયમોએ શું કહ્યું?
કંપનીએ આ વિશે સ્ટેટમેન્ટમાં કહ્યું કે તેમની કાર સોમથી શુક્ર દરમ્યાન સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં પાર્કિંગ લોટમાં આવી જાય છે. જો કે વીકએન્ડ્સમાં લોકો પાર્ટી કરતાં હોવાથી કાર વહેલી સવારે ચાર વાગ્યા સુધી કાર્યરત હોય છે. આથી એક સાથે ઘણી કાર પાર્કિંગ લોટમાં આવી રહી હતી. પાર્કિંગ દરમ્યાન જે હૉર્ન વગાડવામાં આવે છે એના પર તેઓ હવે વહેલી તકે કામ કરી રહ્યા છે અને બહુ જલદી એનું સોલ્યુશન નવી અપડેટ દ્વારા આપવામાં આવશે.
આ પણ વાંચો: મોબાઇલમાં પ્રોબ્લેમ શોધવામાં માહેર છો? સેમસંગ કંપની ચૂકવશે લાખો-કરોડો રૂપિયા...
સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટૅક્સી પ્રોજેક્ટ
ગૂગલ દ્વારા આ પ્રોજેક્ટ 2009માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2016માં તેને રિ-બ્રાન્ડ કરીને ફરી લોન્ચ કરવામાં આવ્યો હતો. 2019ની ઑગસ્ટથી આ કારને સેન ફ્રાન્સિસ્કોમાં ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જો કે સેન ફ્રાન્સિસ્કોના રહેવાસીઓ દ્વારા આ કારની ટીકા કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે કાર ખૂબ જ ધીમે ચાલે છે અને ઘણી વાર રસ્તા વચ્ચે ઊભી રહી જતાં ટ્રાફિક જામ પણ થાય છે.