જેમિની કરતાં ચેટજીપીટી નીકળી ગયું આગળ: AIની રેસમાં ગૂગલ કેમ પાછળ? જાણો કારણ…
Google Gemini AI: ગૂગલ તેની AI પ્રોડક્ટની રેસમાં તેની હરિફ કંપનીઓ કરતાં પાછળ રહી ગયું છે. ચેટજીપીટી અને ગ્રોક બન્ને ખૂબ જ ચર્ચામાં રહે છે, પરંતુ જેમિનીનું નામ લોકોના મોંઢા પર પણ નથી આવતું. જોકે જેમિનીમાં ઘણાં સારા-સારા ફીચર્સ હોવા છતાં એ પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું અને એવું કેમ થઈ રહ્યું છે એ માટે પણ ગૂગલના કેટલાક નિર્ણય જવાબદાર છે.
લોકોને રસ પડે એવું ફીચર બનાવવામાં નિષ્ફળ
OpenAIના 'સોરા' એક વીડિયો જનરેશન ટૂલ છે. આ ટૂલ જ્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે ચોક્કસ ટેક્સ્ટના આધારે એનો વીડિયો બની જાય એ તરફ લોકોનું ધ્યાન ગયું હતું. ચેટજીપીટીનું ઇમેજ જનરેશન ફીચર, જે જિબ્લી ઇફેક્ટ દ્વારા ફોટા બનાવે છે, એ દુનિયાભરમાં હાલમાં વાઇરલ છે. જોકે ગૂગલ લોકોને આ રીતે આકર્ષિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ગૂગલના ડીપમાઇન્ડ ડિવિઝન દ્વારા જેમિની પર કામ કરવામાં આવ્યું છે. તેમણે જેમિનીને ખૂબ જ પાવરફૂલ બનાવ્યું, તેમ છતાં તેને ચેટજીપીટી જેવો વાઇરલ ટ્રેન્ડ મળ્યો નથી.
જેમિની કરતાં ડીપસીકને વધુ લોકપ્રિયતા
ચેટજીપીટી અને ગ્રોકની સાથે જ ડીપસીક પણ ખૂબ જ ચર્ચામાં છે. ડીપસીક એક ઓપન-સોર્સ મોડલ હોવા છતાં ગૂગલ કરતાં તેને વધુ લોકપ્રિયતા મળી છે. જોકે ગૂગલનું મોડલ સારું હોવા છતાં તે તેની સફળતા માટે યોગ્ય ઉપયોગ કરી શક્યું નથી. પ્રોડક્ટ સારી હોવા છતાં ચર્ચામાં ન રહે એ મોટી નિષ્ફળતા છે. આથી ચર્ચામાં કેવી રીતે રહેવું એ ડીપસીક પાસેથી પણ શીખી શકાય છે.
ગૂગલનો બિઝનેસ પર વધુ ફોકસ
ગૂગલે પોતાના AI જેમિનીને બિઝનેસ આધારિત બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાથે જ તેમણે ભણતરમાં AI વધુ ઉપયોગી બને એ રીતે પ્રમોટ કર્યું છે. જ્યારે ચેટજીપીટીએ તેના AIને લોકોને રસ પડે એવા ગમાર રીતે પ્રમોટ કર્યું છે. પ્રોડક્ટને કેવી રીતે રજૂ કરવી એ જ સૌથી મહત્ત્વની બાબત છે. ચેટજીપીટીએ પોતાની પ્રોડક્ટને એવી રીતે રજૂ કરી કે સામાન્ય માણસ પણ પોતાની જાતને એનિમેશન રૂપમાં જોઈ શકે છે. આથી, દરેક વ્યક્તિ એ પાછળ ઘેલા થયા છે. ચેટજીપીટીએ તેના ઇમેજ જનરેશન ફીચરને પ્રમોટ નહીં કર્યું પરંતુ એ ફીચરની અનોખી સ્ટાઇલને પ્રમોટ કરી છે. જ્યારે ગૂગલ તેના ફીચર્સને ખાસ કરીને બિઝનેસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એ વિશે જ વધુ વાત કરી રહ્યું છે. આથી ગૂગલ ટ્રેન્ડિંગની રેસમાં ક્યારેય આગળ આવી શક્યું નથી.
આ પણ વાંચો: એપલે પણ લોન્ચ કર્યું જિબ્લી, નવી સોફ્ટવેર અપડેટ દ્વારા ભારતમાં પણ ઇન્ટેલિજન્સ લોન્ચ
વિચારશરણી બદલવાની જરૂર
ગૂગલ પાસે દરેક વસ્તુ છે, પૈસાથી લઈને ટૅક્નોલૉજી સુધી. AIની દુનિયામાં ગૂગલ હજી પણ આગળ નીકળી શકે છે પરંતુ તે પોતાની પ્રોડક્ટને કઈ રીતે જુએ છે એ બદલવાની જરૂર છે. હવે ગૂગલને AIને વધુ પર્સનલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પ્રોફેશનલ એપ્રોચ રાખતાં જુદા પરિણામ જોવા મળ્યા છે.