બિલ ભરવા માટે ગૂગલ પે યૂઝર્સ પાસેથી હવે ફી ચાર્જ કરશે: દુકાનમાં અને બે વ્યક્તિઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નથી
Goole Pay Will Charge For Bill Payments: ગૂગલ પે હવે બિલ ભરવા માટે પણ ચાર્જ કરી રહ્યું છે. ઇલેક્ટ્રિસિટી, ગેસ અને ફોન રિચાર્જ માટે પણ યૂઝર્સ દ્વારા ફી ચૂકવવી પડશે. ગૂગલ પે ઍપ્લિકેશનની મદદથી UPI દ્વારા ઝડપથી પેમેન્ટ થઈ શકતું હતું, પરંતુ હવે એ માટે પણ ફી ચાર્જ કરવામાં આવી રહી છે.
ફ્રી UPI હવે બંધ થઈ જાય તો નવાઈ નહીં
UPI ઝડપી અને સરળ છે. એનો ઉપયોગ ફ્રીમાં થાય છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ફ્રીમાં ઉપયોગ કરવાના દિવસ ઝડપથી જતા રહેશે. હવે લોકોને ડિજિટલ પેમેન્ટ કરવા માટે મજબૂર કરી નાખ્યા છે અને હવે કોઈ સાથે પૈસા લઈને નથી જતું. આ સમયે હવે કંપનીઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. કંપનીઓ હવે યુઝર્સને ઓનલાઇન પેમેન્ટ કરવાની ટેવ પડી ગઈ હોવાથી હવે એના પર ચાર્જ લગાવી રહી છે. ગૂગલે હાલમાં જ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેઓ બિલ પેમેન્ટ માટે હવે ચાર્જ કરશે.
ચાર્જ કરતી કંપનીઓમાં ગૂગલનો પણ સમાવેશ
ગૂગલે હાલ બિલ પેમેન્ટ માટે ચાર્જ કરવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ પહેલેથી જ ફોનપે અને પેટીએમ દ્વારા લેવામાં આવે છે. આ લિસ્ટમાં હવે ગૂગલનો પણ સમાવેશ થયો છે. ગૂગલ પે પરથી ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવામાં આવે તો એના પર ગૂગલ દ્વારા કન્વિનિયન્સ ફી ચાર્જ કરવામાં આવશે. આ ચાર્જ પેમેન્ટનું એક ટકા હોવાનું કહેવાય છે. ઉદાહરણ તરીકે, વીજળીનું બિલ એક હજાર રૂપિયા હશે તો એના પર એક ટકા ચાર્જ લાગશે. એટલે કે, એક હજારના બિલ માટે આ ચાર્જ દસ રૂપિયા હશે. આથી ગૂગલ પેનો ઉપયોગ બૅન્કના કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા માટે કરવામાં આવશે તો એ માટે હવે ચાર્જ લાગશે. જોકે બે વ્યક્તિઓ વચ્ચેના ટ્રાન્ઝેક્શન અને દુકાનદાર સાથેના ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ નથી.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર હવે ડાયરેક્ટ મેસેજમાં પણ શેર કરી શકાશે મ્યુઝિક, જાણો કેવી રીતે
ગૂગલ પેના ભવિષ્યના ફીચર
ગૂગલ પે હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેને ભવિષ્યમાં લોન્ચ કરવામાં આવશે. ગૂગલ પે દ્વારા UPI સર્કલ બનાવવામાં આવશે. એના દ્વારા યૂઝરના પેરન્ટ્સ અથવા તો વૃદ્ધ વ્યક્તિ ગૂગલ પે પર એકાઉન્ટ બનાવ્યા વગર એનો ઉપયોગ કરી શકશે. આ માટે યૂઝર પ્રાઇમરી UPI એકાઉન્ટને તેની ફેમિલી સાથે શેર કરી શકે છે. તેઓ કેવું અને કેટલી અમાઉન્ટનું પેમેન્ટ કરી શકે છે એના પર પ્રાઇમરી એકાઉન્ટનો કન્ટ્રોલ હશે. આથી તેમના દ્વારા ખોટી રકમ ચૂકવાઈ જાય અથવા તો છેતરપિંડી થાય તેવા ચાન્સ પણ ઓછા રહેશે.