એન્ડ્રોઇડમાં આવ્યો છે પ્રોબ્લેમ, ગૂગલ સર્ચ કેમ ક્રેશ થઈ રહ્યું છે એ વિશે હજી પણ કંપની અજાણ
Google Search App Issue: ગૂગલ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે એન્ડ્રોઇડમાં સર્ચ એપ્લિકેશન બરાબર કામ નથી કરી રહી. આ સમસ્યા શનિવારે મોડી રાતથી શરૂ થઈ હતી. દુનિયાભરના યુઝર્સ જ્યારે પણ સર્ચ એપ્લિકેશનનો ઉપયોગ કરવા જઈ રહી હતી ત્યારે એ ક્રેશ થઈ જતી હતી.
એન્ડ્રોઇડ પર અસર
ગૂગલ દ્વારા એ વાતની પુષ્ટિ આપવામાં આવી છે કે તેમની સર્વિસમાં પ્રોબ્લેમ ચાલી રહ્યાં છે અને આ કેમ થયું એ માટે તેઓ હજી કારણ શોધી રહ્યાં છે. એન્ડ્રોઇડના ઘણાં વર્ઝનમાં આ પ્રોબ્લેમ જોવા મળ્યો હતો. લેટેસ્ટ વર્ઝનથી લઈને બીટા વર્ઝન તેમ જ જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં પણ આ સમસ્યા જોવા મળી હતી. ગૂગલ પિક્સેલ, સેમસંગ ગેલેક્સી જેવા હાઇ ક્લાસ મોડલથી લઈને બજેટ સ્માર્ટફોનમાં પણ આ સમસ્યા જોવા મળી હતી.
એપ્લિકેશનમાં પ્રોબ્લેમ
આ પ્રોબ્લેમને કારણે ગૂગલ એપ્લિકેશન ચાલતી બંધ થઈ ગઈ હતી. હોમસ્ક્રીન પર આવેલા આઇકનને ઓપન કરતાં એ તરત જ ક્રેશ થઈ જતી હતી અને ફરી હોમસ્ક્રીન આવી જતી હતી. ગૂગલ સર્ચ બારના વિજેટમાં પણ આ અસર જોવા મળી હતી. આ ઇશ્યુને કારણે ગૂગલ ડિસ્કવર અને વોઇસ સર્ચ સર્વિસમાં પણ સમસ્યા આવી હતી.
અન્ય ગૂગલ સર્વિસ હતી ચાલુ
ગૂગલ સર્ચ એપ્લિકેશનમાં તકલીફ હોવા છતાં અન્ય એપ્લિકેશનની સર્વિસ ચાલું હતી. ગૂગલ આસિસ્ટન્ટ, જેમિની, ગૂગલ લેન્સ અને સર્કલથી લઈને વેબ ગૂગલ સર્ચ જેવી તમામ સર્વિસ ચાલુ હતી. તેમ જ ક્રોમથી ગૂગલની વેબસાઇટ પર જઈને સર્ચ કરતાં પણ એ ચાલુ હતું. આ સમસ્યા ફક્ત એન્ડ્રોઇડની એપ્લિકેશનમાં હતી નહીં કે ગૂગલના અન્ય પ્લેટફોર્મ પર પણ. યૂટ્યુબ, જીમેલ, ડ્રાઇવ અને ગૂગલ ડોક્સ જેવી એક પણ સર્વિસ પર એની અસર નહોતી જોવા મળી.
સમસ્યાનો ઉકેલ હજી નથી મળ્યો
આ સમસ્યા કેમ થઈ અને એનો ઉકેલ શું એ હજી સુધી ગૂગલને નથી મળ્યું. ગૂગલ એપ્લિકેશનના જૂના વર્ઝનમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. તેમ જ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરીને ફરી ઇન્સ્ટોલ કરવાથી પણ આ સમસ્યાનું સમાધાન નથી થઈ રહ્યું. ગૂગલ પણ આ માટે કમરકસી રહ્યું છે.