સર્ચ એન્જિનમાં ગૂગલની મોનોપોલી ગેરકાયદે, નંબર 1 રહેવા કરોડોનો ખર્ચ બંધ કરોઃ અમેરિકન કોર્ટ
Google Illegal Monopoly: ગૂગલ દુનિયામાં નંબર વન રહેવા તેના સર્ચ એન્જિન પાછળ અબજો રૂપિયા ખર્ચે છે. ગૂગલ દ્વારા ઓનલાઇન સર્ચ માર્કેટનો 90 ટકા કન્ટ્રોલ કરવામાં આવે છે. મેપ માય ઇન્ડિયા અને ઓલા મેપનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડે છે, પરંતુ ગૂગલ મેપ્સના દરકે ફીચર યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. જો કે બિઝનેસ અથવા તો નાની-મોટી સર્વિસ પૂરી પાડનારી કંપનીઓએ આ સર્વિસનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે.
અમેરિકાના જજ અમિત પી. મહેતા દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે ગૂગલે નિયમોનો ભંગ કર્યો છે. દુનિયામાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે મોનોપોલી એટલે કે એકાધિકાર જાળવી રાખવા માટે ગૂગલ ગેરકાયદે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે. અમેરિકાની મોટી ટેક કંપનીઓ સામે અમેરિકન ફેડરલ ઑથોરિટીની આ પહેલી જીત છે.
કેમ ડિફોલ્ટ સર્ચ એન્જિન ન રાખવું જોઈએ?
અમેરિકામાં એ કાયદો છે કે દરેક બાબતમાં સ્પર્ધા હોવી જોઈએ. અમેરિકાના લોકોને દરેક પ્રકારની સ્વતંત્રતા છે અને એમાં પણ કયા સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો એ તેમની પસંદગી હોવી જોઈએ. આથી મોટા ભાગની મોબાઇલ કંપનીઓ તેમના સ્માર્ટ ફોનમાં સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખે છે એ કાયદા વિરુદ્ધ છે. જોકે ગૂગલ આ માટે કંપનીઓને જંગી રકમ ચૂકવે છે અને એ પણ અબજો રૂપિયામાં. અમેરિકન સરકારને જ્યારે આ વાત ધ્યાનમાં આવી ત્યારે એ વિરુદ્ધ પગલાં લેવાનું નક્કી કર્યું અને એમાં ગૂગલે ગેરકાયદે કામ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકામાં ગુજરાતી જજના ચુકાદાની ચર્ચા, સર્ચ એન્જિન તરીકે ગૂગલની મોનોપોલીને ઠેરવી ગેરકાયદે
શેરના ભાવ તૂટ્યાં
ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કના શેરમાં હાલમાં જ 4.5 ટકાનો ઘટાડો એક દિવસમાં જોવા મળ્યો હતો. દુનિયાભરમાં રિસેશનનો ભય વર્તાઈ રહ્યો હોવાથી આ શેર તૂટ્યા હતા. જો કે અમેરિકન કોર્ટના ચૂકાદા બાદ પણ એના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આલ્ફાબેટના 2023ના ટોટલ ટર્નઓવરમાં 77 ટકા ભાગ ગૂગલ એડવર્ટાઇઝિંગનો છે.
શું પગલાં લેશે ગૂગલ?
આલ્ફાબેટ કંપની દ્વારા અમેરિકન કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ કરવામાં આવશે. ગૂગલનું માનવું છે કે તેઓ સૌથી શ્રેષ્ઠ સર્વિસ ઓફર કરે છે, પરંતુ એ લોકો સુધી સરળતાથી ન પહોંચે એ માટે આ લોકો અડચણ ઊભી કરી રહ્યા છે.
ચુકાદો આ જ રહ્યો તો શું બદલાવ આવશે?
અપર કોર્ટનો ચુકાદો પણ આજ રહ્યો તો મોટાભાગની સ્માર્ટફોન કંપની તેમના મોબાઇલમાં ડિફોલ્ટ વેબ-બ્રાઉઝર તરીકે ગૂગલ સર્ચને નહીં રાખી શકે. દરેક કંપની પોતાના વેબ-બ્રાઉસરને ડિફોલ્ટ રાખી શકશે અથવા તો ગ્રાહક જ્યારે પહેલી વાર સર્ચ કરે ત્યારે તેને પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો ડિફોલ્ટ બ્રાઉસર તરીકે ગૂગલને ન રાખવામાં આવે તો કંપનીને ખૂબ જ મોટું નુક્સાન થઈ શકે છે. એપલે જ્યારે તેમના તમામ ડિવાઇઝમાંથી ડિફોલ્ટ બ્રાઉસર તરીકે ગૂગલને કાઢ્યું ત્યારે કંપનીને ખૂબ જ મોટું નુક્સાન થયું હતું અને આજે પણ થઈ રહ્યું છે. હવે એન્ડ્રોઇડમાંથી પણ ગૂગલ નીકળી ગયું તો કંપની એ નુક્સાન સહન કરી શકે એમ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતશે તો શું થશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ હતા ત્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને એપલ જેવી ઘણી કંપનીઓ સામે કેસ થયા હતા. તેમની મોનોપોલીને દૂર કરવામાં આવી હતી. આ વખતે પણ જો પ્રેસિડન્ટનું ઇલેક્શન ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો ગૂગલ અને માર્ક ઝકરબર્ગની કંપની મેટા માટે મુશ્કેલીઓ ઊભી થશે. ગૂગલ અને મેટા કંપનીએ ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક ફોટો અને પોસ્ટને સેન્સર કરી હતી જેથી એ તેમના માટે થોડું પર્સનલ પણ સાબિત થઈ શકે છે.