કામ ન કરવા માટે પૈસા ચૂકવી રહ્યું છે ગૂગલ: હરિફાઈમાં ટકી રહેવા કંપનીએ અપનાવ્યો અનોખો રસ્તો
Google DeepMind Work Policy: ગૂગલ દ્વારા હાલમાં AIની રેસમાં ટકી રહેવા માટે એક વિચિત્ર રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. AIની રેસમાં ચેટજીપીટી ખૂબ જ આગળ નીકળી ગયું છે. તેમ જ માઇક્રોસોફ્ટનું કોપાઇલટ પણ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. ડીપસીક અને ગ્રોક જેવા તમામ AIની વચ્ચે ગૂગલના જેમિનીને મુશ્કેલી પડી રહી છે. આથી ગૂગલના AI ડિવિઝન ડીપમાઇન્ડ દ્વારા AI ટેલેન્ટને કામ ન કરવા માટે પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે.
હરિફાઇથી દૂર રહેવાનું એગ્રીમેન્ટ
બિઝનેસ ઇન્સાઇડર મુજબ ગૂગલની ડીપમાઇન્ડ દ્વારા ખૂબ જ મોટો સ્ટેપ લેવામાં આવ્યો છે. તેમના દ્વારા યૂકેમાં કામ કરતાં કેટલાક AI કર્મચારીઓ સાથે હરિફાઈથી દૂર રહેવા માટેનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. આથી ગૂગલ છોડ્યા બાદ આ વ્યક્તિ એક વર્ષ સુધી OpenAI અને માઇક્રોસોફ્ટમાં કામ નહીં કરી શકે. જોકે આ સમય સુધી ગૂગલ તેમના કર્મચારીઓને પગાર આપતું રહેશે. તેમણે કામ નહીં કરવાનું પણ કંઈ ન કરવા માટે પણ તેમને પગાર મળશે.
AIની દુનિયા ખૂબ જ ઝડપી અને હરિફાઈથી ભરેલી છે. આથી ટેલન્ટને સાચવી રાખવું અને તેમના દ્વારા અન્ય કંપનીને ફાયદો ન થાય એ માટે તેમને ઘરે બેસવા માટે પણ પગાર આપવામાં આવશે.
પૈસા મળશે પણ ભવિષ્ય જોખમમાં
એક વર્ષથી ઘરે બેસી રહ્યા બાદ કોઈ વ્યક્તિને ફરી જોબ મળે કે નહીં એ સવાલ છે. તેમ જ તે આળસુ બની ગયો અને તેના ટેલન્ટને વધુ તેજ ન કરી શક્યો તો પણ તેના માટે નોકરીનું જોખમ રહે છે. AI એક એવું ક્ષેત્ર છે જ્યાં દિવસે-દિવસે નવી ખોજ થતી રહે છે. આથી એક વર્ષ ઘરે બેસી રહ્યા હોવાથી એ વિશેની માહિતી નથી મળતી અને વ્યક્તિ અન્ય કરતાં પાછળ થઈ જાય છે. કામમાંથી લીધોલા આ બ્રેક સમું છે અને વ્યક્તિના વિકાસમાં એક બાધા સમાન છે. ઘણાં રિસર્ચર દ્વારા આ વિશે તેમનું ફ્ર્સ્ટ્રેશન પણ ઠાલવવામાં આવ્યું છે કે તેમને કામ કરવાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. કેટલાક વ્યક્તિ માઇક્રોસોફ્ટના વાઇસ પ્રેસિડન્ટ સુધી પણ પહોંચી ગયા છે કે તેમને આ રીતે કામ કરતાં અટકાવવામાં આવી રહ્યા છે. પૈસા મળવા છતાં દુનિયાભરથી પાછળ રહી જવાનો તેમને ડર સતાવી રહ્યો છે અને એની માનસિક અસર થઈ રહી છે.
ગૂગલે શું જવાબ આપ્યો?
આ વિશે વાત બહાર આવતાં ગૂગલે કહ્યું છે કે તેઓ આ પોલીસીનો ઉપયોગ અમુક સમયે કંપનીના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને કરે છે. જોકે બીજી તરફ અમુક સમયે અને અમુક વ્યક્તિઓ સાથે જ કરવામાં આવતી હોવાથી સમાનતાની વાત ઉઠી રહી છે. તેમ જ AI ઇન્ડસ્ટ્રીમાં દરેકને એક સમાન તક મળવી જોઈએ એ માટે પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. આ પોલીસીને કારણે ગૂગલના મૂલ્યો પર પણ સવાલ ઊઠી રહ્યાં છે.
AI એક્સપર્ટની ડિમાન્ડ વધી રહી છે
ગૂગલની આ પોલીસીને લઈને અન્ય કંપનીઓ પણ હવે આ પોલીસીનું અનુમોદન કરી શકે છે. AI ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. મેટા કંપની દ્વારા પણ હાલમાં જ તેમનું Llama 4 લોન્ચ કરવામાં આવ્યું છે. આથી દરેક કંપની હવે તેમના AIને વધુ એક્સપર્ટ બનાવવા માગે છે. આ માટે તેમને AI એક્સપર્ટની જરૂર પડે છે. આથી કંપનીઓ હવે AI ટેલેન્ટને બચાવવા માટે અને રોકવા માટે કોઈ પણ પગલાં ભરવા માટે તૈયાર છે કારણ કે માર્કેટમાં આ સમયે AI એક્સપર્ટ મળવા મુશ્કેલ છે. અન્ય કંપનીમાં અમુક સમય સુધી કામ નહીં કરી શકે એ નિયમ નવો નથી, પરંતુ આ સમય સુધી તેમને પગાર ચૂકવવો એ એક નવી પહેલ છે.
આ પણ વાંચો: AIની મદદથી ખુન થાય એ પહેલાં શોધી કાઢવા આવશે આરોપીને
કંપનીના મૂલ્યોને લઈને સવાલ ઊઠી રહ્યા છે
કંપની પૈસા તો ચૂકવી રહી છે, પરંતુ બીજી તરફ વ્યક્તિનો વિકાસ પણ રૂંધી રહી છે. આથી કંપનીના મૂલ્યોને લઈને ઘણાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે પોતાનો ઇન્ટરેસ્ટ અને અન્ય કંપનીમાં કામ કરવાથી એ આગળ નીકળી જશે એ ડર એટલો મોટો છે કે વ્યક્તિનો વિકાસ પણ અટકાવી દેવામાં આવે. આથી ગૂગલનો આ નિર્ણય વિચિત્ર હોવાની સાથે સવાલ ઊભા કરનારો પણ છે.