ગૂગલ મેપ્સ થયું વધુ સ્માર્ટ: જેમિની AIની મદદથી યુઝર્સ માટે ટ્રાવેલ ગાઈડનું કામ પણ કરશે
Gemini AI in Google Maps: ગૂગલ મેપ્સ હવે વધુ શક્તિશાળી અને સ્માર્ટ બન્યું છે. જેમિની AI ને એમાં સામેલ કરવાથી આ મેપ્સ પહેલા કરતાં વધુ અદ્યતન બન્યા છે. હવે ગૂગલ મેપ્સ તમને વધુ વ્યક્તિગત માહિતી આપશે અને કોઈ પણ શહેરમાં કઈ જગ્યાઓની મુલાકાત લેવી તે વધુ ચોક્કસ રીતે સૂચવશે.
એક્ટિવિટી પ્લાનર
જેમિની AI ની મદદથી, ગૂગલ મેપ્સ હવે એક વ્યક્તિ કે એક ગ્રુપ માટે કોઈ ચોક્કસ વિસ્તારમાં પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે છે. તમે કોઈપણ સ્થળના રીવ્યુંનું સંક્ષિપ્ત વર્ઝન પણ માંગી શકો છો, જેથી દરેક રિવ્યુ વાંચવાની જરૂર ન પડે. ઉદાહરણ તરીકે, તમે કોઈ જગ્યાએ બેસવાની વ્યવસ્થા છે કે નહીં અથવા ત્યાંનો માહોલ શાંત છે કે ઘોંઘાટીયો છે તે પણ પૂછી શકો છો. આ તકનીક તમને તમારી પ્રવૃત્તિઓનું વધુ સારું આયોજન કરવામાં મદદ કરશે.
નેવિગેશનમાં સુધારા
ગૂગલે તેના નેવિગેશનમાં ઘણાં સુધારા કર્યા છે. હવે તમે એક જ રૂટમાં અનેક સ્થળો ઉમેરી શકો છો, જેમ કે પ્રખ્યાત સ્થળો, રેસ્ટોરાં અથવા પિકનિક સ્પોટ. ગૂગલ મેપ્સ હવે વધુ વિગતવાર દિશા-નિર્દેશ પણ આપે છે, જેમાં લેન ગાઇડન્સ, રોડ સાઇન્સ અને ક્રોસવોક્સનો સમાવેશ થાય છે. તે રીઅલ-ટાઇમ હવામાન અપડેટ્સ પણ આપે છે જેથી તમે તમારી યાત્રાઓનું આયોજન કરી શકો. તમારા સ્થળ પર પહોંચ્યા પછી, એપ્લિકેશન પાર્કિંગની માહિતી અને ચાલવાની દિશાઓ પણ આપે છે.
યુઝર્સ માટે સરળતા
ગૂગલ મેપ્સ હવે પાર્કિંગની માહિતી અને ચાલવાની દિશાઓ પણ આપે છે, જેથી તમે તમારા સ્થળ પર પહોંચ્યા પછી સરળતાથી આગળ વધી શકો. જ્યારે તમે કોઈ ચોક્કસ સ્થળ પર જઈ રહ્યા હોવ અને ત્યાં પહોંચવાની તૈયારી કરી રહ્યા હોવ ત્યારે ગૂગલ મેપ્સ નજીકના પાર્કિંગ વિસ્તારની માહિતી પહેલેથી જ આપી દેશે.
આ પણ વાંચો: ઈસરો મંગળ ગ્રહનું સંશોધન લદાખમાં કરશે, જાણો વિજ્ઞાનીઓએ કેમ આ સ્થળની પસંદગી કરી
નવું અપડેટ
આ ફીચર ગૂગલના નવા અપડેટમાં ઉમેરવામાં આવી રહ્યું છે. આગામી અપડેટમાં આ ફીચર લોન્ચ કરવામાં આવશે જે હાલમાં અમેરિકા પૂરતું છે. ત્યારબાદ તેને દુનિયાના 30 મેટ્રો શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ તેને 150 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે અને ધીમે ધીમે તેમાં ઘણી કેટેગરી અને શહેરોનો સમાવેશ કરવામાં આવશે. આ ફીચર આઇફોન અને એન્ડ્રોઇડ બંને વર્ઝનમાં ઉપલબ્ધ હશે.