ડીપસીકને ટક્કર આપવા ગૂગલે લોન્ચ કર્યું નવું AI મોડલ: એક સાથે 15 લાખ શબ્દોને પ્રોસેસ કરવા સક્ષમ
Google Launch Gemini 2.0 Pro: ડીપસીક લોન્ચ કરતાંની સાથે જ દુનિયાભરમાં તેની હોહા થઈ ગઈ હતી. એને ટક્કર આપવા માટે હવે ગૂગલ દ્વારા તેનું નવું AI મોડલ જેમિની 2.0 પ્રો એક્સપેરિમેન્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગૂગલ દ્વારા જેમિની 2.0 ફ્લેશ થિંકીંગ મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલ હાલમાં જેમિની એપમાં ઉપલબ્ધ છે. ટેક ઇન્ડસ્ટ્રી હવે કોસ્ટ-અફેક્ટિવ AI મોડલ તરફ પ્રયાણ કરી રહી છે. ડીપસીક દ્વારા AI ઇન્ડસ્ટ્રીનો માહોલ બદલી નાખવામાં આવ્યો છે. એના કારણે હવે દરેક કંપની ઓછા ખર્ચમાં AI મોડલ બનાવી રહી છે.
ડીપસીકના R1 મોડલને ટક્કર આપવાની તૈયારી
ડીપસીક R1 મોડલ ખૂબ જ સસ્તુ અને સારું પર્ફોર્મન્સ આપે છે. આ મોડલને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે એક મહિના બાદ તેને લોકપ્રિયતા મળી હતી. જોકે ત્યાર બાદ તે તેના ડેટા પ્રોસેસિંગ અને સિક્યુરિટીને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આથી ડીપસીકને ટક્કર આપવા માટે ગૂગલ દ્વારા જેમિની એપમાં 2.0 ફ્લેશ થિંકીંગ મોડલ આપવામાં આવ્યું છે. ગૂગલે એક અઠવાડિયા પહેલાં ભૂલથી તેના ચેન્જલોગમાં જેમિની 2.0 પ્રો એક્સપેરિમેન્ટલ આવી રહ્યું છે એની માહિતી આપી દીધી હતી. જોકે હવે કંપની દ્વારા તેને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવ્યું છે.
ગૂગલનું સૌથી ઍડ્વાન્સ AI મોડલ
જેમિની 2.0 પ્રો એક્સપેરિમેન્ટલ મોડલ ગૂગલનું અત્યાર સુધીનું સૌથી એડ્વાન્સ AI મોડલ છે. ગૂગલની જેમિની AI ફેમિલીમાં હવે જેમિની 1.5 પ્રોનો સમાવેશ એક ફ્લેગશિપ મોડલ તરીકે કરવામાં આવી રહ્યો છે. આ ઍડવાન્સ મોડલનો ઉપયોગ AI ડેવલપમેન્ટ પ્લેટફોર્મ વર્ટેક્સ AI અને ગૂગલ AI સ્ટુડિયોની સાથે જેમિની ઍડ્વાન્સ સબસ્ક્રાઇબર્સ પણ કરી શકશે. પહેલાં મોડલ કરતાં ગૂગલનું 2.0 મોડલ કોડિંગની સાથે કોમ્પ્લેક્સ સવાલના જવાબ આપવા માટે સક્ષમ છે. આ સાથે જ એની પાસે ઘણાં નવા શબ્દોની સમજ પણ છે.
એક સાથે 15 લાખ શબ્દોને પ્રોસેસ કરવા સક્ષમ
જેમિની 2.0 પ્રોની કોન્ટેક્સ વિન્ડોમાં 20 લાખ ટોકનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનો મતલબ એ થાય છે કે જેમિની એક સાથે 15 લાખ શબ્દોને પ્રોસેસ કરી શકે છે. ઉદાહરણ તરીકે ‘હેરી પોટર’ સીરિઝના સાત પુસ્તકનો સમાવેશ એક સાથે કરી લે છે અને એમ છતાં ચાર લાખ શબ્દો માટેની જગ્યા બાકી રહે છે. ગૂગલના લેટેસ્ટ AI મોડલની આ કાર્યક્ષમતા ખૂબ જ મોટી સિદ્ધી છે.
જેમિની 2.0 ફ્લેશ મોડલ
ગૂગલ દ્વારા જેમિની 2.0 ફ્લેશ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલનો ઉપયોગ યૂઝર્સ જેમિની એપ અને ડેસ્કટોપ પર કરી શકે છે. આ સાથે જ ડીપસીકને ટક્કર આપવા માટે ગૂગલ દ્વારા જેમિની 2.0 ફ્લેશ-લાઇટ મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલનો દાવો છે કે આ મોડલ તેના જૂના વર્ઝન કરતાં ખૂબ જ સારું પર્ફોર્મ કરશે અને એ પણ જૂના મોડલની કિંમતે.
ઇનવેસ્ટમેન્ટમાં વધારો
ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળના ઇનવેસ્ટમેન્ટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 2023માં ગૂગલ દ્વારા AI પાછળ 32.3 બિલિયન ડૉલર ઇનવેસ્ટ કરવામાં આવ્યા હતા જે હવે 2025માં 78 બિલિયન ડૉલર કરવામાં આવશે. ગૂગલ દ્વારા આ ઇનવેસ્ટમેન્ટ હવે OpenAI, માઇક્રોસોફ્ટ, એમેઝોન દ્વારા ઇનવેસ્ટ કરવામાં આવેલા એન્થ્રોપિક, મેટા અને ડીપસીક જેવી કંપનીઓને ટક્કર આપવા માટે કરવામાં આવી રહ્યું છે.