ગૂગલના ઇનોવેશન પાછળ છે પ્રભાકર રાઘવનનો હાથ, જાણો કોણ છે અને શું કામ કરી રહ્યાં છે...
Google New Chief Technologist: ગૂગલની ટેક્નોલોજી અને ઇનોવેશનમાં પ્રભાકર રાઘવનનો ખૂબ જ મોટો હાથ છે. ટેક્નોલોજીની દુનિયામાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ગૂગલના ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસથી લઈને ગૂગલ સુધીની તેમની સફર ખૂબ જ અદ્ભુત રહી છે. તેઓ પોતાની મહેનતે આગળ વધ્યા છે અને આજે ગૂગલમાં ખૂબ જ મોટી પોઝિશન પર છે.
જન્મ અને એજ્યુકેશન
પ્રભાકર રાઘવનનો જન્મ 1960ની 25 સપ્ટેમ્બરે થયો હતો. તેમણે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી કમ્પ્યુટર સાયન્સમાં પી.એચ.ડી. કરી હતી. તેમણે કમ્પ્યુટર સાયન્સમાં આગળ જવાનું નક્કી કર્યું હોવાથી એ ફીલ્ડમાં તેમણે ડિગ્રી મેળવી હતી.
ગૂગલમાં કરિયર
પ્રભાકર રાઘવને 2012માં ગૂગલ જોઇન કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે ઘણી મહત્વપૂર્ણ પોઝિશન પર કામ કર્યું હતું. તેમણે સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે ગૂગલ સર્ચ, આસિસ્ટન્ટ, એડ્સ, કોમર્સ અને પેમેન્ટ્સ પ્રોડક્ટ્સ પર કામ કર્યું હતું. તેમના ઇનોવેશન અને ઇમ્પ્રૂવમેન્ટ્સને કારણે ગૂગલને ઘણો ફાયદો થયો છે. તેમને હાલમાં જ ગૂગલના ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. આ પ્રમોશનના ભાગ રૂપે હવે ગૂગલે ટેક્નોલોજીની દુનિયામાં કઈ દિશામાં આગળ જવું તે માટેની જવાબદારી પ્રભાકર રાઘવનની રહેશે. ટેક્નોલોજીમાં તેમની સમજને કારણે ભવિષ્યમાં કેવી ટેક્નોલોજી હોવી જોઈએ તે માટેના નિર્ણય હવે પ્રભાકર રાઘવન લેશે.
સિદ્ધિઓ
ટેક્નોલોજીની દુનિયામાં તેમની સિદ્ધિઓ ઘણી જાણીતી છે. ગ્રેજ્યુએશન માટેની બુક ‘રેન્ડમાઇઝ્ડ અલ્ગોરિધમ્સ’ અને ‘ઇન્ટ્રોડક્શન ટૂ ઇન્ફોર્મેશન રીટ્રીવલ’ તેમણે સાથી લેખક સાથે મળીને લખી છે. તેમના રિસર્ચને 100થી વધુ પેપર્સમાં છાપવામાં આવ્યા છે અને 20 પેટન્ટ્સ કરવામાં આવી છે. આ પેટન્ટમાં વેબ માટેની લિન્ક એનાલિસિસનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આઇફોન 16ની નવી ફરિયાદ: મોબાઇલ ચાલુમાં ફ્રીઝ થવાની સાથે રિસ્ટાર્ટ પણ થઈ રહ્યો છે
તેમના લીડરશિપમાં ગૂગલ એડ્સ અને સર્ચમાં ખૂબ જ ઇમ્પ્રૂવમેન્ટ્સ જોવા મળ્યા છે. ગૂગલ એન્ટરપ્રાઇઝ સોલ્યુશનનો વ્યાપ વધારવામાં પણ તેમણે મોટું યોગદાન આપ્યું છે. આ કારણસર જીમેલ અને ગૂગલ ડ્રાઇવના મહિને એક બિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે.
મદ્રાસમાં અભ્યાસ કરનાર પ્રભાકર રાઘવન હવે ગૂગલના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર સુંદર પિચાઇ સાથે મળીને કંપનીને આગળ વધારશે. અલ્ગોરિધમમાં પ્રભાકર રાઘવનની સમજ ગજબની છે અને એથી એનો ઉપયોગ હવે કંપની વધુ સારી રીતે કરી શકશે.