ગૂગલ બાર્ડ પબ્લિક માટે લોન્ચઃ ભૂલોની નવેસરથી શરૂઆત
ગૂગલે પોતાના સર્ચ એન્જિનમાં બાર્ડ નામે ચેટજીપીટી જેવાં ફીચર્સ ઉમેરવાની
જાહેરાત કરી હતી અને તેને પોતાના ટ્રસ્ટેડ ટેસ્ટર્સ માટે લોન્ચ કર્યાં હતાં. હવે પહેલી જ વાર ગૂગલે આ ફીચર જનરલ પબ્લિક માટે પણ
ઓપન કર્યાં છે. અલબત્ત, હજી આ લખાય છે ત્યારે આપણા
દેશમાં આ ફીચર પબ્લિક ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ થયાં નથી.
જોકે અત્યારથી જ આ ફીચર્સ વિવાદના ઘેરાવામાં આવી ગયાં છે. જે દેશોમાં તેનું
પબ્લિક ટેસ્ટિંગ શરૂ થયું છે તેમાં યૂઝર સાથેની વાતચીત દરમિયાન આ ચેટબોટે એક
જબરજસ્ત ઘટસ્ફોટ કર્યો! યૂઝરે ચેટબોટને પૂછ્યું કે તેને કેવી રીતે ટ્રેઇન કરવામાં
આવેલ છે? તેના જવાબમાં ચેટબોટે
જણાવ્યું કે વિવિધ યૂઝર્સના જીમેઇલ ડેટાથી!
આ વાત બહાર આવતાં જબરો હોબાળો મચી ગયો. અગાઉ પણ ગૂગલ કંપની આપણા મેઇલ
વાંચીને તેમાંના કન્ટેન્ટ અનુસાર જાહેરાતો બતાવતી હોવાનો વિવાદ જબરો ચાલ્યો હતો. એ
પછી ગૂગલે તે પ્રવૃત્તિ બંધ કરી હતી. હવે ચેટબોટે ફરી જાહેર કરી દીધું કે ગૂગલ
આપણા જીમેઇલમાંના ડેટાનો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે! જોકે ગૂગલ કંપનીએ બાર્ડની ટ્રેનિંગ માટે
જીમેઇલના ડેટાનો ઉપયોગ થયો હોવાનો ઇન્કાર કર્યો છે.
મજાની વાત એ છે કે ગૂગલ બાર્ડ સાથેની પેલી વિવાદાસ્પદ વાતચીત માઇક્રોસોફ્ટના
એક રિસર્ચરે કરી હતી! તેણે ચેટબોટને તેની ટ્રેનિંગ વિશે પૂછ્યું ત્યારે બાર્ડે
જવાબ આપ્યો કે તેને પબ્લિકલી અવેલેબલ ડેટાસેટ્સ, વિકિપીડિયા, ગીટહબ, સ્ટેકઓવરફ્લો વગેરે ઇન્ટરનેટ પરના વિવિધ સોર્સમાંથી ટ્રેનિંગ મળે છે. એ પછી
બાર્ડે કહ્યું કે તેને ગૂગલના ઇન્ટરનલ સોર્સ જેમ કે ગૂગલ સર્ચ, જીમેઇલ અને અન્ય પ્રોડક્ટસ તથા કેટલીક થર્ડ પાર્ટી કંપનીના ડેટામાંથી પણ
ટ્રેનિંગ મળી છે. પેલી રિસર્ચરે આ વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર
કર્યા. જો તેને ખરેખર જીમેઇલ ડેટાથી ટ્રેઇન કરવામાં આવેલ હોય તો યૂઝરના ડેટાની
પ્રાયવસીનો બહુ મોટો ભંગ ગણાય. જોકે ગૂગલે સામી સ્પષ્ટતા કરતા કહ્યું કે બાર્ડ
ભૂલો કરી શકે તેમ છે અને તેને જીમેઇલ ડેટાથી ટ્રેઇન કરવામાં આવેલ નથી!