ગૂગલને લઈને નવો વિવાદ: ફોટો પરથી AIએ વોટરમાર્ક કાઢી નાખતાં શરૂ થઈ કન્ટ્રોવર્સી
Gemini Create Controversy Over Watermark Removal: ગૂગલ એક પછી એક વિવાદમાં ફસાઇ રહ્યું છે. ગૂગલ અને અમેરિકન સરકાર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જોકે, હવે તેના AIને લઈને એક નવા વિવાદને વેગ મળ્યો છે. ગૂગલનું AI જેમિની 2.0 ફ્લેશ દ્વારા ફોટો પરથી કોપીરાઇટનો વોટરમાર્ક કાઢી નાખવામાં આવ્યો છે. ઇમેજ જનરેશન અને એડિટીંગ દરમિયાન AI દ્વારા કેટલાક લાઇસન્સવાળા ફોટા પરથી તે માર્ક કાઢી નાખવાથી કન્ટ્રોવર્સી શરૂ થઈ ગઈ છે.
ફોટો એજન્સી માટે ગંભીર વિષય
ઘણી કંપનીઓ ફોટો સર્વિસ પૂરી પાડે છે. દુનિયાભરમાં ગેટી ઇમેજિસ ખૂબ જ જાણીતી છે. આ પ્રકારની સર્વિસમાં પૈસા ચૂકવીને વિવિધ ફોટા ખરીદી શકાય છે. જોકે, ગૂગલના AI વર્ઝન દ્વારા આ પ્રકારના ફોટા પરથી વોટરમાર્ક કાઢી નાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ફોટામાં જે જગ્યા ખાલી હતી તે પણ સુધારી દેવામાં આવી છે. આ કારણે ફોટો એજન્સી માટે AI હવે માથાનો દુખાવો બની ગયું છે, કારણ કે એનાથી યૂઝર્સ હવે ફોટાનો મફતમાં ઉપયોગ કરી રહ્યા છે.
વોટરમાર્કને લઈને વિવાદ
ફોટા પરથી વોટરમાર્ક કાઢવાની ક્ષમતા ફાયદાકારક હોઈ શકે, પરંતુ કેટલીક નૈતિક જવાબદારીઓમાંથી કંપની છૂટછાટ લઈ રહી છે. આ પ્રકારના ફોટાનો ઉપયોગ કરવાથી કાનૂની કેસ પણ થઈ શકે છે. અમેરિકાના કાયદા મુજબ પરવાનગી વગર વોટરમાર્કનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. ભારતમાં પણ આ નિયમ છે અને મોટાભાગના દેશોમાં આ ગેરકાયદેસર છે. નૈતિકતાને ધ્યાનમાં રાખીને OpenAIનું ChatGPT-4o આ વોટરમાર્ક કાઢતું નથી, અને અન્ય ઘણા AI મોડલ પણ આ પ્રકારના એડિટીંગથી દૂર રહે છે. તેમ છતાં, જેમિની હજી પણ વોટરમાર્ક કાઢી રહ્યું છે.
આ પણ વાંચો: ચંદ્રયાન-5ને કેન્દ્રની મંજૂરી: ચંદ્ર પર ઉતરશે અઢીસો કિલોનું રોવર, જાપાન પણ કરશે મદદ
ગૂગલે શું કહ્યું?
ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેમિનીની વોટરમાર્ક કાઢવાની ક્ષમતા ફક્ત એક્સપેરિમેન્ટ્સ છે અને તેને પ્રોડક્શનના ઉપયોગ માટે લોન્ચ કરવામાં આવી નથી. આ ફીચર હાલ ગૂગલના AI સ્ટુડિયો દ્વારા જ ઉપલબ્ધ છે અને ફક્ત ડેવલપર્સ માટે ટેસ્ટિંગ માટે આપવામાં આવ્યું છે. જો કે, આ મોડલને પણ ઘણા વોટરમાર્ક કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. સેમી-ટ્રાન્સપરન્ટ અને ફોટા પર ખૂબ જ મોટું વોટરમાર્ક હોય ત્યારે એને હજી પણ મુશ્કેલી પડી રહી છે. આ ફીચર હજી લોન્ચ કરવામાં આવ્યું નથી, પરંતુ તેની કારણે ટેક ઇન્ડસ્ટ્રીમાં નૈતિક સિદ્ધાંતોને લઈને ચર્ચાનો વિષય બની ગયો છે.