ગૂગલ વોલેટ દ્વારા કોઈ પણ ડોક્યુમેન્ટને યુઝર્સ હવે ડિજીટલ પાસમાં કનવર્ટ કરી શકશે
Google-Wallet: ગૂગલ વોલેટને ભારતમાં મેમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે એનો ઉપયોગ એટલો નહોતો થઈ રહ્યો, પરંતુ હવે વધશે એવું લાગી રહ્યું છે. ગૂગલ વોલેટ દ્વારા હાલમાં જ નવા ફીચરની જાહેરાત કરવામાં આવી છે. ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે કોઈ પણ ડોક્યુમેન્ટને ડિજીટલ પાસમાં પરિવર્તિત કરી દેશે. આથી હવે યુઝર દ્વારા જે તે વસ્તુની PDF બનાવવાની ઝંઝટમાંથી પણ મૂક્તી મળી ગઈ છે. આ ફીચર હાલમાં અમેરિકામાં રિલીઝ કરવામાં આવ્યું છે અને એ બહુ જલદી અન્ય દેશમાં પણ લોન્ચ કરવામાં આવશે. તેમ જ ધીમે-ધીમે દરેક મોડલ પર એ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો: ક્રાંતિકારી વિચાર: 3D પ્રિન્ટરમાંથી બિલ્ડરે બનાવી આખી સોસાયટી, મકાનો વેચાવા પણ લાગ્યા
આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે વોલેટમાં જઈને એડ ટૂ વોલેટ બટન પર ક્લિક કર્યા બાદ એવરીથીંગ એલ્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ કેમેરા વ્યુફાઇન્ડર ઓપન થશે અને દરેક વસ્તુને સ્કેન કર્યા બાદ એને ગૂગલ વોલેટમાં ઇમ્પોર્ટ કરશે. ત્યાર બાદ ગૂગલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી એની જાંચ કરશે અને ત્યાર બાદ એ કયા પ્રકારનું ડોક્યુમેન્ટ છે એને અનુરૂપ ડિજીટલ પાસ બનાવશે. ત્યાર બાદ એ યુઝરને એમાં કોઈ બદલાવ કરવો છે કે નહીં એ પૂછશે. જો એડિટ ન કરવું હોય તો સીધું એનો ડિજીટલ પાસ બની જશે અને એડિટ કરવું હોય તો એ કર્યા બાદ ડિજીટલ પાસ બનશે. બિઝનેસ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇવેન્ટ ટિકીટ, પાસપોર્ટ, સ્ટુડન્ટ આઇડેન્ટિફિકેશન કાર્ડ્સને આ ટૂલની મદદથી ડિજીટલ પાસમાં પરિવર્તિત કરી શકાશે.
કસ્ટમાઇઝેશન
ડિજીટલ પાસ બનાવતી વખતે યુઝરને એને કસ્ટમાઇઝ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ડિજીટલ પાસ બનાવ્યો હોય અને એ કોઈ કેટેગરીમાં બંધ બેસતો ન હોય તો એને અધર ઓપ્શન તરીકે પસંદ કરી કસ્ટમાઇઝ કરી શકાય છે. આથી યુઝર પાસે કોઈ પણ ડોક્યુમેન્ટને ડિજીટલ પાસ તરીકે બનાવવાની સુવિધા હવે છે.
ડિજીટલ પાસનો શું ઉપયોગ?
ડિજીલોકરમાં જે રીતે ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકાય છે એ જ રીતે ગૂગલ વોલેટમાં પણ ડોક્યુમેન્ટને પાસની જેમ સ્ટોર કરી શકાશે. આ પાસ બનાવ્યા બાદ જે ફોટો હોય છે એ તેના પર જોઈ શકાશે તેમ જ અન્ય માહિતીનો સમાવેશ બીજા પેજ પર કરવામાં આવશે. આ ડિજીટલ પાસનો ઉપયોગ યુઝર ગૂગલની દરેક પ્રોડક્ટમાં કરી શકશે જેમ કે મેપ્સ, કોન્ટેક્ટ અને કેલેન્ડર વગેરે. જોકે આ પાસને અન્ય યુઝર સાથે શેર કરવાની સુવિધા આપવામાં નથી આવી. જોકે ટિકીટ હોય અને એના પર બારકોડ હોય તો એને બારકોડ સ્કેનરની સામે રાખીને સ્કેન જરૂર કરાવી શકાય છે.