બ્લુટૂથ ટ્રેકિંગના જોખમ સામે ગૂગલે લોન્ચ કર્યું Tracker Alert
Google New Feature: ગૂગલ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ટ્રેકર એલર્ટ. આ ફીચરની મદદથી, જો કોઈ પણ બ્લુટૂથ ડિવાઇઝ યુઝરને ટ્રેક કરતી હશે, તો એ વિશેની માહિતી મળી જશે. એન્ડ્રોઇડ ડિવાઇઝને બ્લુટૂથ દ્વારા ટ્રેક કરી શકાય છે. આથી, યુઝરની જાણ બહાર કોઈ વ્યક્તિ, ડિવાઇઝ અથવા સોફ્ટવેર મોબાઇલને ટ્રેક કરી રહ્યું હશે, તો હવે તેની માહિતી યુઝર્સને મળી જશે. ઘણાં લોકો તેમના સામાનને ટ્રેક કરવા માટે ઘણી ડિવાઇઝનો ઉપયોગ કરે છે, જેમાં એપલ ટેગનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના ઘણા ટ્રેકર હોય છે, પરંતુ હવે, જો અન્ય કોઈ યુઝરને ટ્રેક કરી રહ્યા હશે, તો તેની માહિતી આપવામાં આવશે.
એપલ ટેગ જેવા ટ્રેકર્સ
એપલ ટેગ જેવી ડિવાઇઝ તેમના યુઝર્સને લોકેશનની અપડેટ આપતી રહે છે, જે ઘણાં લોકોને પસંદ નથી. જો કોઈ વ્યક્તિની સાથે આ પ્રકારનું કોઈ ડિવાઇઝ ચાલતું હોય તો તે માટે એલર્ટ આપવામાં આવતું હતું. હવે, તેમાં નવો સુધારો કરવામાં આવ્યો છે. આ અપડેટમાં હવે ટેમ્પરરી પૉઝ લોકેશન ફીચર અને ફાઇન્ડ નીયરબાય ફીચર આપવામાં આવ્યું છે. આ માટે ગૂગલ તેની સેફ્ટીને વધુ મહત્ત્વ આપી રહી છે.
એન્ડ્રોઇડમાં નવી અપડેટ
એન્ડ્રોઇડ દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે, જેમાં યુઝર લોકેશન સેન્ડ કરવાની ઓપ્શનને બંધ કરી શકે છે. આ ઓપ્શન બંધ કરવાની સાથે, કોઈ પણ ટ્રેકિંગ ડિવાઇઝ લોકેશનને કલેક્ટ નહીં કરી શકે. આ ટ્રેકિંગ ડિવાઇઝનો ઉપયોગ ઘણાં લોકો ખોટી રીતે કરે છે, જેમ કે કોઈ વ્યક્તિને ટ્રેક કરવા માટે તેમના સામાનમાં આ ડિવાઇઝ મૂકી દે છે. જો કે હવે, આસપાસ કોઈ પણ પ્રકારની ટ્રેકિંગ ડિવાઇઝ હશે તો તેની માહિતી ગૂગલ એન્ડ્રોઇડ યુઝરને આપી દેશે. આ સાથે જ, ગૂગલ પોતે જ લોકેશનને ૨૪ કલાક સુધી બંધ કરી દેશે. આથી, ટેગ દ્વારા પણ લોકેશન નહીં મળી શકે.
આ પણ વાંચો: ગૂગલની ટેક્નોલોજીમાં નવી ક્રાંતિ: જેમિની 2.0, પ્રોજેક્ટ એસ્ટ્રા, મરિનર અને જુલ્સ
કેવી રીતે કામ કરશે આ ફીચર?
ગૂગલ દ્વારા ટ્રેકર એલર્ટ મોકલવામાં આવે, તો યુઝર ફાઇન્ડ માય ડિવાઇઝ દ્વારા એ ડિવાઇઝને શોધી શકે છે. એ એલર્ટ પર ટેપ કરતાંની સાથેજ મેપ જોવા મળશે અને એ ડિવાઇઝને પણ શોધી શકાશે. આ સાથે જ, ગૂગલે એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આ વિશે ટ્રેકર જે વ્યક્તિનું છે, તેને કોઈ પણ પ્રકારની માહિતી નહીં મળે. આ ટેગ મળી ગયા બાદ યુઝરને સ્ક્રીન પર જ માહિતી આપવામાં આવશે કે તેને મેન્યુઅલી કેવી રીતે બંધ કરવું.