ગૂગલે એક હાથે આપ્યું અને બીજા હાથે લઈ લીધું: વર્કસ્પેસમાં જીમેલ અને ડોક્સ માટે જેમિની AIને ફ્રી કર્યું, પરંતુ કિંમત વધારી દીધી
Google Gemini AI: ગૂગલ દ્વારા વર્કસ્પેસમાં જીમેલ, ડોક્સ, શીટ્સ અને મીટમાં જેમિની AIને ફ્રી કર્યુ છે, પરંતુ તેની કિંમત વધારી દીધી છે. ગૂગલ કોઈ વસ્તુ ફ્રીમાં આપે એવું ભાગ્યે જ બને છે. માર્કેટમાં જ્યારે હરિફાઈ હોય ત્યારે તે ફ્રીમાં આપે છે. જોકે, ગૂગલને ખબર છે કે હાલમાં જીમેલનો ઉપયોગ વધુ થાય છે. આથી એમાં વધુ ફીચર્સનો ઉપયોગ કરવો હોય અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પૈસા ચૂકવવા પડે છે.
ગૂગલ વન AI પ્રીમિયમ
ગૂગલ વન AI પ્રીમિયમમાં પહેલાં જેમિની AIનો દરેક જગ્યાએ ઉપયોગ કરી શકાતો હતો. ગૂગલના જીમેલ, ડોક્સ, શીટ્સ અને મીટ દરેક જગ્યાએ જેમિની AIનો ઉપયોગ કરવો હોય તો આ પ્રીમિયમ લેવું પડતું હતું. આ માટે યુઝર દ્વારા એક મહિનાના 1950 રૂપિયા ચાર્જ કરવામાં આવતાં હતાં.
દરેક સુધી ટેક્નોલોજી પહોંચાડવાની વાત
ગૂગલ દ્વારા દરેક લોકો સુધી ટેક્નોલોજી પહોંચાડવા માટે તેમની આ સર્વિસને ફ્રી કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી રહી છે. આ સર્વિસ ફ્રી એટલે એ જ યુઝર માટે જે ગૂગલ વર્કસ્પેસનું સબસ્ક્રિપ્શન ધરાવતા હશે. નાના-મોટા બિઝનેસ અને કર્મચારીઓ માટે વર્કસ્પેસ બનાવવામાં આવ્યું છે જેમાં ગૂગલ ડોક્સ, શીટ્સ, મીટ અને જીમેલનો સમાવેશ કરવામાં આવે છે. વર્કસ્પેસ માટે સબસ્ક્રિપ્શન લેવું પડે છે. ગૂગલે દરેક સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહોંચાડવા માટે ગૂગલ વર્કસ્પેસમાં પણ જેમિની AI આપ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે. જોકે, ગૂગલની આ એક સ્કીમ છે જેમાં એક હાથે તે આપે છે અને બીજા હાથે યુઝર્સ પાસે ફરી લઇ લે છે.
કિંમતમાં વધારો
ગૂગલ દ્વારા વર્કસ્પેસમાં જેમિની AIનો સમાવેશ તો કરવામાં આવ્યો છે, પરંતુ તેની કિંમત વધારી દેવામાં આવી છે. ગૂગલ વર્કસ્પેસના અલગ-અલગ પ્લાન છે, પરંતુ જે પ્લાન માટે 12થી 14 ડોલર ચૂકવવામાં આવતાં હતાં એના હવે એક મહિના માટે 16 ડોલર કરી દેવામાં આવ્યાં છે. એક મહિનાની કિંમતમાં 2 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. આ કિંમત સમગ્ર વિશ્વના તમામ દેશોમાં વધારવામાં આવી છે. બની શકે ઓફરના કારણે કેટલાક દેશોમાં હાલમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હોય. જોકે, તેની કિંમતમાં બદલાવ થયો છે. આથી ગૂગલે ફીચર્સ તો ફ્રીમાં આપ્યાં, પરંતુ તેની કિંમત વધારી દીધી છે. આથી એક હાથે આપ્યું અને બીજા હાથે લીધું એ કહેવું ખોટું નથી.
જેમિની AIનો ઉપયોગ
વર્કસ્પેસના યુઝર્સ જેમિની AIનો ઉપયોગ ઇમેલ સમરાઈઝ કરવા, ડોક્સમાં ડોક્યુમેન્ટ એટલે કે લખાણને વધુ પ્રોફેશનલ બનાવવા અને જેમિની ચેટબોટનો ઉપયોગ પણ સવાલ-જવાબ માટે કરી શકશે. વર્કસ્પેસના યુઝર્સ જેમિની AI એડવાન્સનો પણ ઉપયોગ કરી શકશે. આ મોડલ ગૂગલનું લેટેસ્ટ મોડલ છે અને તે હાલમાં પ્રીમિયમ યુઝર માટે છે. જેમિની દ્વારા ફોટો અને વીડિયો જનરેશનના કેટલાક ટૂલ પણ આ યુઝર્સ ઉપયોગ કરી શકશે.