Google ચૂકવશે 21790 કરોડનો દંડ, વેબસાઇટને ખોટો રેન્ક આપવાના 15 વર્ષ જૂના કેસમાં બ્રિટનના કપલની જીત
Google lose legal battle: બ્રિટનના એક કપલે પંદર વર્ષ પહેલાં Google પર કેસ કર્યો હતો. આટલા વર્ષ બાદ આ કપલ એ કેસ જીતી ગયું છે. આ કેસમાં Googleને 21790 કરોડ રૂપિયાનો દંડ થયો છે. પ્રાઇઝ કમ્પેરિસન વેબસાઇટ ‘Foundem’ના માલિક શિવૉન અને એડમ રાફ દ્વારા 2006માં તેમના બિઝનેસની શરુઆત કરાઈ હતી. આ વેબસાઇટ લાઇવ થતાં જ, તેમણે પ્રાઇઝ કમ્પેરિસન અને શોપિંગ જેવા શબ્દો માટે Google સર્ચ પર તેમની વેબસાઇટ ખૂબ જ નીચે જતી હોય તે જોયું.
Google સ્પેમ ફિલ્ટર પેનલ્ટી
આ વેબસાઇટ સર્ચ રિઝલ્ટમાં ખૂબ જ નીચે જવાનું મુખ્ય કારણ Googleનું સ્પામ ફિલ્ટર ટૂલ હતું. આ ટૂલ દ્વારા આ વેબસાઇટને ખૂબ જ ઓછો રેન્ક અપાયો હતો. Google સ્પામ ફિલ્ટરના કારણે જે પણ વ્યક્તિ સર્ચ કરે તે આ વેબસાઇટ સુધી પહોંચી શકતી નહોતી. એના કારણે કંપની રેવેન્યુ જનરેટ કરી શકી નહોતી.
Foundemની રેન્કિંગની સમસ્યા
એડમ દ્વારા BBCને જણાવવામાં આવ્યું હતું કે ‘અમે અમારા પેજ અને તેની રેન્કિંગ પર નજર રાખી રહ્યા હતા. અમે જોયું કે તેનું રેન્કિંગ તરત જ ઘટી ગયું હતું.’ આ દરમિયાન શરુઆતમાં તેમને લાગ્યું હતું કે આ કોઈ ભૂલ હોઈ શકે છે. આ વિશે શિવૉન કહે છે કે, ‘અમને એવું લાગ્યું કે અમે કોઈ ચોક્કસ જગ્યાએ ગયા બાદ આ રેન્કિંગ માટેની પેનલ્ટીને હટાવી શકીશું.’
જો કે બે વર્ષ બાદ પણ ઘણા પ્રયાસ કરવા છતાં Google દ્વારા આ પેનલ્ટી હટાવાઈ નહોતી. Foundemનો ટ્રાફિક સતત ઓછો થઈ રહ્યો હતો. જ્યારે અન્ય સર્ચ એન્જિન પર તેનું રેન્કિંગ બરાબર હતું.
Googleની ભૂલ
2010માં યુરોપિયન સરકાર સાથે સંપર્ક કર્યા બાદ કપલને ખબર પડી કે ભૂલ ક્યાં હતી. લાંબી તપાસ બાદ ખબર પડી કે Googleએ Foundemના પ્રતિસ્પર્ધીઓની સામે પોતાની શોપિંગ સર્વિસનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. યુરોપિયન સરકાર દ્વારા 2017માં Googleને દંડ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘Google દ્વારા માર્કેટ પર તેના વર્ચસ્વનો દુરુપયોગ કરાયો છે. આથી તેને 2.4 બિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 21790 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.’
Googleની અપીલ અને સાત વર્ષનો કેસ
આ દંડ સામે Google દ્વારા અપીલ કરાઈ હતી અને એ કેસ સાત વર્ષ સુધી ચાલ્યો. 2024માં યુરોપની કોર્ટ દ્વારા આ અપીલને ફગાવી દેવામાં આવી અને જે દંડ ચૂકવવાનો આદેશ કરાયો. શિવૉન અને એડમ રાફના મતે, આ નિર્ણય વર્ષો પહેલાં આવી જવો જોઈએ હતો. શિવૉને આ વિશે કહ્યું કે ‘અમને બંનેને એવું લાગતું હતું કે અમે કોઈ ફેરફાર લાવી શકીએ નહીં. લોકોને પરેશાન કરનારા લોકો અમને બિલકુલ પસંદ નથી.’
પરેશાનીનો કેસ
આ કપલ હવે Google પર માનસિક હેરાનગતિનો કેસ કરવા જઈ રહ્યું છે. આ કેસની સુનાવણી 2026માં છે. 2016માં Foundemને બંધ કરી દેવાયું કારણ કે તે સતત રેન્કિંગમાં નીચે હતું અને પ્રોફિટ એટલો નહોતો થઈ રહ્યો. આ વિશે એડમે કહ્યું કે ‘અમને ખબર હોત કે અમારી લડાઈ 15 વર્ષ ચાલશે તો અમે આ લડાઈ શરુ કરતાં પહેલાં બે વાર વિચાર કર્યો હોત.’