ગૂગલ જેમિની : લોકોને તેનાં 'અસાધારણ' ફીચર્સ પર શંકા કેમ જાગી છે ?
હમણાં ગૂગલે તેનું, અત્યાર સુધીનું સૌથી વધુ પાવરફુલ ગણાતું ‘જેમિની એઆઇ’ મોડેલ લોન્ચ કર્યું ત્યારે આ મોડેલ કેટલું પાવરફુલ છે એ દર્શાવવા માટે કંપનીએ એક વીડિયો લોન્ચ કર્યો. પરંતુ પછી એ વીડિયો જ ફેક હોવાનો વિવાદ થયો! પછી ગૂગલે એવી સ્પષ્ટતા કરવી પડી કે વીડિયોની લંબાઈ ઘટાડવા માટે તેને એડિટ કરવામાં આવ્યો હતો.
જોકે વીડિયોમાં આ નવા એઆઇ મોડેલનાં જે ફીચર બતાવવામાં આવ્યાં છે એ ખરેખર શક્ય બનશે કે કેમ એ વિશે લોકોને હજી પણ શંકા છે. આવી શંકા ઊભી થવાનાં ત્રણેક કારણો છે.
પહેલું કારણ, વીડીયોમાં જે ફીચર બતાવવામાં આવ્યાં છે તે ખરેખર દિમાગ ચકરાવે ચડી જાય તેવાં છે. અત્યાર સુધી આપણે એઆઇ ચેટબોટનો જે અનુભવ કર્યો છે તેમાં લેખિત ટેક્સ્ટ, વોઇસ કમાન્ડ, ઇમેજ આધારિત ચેટિંગ કે ઇમેજ ક્રિએશન વગેરે બધું છે, પણ જેમિનીના વીડિયોમાં આ બધું જ રીતસર નવી ઊંચાઈએ પહોંચતું હોય તેવું લાગે છે. વીડિયોમાં માણસ અને એઆઇ વચ્ચેનું ઇન્ટરેક્શન જે રીતે બતાવવામાં આવ્યું છે એ પહેલી નજરે રીતસર અશક્ય લાગે એવું છે (અહીં સસ્પેન્સ બ્રેક નથી કરવો - તમે આ વીડિયો હજી જોયો ન હોય તો યુટ્યૂબમાં સર્ચ કરો - Hands-on with Gemini: Interacting with multimodal AI.
આ વીડિયોની ખરાઈ વિશે શંકા ઊભી થવાનું બીજું કારણ એ છે કે લોકો એવું માની બેઠા છે કે જેમિની મોડેલ લોન્ચ થઈ ચૂક્યું છે. વાસ્તવમાં, ગૂગલની બાર્ડ સર્વિસમાં અને પિક્સેલ ફોનમાં આ ફીચર ઉમેરાઈ રહ્યું છે, પણ હજી તે બધા સુધી પહોંચ્યું નથી અને જે મોડેલ ઉમેરાઈ રહ્યું છે તે, વીડિયોમાં જે સંભાવનાઓ દર્શાવી છે તે કરી શકે તેવું સૌથી પ્રીમિયમ મોડેલ પણ નથી. મતલબ કે અત્યારે આપણે બાર્ડમાં, વીડિયોમાં બતાવ્યું છે એવું કશુંક કરવા જઈએ તો નિરાશા જ મળે.
વીડિયો વિશે શંકા જાગવાનું ત્રીજું કારણ જરા જુદું છે. ગૂગલ સહિત, મોટા ભાગની નાની-મોટી કંપનીઓ ખોટી ગાજવીજ કરવા માટે પણ જાણીતી છે! બધી ટેક કંપનીઓ નવી સર્વિસ વિશે ગાઇવગાડીને જાહેરાતો કરે, પછી એ સર્વિસનું સૂરસૂરિયું થઈ જતું હોય તેવા પણ કિસ્સા બન્યા છે. એક નજર આવા કિસ્સાઓ પર પણ નાખીએ.
ગૂગલના પિક્સેલ ફોનમાં થર્મોમીટર
ગૂગલે આ વર્ષની શરૂઆતમાં તેના પિકસેલ ૮ પ્રો ફોનમાં થર્મોમીટર ઉમેરાયું હોવાની મોટી મોટી જાહેરાતો કરી હતી. આ ફોન લોન્ચ થયો તે પહેલાં તેના લીક થયેલા વીડિયોમાં એક મહિલા પોતાના કપાળે સ્માર્ટફોન મૂકીને તાવ માપતી હોવાનું પણ બતાવવામાં આવ્યું હતું.
ફોન ખરેખર લોન્ચ થયો ત્યારે કંપનીએ કહ્યું કે તેનું આ ફીચર કોફીના કપ કે બીજી ગરમ ચીજવસ્તુનું ટેમ્પરેચર માપવા માટે ‘ગુડ ઇનફ’ છે!
આવી પીછેહઠનું કારણ એ હતું કે ગૂગલના આ ફીચરને યુએસના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એફડીએની મંજૂરી મળી નથી. મતલબ કે સ્માર્ટફોનમાંના થર્મોમીટરથી શરીરનો તાવ માપવાનું કદાચ શક્ય હોય તો પણ એફડીએની મંજૂરી વિના કંપની એવું કહી શકે તેમ નથી.
મેટાના સ્માર્ટગ્લાસમાં એઆઇ
ફેસબુકમાંથી બનેલી ‘મેટા’ કંપનીને આપણને સૌને નવા ‘મેટાવર્સ’માં લઈ જવાની બહુ ઉતાવળ છે, પણ આ મેટાવર્સનો કન્સેપ્ટ પોતે જ હજી પાટે ચઢ્યો નથી. દરમિયાન, કંપનીએ થોડા સમય પહેલાં ‘સ્માર્ટગ્લાસ’ લોન્ચ કર્યા અને હવે તેમાં પણ એઆઇ ઉમેરી દેવામાં આવી છે. આ સ્માર્ટગ્લાસ બધી રીતે સ્માર્ટ છે, પણ એઆઇની બાબતે ગાજવીજ છે, એવું રિઝલ્ટ નથી.
કંપનીએ તેના સ્માર્ટગ્લાસમાં ઉમેરેલ મેટા એઆઇ ફીચર વોઇસ કમાન્ડ પ્રમાણે કામ તો કરી શકે છે, પરંતુ અન્ય એઆઇ ચેટબોટની જેમ, પૂછવામાં આવેલા સવાલના જવાબ આપવાની તેને ફાવટ નથી. મતલબ કે સ્માર્ટગ્લાસમાં મેટા જેને ‘એઆઇ’ કહે છે તે અન્ય કંપનીના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ જેવી સગવડ છે, એથી વધુ ખાસ કશું નહીં. અલબત્ત, ભવિષ્યમાં તે વધુ વિકસશે પણ ખરી.
વિન્ડોઝ કોપાઇલટ
માઇક્રોસોફ્ટ કંપનીએ ગૂગલને પાછળ રાખી દેવા માટે તેની બધી સર્વિસમાં એઆઇ ઉમેરવાની દોડાદોડ કરી મૂકી પરંતુ મોટા ભાગે તેણે એકની એક વાત જુદા જુદા નામે લોન્ચ કરી. જેમ કે પોતાના સર્ચ એન્જિનમાં બિંગ ચેટ ઉમેર્યા પછી કંપનીએ કહ્યું કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ એઆઇ ઉમેરાઈ રહી છે.
વિન્ડોઝ ૧૧ માટેના ફીચરને કંપનીએ ‘કોપાઇલટ’ નામ આપ્યું (હવે તે વિન્ડોઝ ૧૦માં પણ આવી ગયું છે, જોકે કેટલીક શરતો લાગુ છે). વિન્ડોઝમાં અગાઉ કોર્ટના જેવી સર્વિસનો ઉપયોગ કરી ચૂકેલા લોકોને આશા હતી કે કોપાઇલટથી તેમનું ઘણું કામ સહેલું બની જશે. પરંતુ અત્યારે તો વિન્ડોઝમાં કોપાઇલટ ફક્ત ઇન્ટરનેટ પરની બિંગ ચેટનો જ બીજો અવતાર છે. ફેર ફક્ત એ કે આપણે ડાઇરેકટ વિન્ડોઝ ડેસ્કટોપ પર તેનો ઉપયોગ કરી શકીએ છીએ. મૂળ વિન્ડોઝના વિવિધ ફીચરનો લાભ લેવામાં અત્યારે તો એઆઇની કોઈ ભૂમિકા ઉમેરાઈ નથી.