ઇન્સ્ટન્ટ લોન આપતી 2200થી વધુ એપ્સ દૂર કરી, સરકારે આપી જાણકારી
ગૂગલે પ્લે સ્ટોર પ્લેટફોર્મ પરથી ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્સ હટાવી દીધી
Google removed fraud loan apps: ગૂગલે તેના પ્લેટફોર્મ પરથી 2200 થી વધુ ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્સને હટાવી દીધી છે. સપ્ટેમ્બર 2022 થી ઓગસ્ટ 2023 સુધીના એક વર્ષમાં આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે. આ ગેરકાયદેસર અને છેતરપિંડી કરતી એપ્સને રોકવા માટે સરકારે કડક પગલાં લીધાં છે.
નાણા રાજ્યમંત્રીએ ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્સ વિષે જણાવ્યું
રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનો લેખિત જવાબ આપતાં નાણા રાજ્યમંત્રી ભગવત કે કરડે જણાવ્યું હતું કે સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને અન્ય હિતધારકો અથવા નિયમનકારો સાથે મળીને આવી એપ્સ સામે સતત પગલાં લઈ રહી છે. તેઓ અયોગ્ય રીતે લોન આપતા હતા અને બાદમાં તેમના લોન ધારકોને હેરાન કરતા હતા.
આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા
વર્ષ 2021-22માં ગૂગલ પ્લે સ્ટોર પર ઈન્સ્ટન્ટ લોન આપવાનું વચન આપતી એપ્સનું પ્રમાણ ખૂબ વધ્યું હતું. આ એપ્સ દ્વારા મનસ્વી વ્યાજ દરે પહેલા તો લોન આપવામાં આવતી અને ત્યારબાદ લોન ધારકોને અનેક રીતે હેરાન કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવતી હતી. આવી એપ્સમાંથી લોન લીધા બાદ કંટાળીને આત્મહત્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
ગૂગલે ઈન્સ્ટન્ટ લોન એપ્સની સમીક્ષા કરી
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Meity) ને માહિતી મળી છે કે ગૂગલે લગભગ 3500 થી 4000 ઈન્સ્ટન્ટ લોન એપ્સની સમીક્ષા કરી છે. આ પછી, એપ્રિલ 2021 થી જુલાઈ 2022 ની વચ્ચે, પ્લે સ્ટોરમાંથી 2500 થી વધુ એપ્સ દૂર કરવામાં આવી હતી. બાદમાં, 2200 થી વધુ અન્ય એપ્સ પણ દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ ગૂગલે તેની પોલિસીમાં ફેરફાર કર્યા અને માત્ર એવી જ એપને સ્થાન આપ્યું કે જે લોનની સુવિધા આપવા માટે આરબીઆઈની પરવાનગી ધરાવતી હોય. આ રીતે, લોન એપ્લિકેશન્સ ઇચ્છિત વ્યાજ દરો ચાર્જ કરી શકશે નહીં અને કેન્દ્રીય બેંક દ્વારા તેનું નિયમન કરવામાં આવશે.