ગૂગલની ટેક્નોલોજીમાં નવી ક્રાંતિ: જેમિની 2.0, પ્રોજેક્ટ એસ્ટ્રા, મરિનર અને જુલ્સ
Google New Projects: ગૂગલ જેમિની દ્વારા હાલમાં જ નવું પાવરફુલ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ સિવાય ગૂગલ દ્વારા કેટલાક નવા પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. ગૂગલ દ્વારા તેની એડ્વાન્સ ટેક્નોલોજીને તેના યુઝર્સ સુધી પહોંચાડવા માટે વધુ મહેનત કરવામાં આવી રહી છે. ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ એડ્વાન્સ કરી જેમિની 2.0 રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રોજેક્ટ એસ્ટ્રા, પ્રોજેક્ટ મરિનર અને પ્રોજેક્ટ જુલ્સ AI એજન્ટને પણ રજૂ કર્યા છે.
જેમિની 2.0
ગૂગલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેમિનીનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ જેમિની 2.0 ફ્લેશમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એને વધુ સારું બનાવવામાં આવ્યું છે. એમાં થતી ભૂલો દૂર કરવામાં આવી છે અને પર્ફોર્મન્સ સુધારવામાં આવ્યું છે. ગૂગલ જેમિની 1.5 ફ્લેશ અને જેમિની 1.5 પ્રો વર્ઝનની સફળતા બાદ હવે જેમિની 2.0 વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. ફ્લેશ વર્ઝન ફક્ત એક્સપેરિમેન્ટ્સ પ્રીવ્યુ માટે છે. જો કે, આ વર્ઝનને બહુ જલદી ગૂગલની જેમિની એપ્લિકેશન દ્વારા રજૂ કરવામાં આવશે અને દરેક યુઝર્સ એનો ઉપયોગ કરી શકશે. ગૂગલ આ વર્ઝનનો સમાવેશ ગૂગલ સર્ચ, યૂટ્યુબ, એન્ડ્રોઇડ અને અન્ય પ્રોડક્ટમાં પણ કરવા માગે છે. દરેક સર્વિસમાં એનો સમાવેશ કરવાથી યુઝર્સ સુધી સારી સર્વિસ પહોંચાડી શકાય, એ ગૂગલનો ઉદ્દેશ છે.
પ્રોજેક્ટ એસ્ટ્રા
ગૂગલનો પ્રોજેક્ટ એસ્ટ્રા એક AI આસિસ્ટન્ટ છે. આ આસિસ્ટન્ટ દુનિયાની મોટાભાગની ભાષામાં વાત કરી શકશે. આ પ્રોજેક્ટની મદદથી દુનિયાના મોટા ભાગના ભાષા બોલવાની રીત અને અજાણ્યા શબ્દોને વધુ સરળતાથી સમજી શકાશે. રોજિંદા જીવનમાં આ ટૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, ખાસ કરીને એ લોકોને, જેઓ રોજ વધારે ભાષા બોલતા લોકોને મળતા રહે છે. પ્રોજેક્ટ એસ્ટ્રા દરેક વ્યક્તિની બોલવાની ટેવને સમજશે અને એ રીતે જ જવાબ આપશે. અત્યારસુધી એક પણ વોઇસ આસિસ્ટન્ટ એવું કરી શકતું નથી.
પ્રોજેક્ટ મરિનર
ગૂગલનો પ્રોજેક્ટ મરિનર એક રીસર્ચ પ્રોટોટાઇપ છે. એને જેમિની 2.0 પર આધારિત બનાવવામાં આવ્યો છે. બ્રાઉઝર સાથે મનુષ્યની વાતચીત કેવી હોઈ શકે એ આ પ્રોજેક્ટમાં એક્સપ્લોર કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ મરિનર બ્રાઉઝરની સ્ક્રીન પર જે માહિતી છે એને સમજશે. એમાં પિક્સેલથી લઈને વેબ એલિમેન્ટ્સ અને ટેક્સ્ટ, કોડ, ઇમેજ અને ફોર્મ્સ દરેક વસ્તુનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ મરિનર આ તમામ માહિતીનો ઉપયોગ ગૂગલ ક્રોમ એક્સટેન્શન દ્વારા કરશે અને યુઝરના ટાસ્કને પૂરા કરશે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદ બાદ માર્ક ઝકરબર્ગે તેમની પાર્ટીને ડોનેટ કર્યા એક મિલિયન ડોલર
જુલ્સ AI એજન્ટ
ગૂગલ દ્વારા AI એજન્ટને લોન્ચ કરવામાં આવ્યો છે. આ એજન્ટ પાયથોન અને જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામ્સમાં જે પણ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન પૂરુ પાડશે. આથી પ્રોજેક્ટ જુલ્સ હવે મેન્ટેનન્સનું કામ કરશે અને લોકોની નોકરી પર જોખમ ઘટાડશે. જુલ્સનો ઉપયોગ સ્ટ્રીમિંગ સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ગેમર્સ માટેના સોફ્ટવેરમાં પણ કરી શકાય છે. એક્શન ગેમ રમવામાં કે અન્ય નિર્ણયો માટે પણ જુલ્સનો ઉપયોગ કરી શકાશે.