યુઝર્સના પૈસા પડાવતી ફેક ઍપ્સ: પિગ બુચરિંગ સ્કેમ શું છે એ જાણો અને એનાથી ચેતીને રહો
Tradding App Scam: ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર ઘણી ફેક ઍપ્લિકેશન જોવા મળી રહી છે જે યુઝર્સના પૈસા પડાવવાનું કામ કરે છે. આ ઍપ્લિકેશન્સ દ્વારા જે સ્કેમ ચલાવવામાં આવે છે એને પિગ બુચરિંગ સ્કેમ કહેવામાં આવે છે. આ સ્કેમ ટ્રેડિંગ ઍપ્લિકેશનની મદદથી કરવામાં આવે છે. એમાં ગ્રાહકને ઉલ્લુ બનાવી તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. દર વર્ષે આવી ઘણી ઍપ્લિકેશન જોવા મળે છે જેના દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે. જોકે હવે એમાં ટ્રેડિંગ ઍપ્લિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે પિગ બુચરિંગ સ્કેમ?
આ એક ટ્રેડિંગ સ્કેમ છે જેમાં યુઝરને લાલચ બતાવી વધુ પૈસા ઇનવેસ્ટ કરવા માટે લલચાવવામાં આવે છે અને પરિણામે યુઝર તેના પૈસાથી હાથ ધોઈ બેસે છે. આ સ્કેમમાં જે-તે ઍપ્લિકેશન કેટલીક ટેક્નિકનો ઉપયોગ કરીને યુઝરને વધુ નફો દેખાડે છે. તેમ જ તેણે જે રોકાણ કર્યુ હોય અને એમાંથી જે નફો મેળવ્યો હોય એને કાઢવા કરતાં એને ફરી ઇનવેસ્ટ કરવા માટે લલચાવે છે. આથી યુઝર એમાં પૈસા ઇનવેસ્ટ કરતો જાય છે અને પરિણામે એમાંથી તેને એક પણ રૂપિયો મળતો નથી.
Photo: cybersecurity firm Group-IB |
મે મહિનામાં જોવા મળી હતી પહેલી ઍપ્લિકેશન
સાઇબર સિક્યોરિટી ફર્મ ગ્રુપ IBની બ્લીપિંગ કોમ્પ્યુટરના રિપોર્ટ દ્વારા આ ખોટી ટ્રેડિંગ ઍપ્લિકેશન પહેલી વાર આ વર્ષે મે મહિનામાં જોવા મળી હતી. આ ટ્રેડિંગ ઍપ્લિકેશનમાં મેલવેર હોય છે. આ માટે એક ચોક્કસ UniApp ફ્રેમવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. એના કારણે આ ઍપ્લિકેશન ખરેખર શું કામ કરે છે એ પ્લે સ્ટોર અથવા તો એપલના એપ સ્ટોરને પણ ખબર ન પડે.
પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર કેવી રીતે આવી?
આ ઍપ્લિકેશન્સ અન્ય કામ કરતી હોવાનું જણાવી તેની ઍપ્લિકેશનને સ્ટોર પર લિસ્ટેડ કરાવે છે. ઉદાહરણ તરીકે એપલના એપ સ્ટોર પર બીજગણિતના ગાણિતિક સૂત્રો અને 3D ગ્રાફિક વોલ્યુમ એરિયા કેલક્યુલેશન તરીકે દેખાડવામાં આવે છે. તેમજ એન્ડ્રોઇડમાં ફાયનાન્સિયલ ન્યુઝ ફીડ અગ્રેટર્સ તરીકે દેખાડવામાં આવી છે. એક વાર એને ઇનસ્ટોલ કર્યા બાદ યુઝરને એક ફેક ટ્રેડિંગ પ્લેટફૉર્મ પર લઈ જાય છે. એ પર ફક્ત ઇનવાઇટ કોડ દ્વારા જ જઈ શકાય છે એટલે પ્લે સ્ટોર કે એપ સ્ટોર તો દૂરની વાત, અન્ય કોઈ વ્યક્તિ પણ એ ચેક કરવા માટે જાય તો પણ એ નથી ચેક કરી શકાતું. આ ફેક ટ્રેડિંગ પ્લેટફૉર્મ પર યુઝરને પ્રોફિટ વધુ દેખાડી વિશ્વાસ જીતવામાં આવે છે અને ત્યાર બાદ તેના બધા પૈસા પાણીમાં જાય છે.
આ પણ વાંચો: એપલનો ભારત પર મોટો દાવ: મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ માટે ભારતીય બજાર એંડ ગેમ
ચર્ચામાં આવતાં ઍપ્લિકેશન્સ થઈ ડિલીટ
આવી ઍપ્લિકેશન્સ ચર્ચામાં આવતાં તેને તરત જ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડિલીટ કરવામાં આવી છે. જોકે ડિલીટ થવા પહેલાં લાખો લોકોએ એને ઇનસ્ટોલ કરી છે, જે હજી પણ તેમના મોબાઇલમાં હોઈ શકે છે.