'ગલ્ફ ઓફ મેક્સિકો'ને 'ગલ્ફ ઓફ અમેરિકા' કર્યું ગૂગલ મેપ્સે
Google Maps Name Change: ગૂગલ મેપ્સ દ્વારા તેની એપ્લિકેશનમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. એમાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું છે. જોકે આ બદલાવ માત્ર અમેરિકાના યૂઝર્સ માટે જ છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કારણે આ બદલાવ કરવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા તેમના બ્લોગમાં લખવામાં આવ્યું છે કે 'મેક્સિકોના લોકો તેમના મેપ્સમાં ગલ્ફ ઓફ મેક્સિકો જ જોવા મળશે, પરંતુ દુનિયાભરના અન્ય દેશોના યૂઝર્સને ગલ્ફ ઓફ મેક્સિકોની સાથે ગલ્ફ ઓફ અમેરિકા પણ જોવા મળશે. અમેરિકાના યૂઝર્સ ગલ્ફ ઓફ અમેરિકા તરીકે એને જોઈ શકશે.'
ગૂગલની પોલીસી હેઠળ બદલાવ
અમેરિકાની સરકારની ઓફિશિયલ સિસ્ટમ એટલે કે જિયોગ્રાફિક નેમ્સ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં આ નામ બદલવામાં આવ્યું છે. એ નામમાં બદલાવ થતાં ગૂગલ તેમની પોલીસી હેઠળ મેપ્સમાં પણ બદલાવ કરી રહ્યું છે. ગૂગલે તેમના બ્લોગમાં લખ્યું છે કે 'અમે ઘણા લાંબા સમયથી નામમાં બદલાવ કરતાં આવ્યાં છીએ. જ્યારે પણ ઓફિશિયલ ગવર્મેન્ટ સોર્સમાં નામમાં બદલાવ થાય છે, ત્યારે અમે પણ મેપ્સમાં બદલાવ કરીએ છીએ.'
ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ઊભી થઈ કન્ટ્રોવર્સી
ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા 24 જાન્યુઆરીએ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલી કાઢવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા ડેનાલી માઉન્ટેઇનનું નામ બદલીને તેનું પહેલાં જે નામ હતું તે માઉન્ટ મેક-કિન્લી કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ નામ બદલવાને કારણે અલાસ્કાના લોકો દ્વારા એનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ જ મેક્સિકો સાથેના ડિપ્લોમેટિક રિલેશનમાં પણ અડચણ ઊભી થઈ છે. મેક્સિકોના પ્રેસિડન્ટ ક્લાઉડિયા શેનબુમ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નામ બદલવાની વાતની ટીકાકાર કરતાં કહ્યું હતું કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સનું નામ બદલીને હવે 'મેક્સિકન અમેરિકા' કરી રહ્યાં છે.
અન્ય મેપ્સમાં નામમાં બદલાવ નથી થયો
ગૂગલ મેપ્સ દ્વારા નામમાં બદલાવ કરવામાં આવ્યો છે. જો કે એપલ મેપ્સ અને મેપક્વેસ્ટ જેવી સર્વિસમાં હજી સુધી પણ આ નામ બદલવામાં નથી આવ્યું. એપલ મેપ્સ પર ગલ્ફ ઓફ અમેરિકા સર્ચ કરવામાં આવે તો પણ એ ગલ્ફ ઓફ મેક્સિકો જ દેખાડશે. આ સાથે જ ગૂગલની વેઝ એપમાં પણ ગલ્ફ ઓફ મેક્સિકો લખતાં બન્ને નામ દેખાડવામાં આવે છે, પરંતુ ગલ્ફ ઓફ અમેરિકા સર્ચ કરવામાં આવે તો એ નથી શોધી શકતું.