ગૂગલ અને ફેસબુક પર લટકતી તલવાર: મેટા કંપનીના કેસની ટ્રાયલ થશે શરુ અને ગૂગલ પર કરવામાં આવશે ફેડરલ સુપરવિઝન
Google And Meta in Trouble: ગૂગલ અને મેટા કંપની પર હાલમાં અમેરિકન ગવર્નમેન્ટની તલવાર લટકી રહી છે. મેટા કંપની પર કરવામાં આવેલા કેસની હવે ટ્રાયલ શરુ થવા જઈ રહી છે. કોર્ટ દ્વારા મેટાની કેસ રદ કરવાની અરજીને ફગાવી દેવામાં આવી છે. હવે એનું શું પરિણામ આવશે એ પર સૌની નજર છે. મેટા કંપની અને ગૂગલ બન્ને પર માર્કેટમાં હરિફાઈનો નાશ કરવાનો અને પોતાની મોનોપોલી ચલાવવાનો આરોપ છે.
હરિફાઈ નાબૂદ કરવાનો આરોપ
અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા મેટા કંપની પર 2020માં કેસ કરવામાં આવ્યો હતો જ્યારે એનું નામ ફેસબુક હતું. ફેસબુક દ્વારા 2012માં ઇન્સ્ટાગ્રામ અને 2014માં વોટ્સએપને ખરીદી લેવામાં આવ્યું હતું. ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા એ આરોપ મૂકવામાં આવ્યો છે કે માર્કેટમાં હરિફાઈને દૂર કરવા માટે ફેસબુક દ્વારા આ બે કંપનીઓને ખરીદી લેવામાં આવી હતી જેથી તેમને ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય. આ સાથે જ એવો પણ આરોપ મૂક્યો હતો કે જ્યાં સુધી ફેસબુક અને તેની અન્ય ઍપ્લિકેશન સાથે કોઈ કોમ્પિટિશન કરવામાં ન આવે તો જ તેમની APIને એક્સેસ કરવા દેવામાં આવે છે.
કોર્ટનો ચૂકાદો
ફેડરલ ટ્રેડ કમિશનની આ કેસમાં એક વાતને માન્ય રાખી કેસ ચલાવવા માટે કોર્ટે પરવાનગી આપી છે. ફેસબુક દ્વારા હરિફાઈ નાબૂદ કરવા માટે બન્ને કંપનીઓ ખરીદવામાં આવી હતી એ આરોપ સાબિત કરવા માટે કોર્ટમાં કેસ ચલાવાશે. જોકે ફેસબુક પોતાની સર્વિસને હરિફાઈ ન કરવામાં આવે એવી શરત રાખી રહ્યું છે એને ફગાવી દેવામાં આવી છે કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઍપ્લિકેશન બનાવવા માટે સ્વતંત્ર છે.
આ કેસ વિશે મેટાનું શું કહેવું છે?
મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે "અમને એ વાતની ખાતરી છે કે અમારી પાસે જે પુરાવા છે એ કોર્ટમાં એ સાબિત કરવા માટે પૂરતાં છે કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને ખરીદવું એ માર્કેટની હરિફાઈ માટે સારું અને યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું છે." મેટા કંપનીનું માનવું છે કે તેમણે આ બે કંપનીઓ ખરીદી એના કારણે માર્કેટમાં હરિફાઈ વધી છે અને વધુ સર્વિસ ઉપલબ્ધ થઈ છે.
ઓર્ડર પેન્ડિંગ
કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની ખરીદીને એપલ અને ગૂગલ સામે વોટ્સએપનું સ્થાન વધુ મજબૂત કરવામાં આવ્યું છે એવી દલીલ મેટા કંપની નહીં કરી શકે. ફેડરલ ટ્રેડ કમિશન અને મેટા દ્વારા કંપનીને લગતી માહિતી કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યાર બાદ ટ્રાયલ માટેની તારીખ નક્કી કરવામાં આવશે. ત્યાં સુધી એ વિશેનો ઓર્ડર પેન્ડિંગ રહેશે. આ સિવાય બીજો પણ એક મુદ્દો હતો જે માટે ફેડરલ ટ્રેડ કમિશન અને મેટા કંપની વચ્ચે 2020માં પ્રાઇવસી સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. એમાં થોડો બદલાવ કરવા માગતાં મેટા કંપની દ્વારા એ વિશે ના પાડી દેવામાં આવી હતી કે સેટલમેન્ટમાં બદલાવ કરવા માટે ફેડરલ કોર્ટના ઑર્ડરની જરૂર પડે છે અને એ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે.
મેટા કંપનીની દલીલ
મેટા કંપની દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી રહી છે કે ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા સોશિયલ મીડિયાને ખૂબ જ નાના માર્કેટ તરીકે જોવામાં આવી રહ્યું છે જેમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને જ ગણવામાં આવ્યાં છે. જોકે મેટા કંપનીની ખરી હરિફાઈ બાઇટડાન્સના ટિકટોક, ગૂગલના યુટ્યૂબ અને માઇક્રોસોફ્ટના લિંકડઇન સાથે છે.
આ પણ વાંચો: યૂટ્યુબે લોન્ચ કર્યું નવું ફીચર: હવે વીડિયોના કંટાળાજનક પાર્ટને સરળતાથી સ્કિપ કરી શકશો
ગૂગલ પણ સુપરવિઝન હેઠળ
અમેરિકાના કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ બ્યુરો દ્વારા ગૂગલને ફેડરલ સુપરવિઝન હેઠળ રાખવાનો ઑર્ડર આપવામાં આવ્યો છે. આ ઑર્ડરનો ગૂગલ દ્વારા ઘણો વિરોધ કરવામાં આવ્યો છે. જોકે એવી ચર્ચા છે કે આ નિર્ણય હવે લઈ લેવામાં આવ્યો છે. ફેડરલ સુપરવિઝન હેઠળ રાખવામાં આવેલ કંપનીના તમામ રૅકોર્ડને રેગ્યુલેટર કંપની દ્વારા ચેક કરવામાં આવી શકે છે. આથી ગૂગલની તમામ માહિતી અને બિઝનેસના ડેટા સરકારને મળી શકે છે. આ સાથે જ ગૂગલ દ્વારા તેમનો મોબાઇલ એપ સ્ટોર હરિફાઈ માટે ખુલ્લો મૂકવો પડશે એવું બની શકે છે.