Get The App

Global Outage: માઈક્રોસોફ્ટ જેવી જ દુનિયાભરનો વ્યવહાર ઠપ કરી દેતી ઐતિહાસિક ઘટનાઓ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
Global Outage: માઈક્રોસોફ્ટ જેવી જ દુનિયાભરનો વ્યવહાર ઠપ કરી દેતી ઐતિહાસિક ઘટનાઓ 1 - image


Global Outages: શુક્રવારે ફરી એકવાર દુનિયા વૈશ્વિક ટેક્નોલોજી આઉટેજની સાક્ષી બની. માઈક્રોસોફ્ટને સાયબર સિક્યોરિટી પૂરી પાડતી ક્રાઉડસ્ટ્રાઈકને કારણે દુનિયાભરમાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝથી ચાલતા કમ્પ્યુટર્સ કામ કરતાં બંધ થઈ ગયા હતા. જેને પરિણામે બેન્કો, ન્યૂઝ ચેનલો, સ્ટોક એક્સચેન્જ, રેલવે પરિવહન, આઈટી કંપનીઓ, કોર્પોરેટ જૂથો, શોપિંગ મોલ્સના કામકાજને અસર થઈ હતી. એરલાઈન્સે હવાઈ ઉડાનો કેન્સલ કરવી પડી હતી તો હોસ્પિટલોમાં સર્જરીઓ પાછી ઠેલાઈ હતી. પેમેન્ટ સિસ્ટમ, વેબસાઈટ્સ અને એપ્સ બંધ થઈ જતાં જનસામાન્યને પણ હેરાનગતિ થઈ હતી. 

આધુનિક સમયમાં બનેલી આઉટેજની આ કંઈ પહેલીવહેલી ઘટના નથી. અગાઉ પણ વૈશ્વિક આઉટેજ થયા હતા જેને લીધે અંધાધૂંધી સર્જાઈ હતી. ચાલો જાણીએ ટેક્નોલોજિકલ હડતાલના અમુક પ્રસંગો…

1.     Dyn

Dyn એ ઇન્ટરનેટ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ કંપની હતી, જે વેબ એપ્લિકેશન સુરક્ષા, ઓનલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોનિટર કરવા, નિયંત્રણ કરવા અને ઑપ્ટિમાઈઝ કરવા માટે પ્રોડક્ટ્સ ઑફર કરવા, તથા ડોમેન રજિસ્ટ્રેશન સેવા આપવા જેવા કામ કરતી હતી. (‘ઓરેકલ કોર્પોરેશન’ દ્વારા Dynને હસ્તગત કરી લેવામાં આવી છે.) ઇતિહાસમાં સૌથી મોટો ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ (DDoS) એટેક 2016 માં Dyn સામે થયો હતો. આ હુમલો ત્રણ તરંગોમાં થયો હતો, જેણે આ અમેરિકન કંપનીના સર્વરને હચમચાવી દીધું હતું. એને પરિણામે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ ટ્વિટર, સ્પોટિફાઇ અને નેટફ્લિક્સ જેવી સેવાઓથી વંચિત થઈ ગયા હતા.

2. બ્રિટિશ એરવેઝ આઉટેજ

2017માં યુકેમાં બ્રિટિશ એરવેઝની કામગીરી ખોરવાઈ હતી. વીકેન્ડમાં જ્યારે સૌથી વધુ પ્રવાસીઓ હવાઈ મુસાફરી કરતાં હોય છે ત્યારે જ વિમાની સેવા ઠપ થઈ ગઈ હતી. કુલ મળીને 672 ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી જેને પરિણામે હજારો મુસાફરો વિવિધ એરપોર્ટ્સ પર ફસાઈ ગયા હતા. આઉટેજ સર્જાવાના કારણમાં એવું કહેવાયું હતું કે એક એન્જિનિયરે ડેટા સેન્ટરનો પાવર સપ્લાય ડિસ્કનેક્ટ કરેલો ત્યારે પાવર સપ્લાયમાં ભયંકર ઉથલો આવવાથી આઉટેજ સર્જાયો હતો. 

3. ગૂગલ

વિશ્વભરમાં સૌથી વધુ વપરાતી ઇન્ટરનેટ સર્ચ સર્વિસ Google પણ 2020માં આઉટેજનો ભોગ બની ચૂકી છે. કંપનીની પ્રમાણીકરણ સેવાઓ (authentication services) માટે અપૂરતી સંગ્રહ ક્ષમતા (inadequate storage capacity)ને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. આઉટેજ ફક્ત પિસ્તાળીસ મિનિટ જ ચાલ્યું હોવા છતાં વિશ્વભરના વપરાશકર્તાઓને એની અસર થઈ હતી. એટલા સમય દરમિયાન લોકો જી-મેઇલ અને યૂ-ટ્યુબ ઉપરાંત બધી ગૂગલ સેવાઓ અને એપ્સ વાપરી નહોતા શક્યા. 

4. ફેસબુક

2021માં તો આખું વર્ષ જ એક યા બીજી આઉટેજ દુર્ઘટના સર્જાતી રહી હતી. જગતભરના લાડકા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે પણ 2021 માં મોટી આઉટેજનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે એના અબજો વપરાશકર્તાઓ ફેસબુક ઉપરાંત, તેની અન્ય સેવાઓ Instagram અને WhatsApp થી વંચિત રહ્યા હતા. આઉટેજનું કારણ ફેસબુકના ડેટા સેન્ટરોમાં ટ્રાફિકને ટ્રાન્સમિટ કરતાં બેકબોન રાઉટર્સમાં થયેલી ગોઠવણીમાં ફેરફાર હતું. આ આઉટેજ લગભગ છ કલાક સુધી ચાલ્યું હતું. સોશિયલ મીડિયા નેટવર્ક માટે આ બહુ લાંબો સમય કહેવાય. આ સમયગાળા દરમિયાન યુઝર્સ ઘાંઘા થઈ ગયા હતા. 

5. વેરાઇઝન ફિઓસ

જાન્યુઆરીમાં 2021માં વેરાઇઝન ફિઓસ (Verizon Fios) કંપનીમાં મોટી ઇન્ટરનેટ આઉટેજ સર્જાઈ હતી, જેણે અમેરિકાના પૂર્વ કાંઠે વસતા હજારો ગ્રાહકોના કામમાં વિક્ષેપ પાડ્યો હતો. વેરાઇઝન ફિઓસ એ બંડલ ઈન્ટરનેટ એક્સેસ, ટેલિફોન અને ટેલિવિઝન સેવા છે જે અમેરિકામાં ફાઈબર ઓપ્ટિકલ નેટવર્ક પર કામ કરે છે. માત્ર એક કલાક ચાલેલા આ આઉટેજ માટે કંપનીએ શરૂઆતમાં એમ કહ્યું હતું કે કોઈ અટકચાળાએ ફાઈબર કેબલ કાપી નાંખ્યો હોવાથી આ આઉટેજ થયો હતો. જોકે, પાછળથી બહાર આવ્યું હતું કે એનું અસલી કારણ મેન્ટેનન્સ દરમિયાન સોફ્ટવેરમાં થયેલી સમસ્યા હતું.

6. સ્લેક

સ્લેક (Slack) એ ક્લાઉડ-આધારિત ટીમ કમ્યુનિકેશન પ્લેટફોર્મ છે, જે મુખ્યત્વે બિઝનેસ-ટુ-બિઝનેસ સેવા ઓફર કરે છે. જાન્યુઆરી 2021 માં સ્લૅક આઉટેજ સર્જાયો હતો જેણે સંચાર અને સહયોગ માટે આ પ્લેટફોર્મ પર આધાર રાખતા કામદારોનું કામ ખોરવી નાંખ્યું હતું. આ આઉટેજને કારણે મુખ્યત્વે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન અને ભારતની સંસ્થાઓને અસર થઈ હતી. એમાં લગભગ અઢી કલાક સુધી વિક્ષેપ આવ્યો હતો. ઇન્ટરનેટ ટ્રાફિકમાં વધારાને સમાવી ન શકતાં AWS ટ્રાન્ઝિટ ગેટવે પર સ્કેલિંગ સમસ્યાઓ સર્જાઈ હતી જે આ આઉટેજનું કારણ બની હતી. 

7. એમેઝોન 

એમેઝોન વેબ સર્વિસિસ (AWS) એ ડિસેમ્બર 2021 માં મોટા આઉટેજનો અનુભવ કર્યો હતો. કલાકો સુધી ચાલેલા આ આઉટેજને કારણે નેટફ્લિક્સ, ડિઝની, સ્પોટિફાઇ, DoorDash અને Venmo સહિત ઘણી અગ્રણી સેવાઓ ખોરવાઈ ગઈ થઈ. વપરાશકર્તાઓ ક્લાઉડ સેવાઓની સર્વિસથી પણ વંચિત રહ્યા હતા. એમેઝોને આ આઉટેજ માટે ઓટોમેશન એરર(ભૂલ)ને દોષી ઠેરવી હતી. આ આઉટેજે સાબિત કર્યું હતું કે એમેઝોન જેવા મોટા અને સલામત ગણાતા ક્લાઉડ પ્રદાતાઓ પણ ટેકનોલોજિકલ ક્ષતિઓ સામે સો ટકા ‘સલામત’ નથી. 

8. ફાસ્ટલી 

ફાસ્ટલી (Fastly) એ અમેરિકન ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ પ્રોવાઈડર છે. જૂન 2021માં ફાસ્ટલીનું નેટવર્ક ડાઉન થઈ ગયું હતું, જેને પરિણામે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ અને CNN સહિતની ઘણી મોટી વૈશ્વિક સમાચાર વેબસાઈટ્સનું કામ ખોરંભે ચડ્યું હતું. એને લીધે ‘ટાર્ગેટ કોર્પોરેશન’ અને ‘એમેઝોન’ જેવા રિટેલર્સની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. ખામીયુક્ત સોફ્ટવેર અપડેટને કારણે ફાસ્ટલીના ઘણાબધા સર્વર્સમાં વિક્ષેપ સર્જાયો હતો જેને કારણે આ આઉટેજ સર્જાયું હતું. 

9. માઇક્રોસોફ્ટ

તાજેતરમાં થયું એમ ‘માઇક્રોસોફ્ટ’ 2021માં પણ આઉટેજનો સામનો કરી ચૂકી છે. ડિસેમ્બર 2021માં માઇક્રોસોફ્ટની Azure સર્વિસ શરૂ થઈ હતી. એ વખતે Azureની એક્ટિવ ડિરેક્ટરી સેવા લગભગ નેવું મિનિટ માટે ક્રેશ થઈ ગઈ હતી. અન્ય આઉટેજની તુલનામાં આ આઉટેજ પ્રમાણમાં નાનું હતું. છતાં એને કારણે વપરાશકર્તાઓ માઇક્રોસોફ્ટની Office 365 જેવી અમુક સર્વિસમાં સાઇન ઇન કરી નહોતા શક્યા. 

10. કોમકાસ્ટ

બહુરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન્સ અને મીડિયા સમૂહ એવી અમેરિકન કંપની ‘કોમકાસ્ટ’માં નવેમ્બર 2021 માં ઇન્ટરનેટ આઉટેજ થયું હતું. કંપનીની સાન ફ્રાન્સિસ્કો બેકબોન બે કલાક માટે બંધ થઈ હતી. અમેરિકાના અનેક શહેરોમાં ફેલાયેલી કંપનીની સર્વિસ પ્રભાવિત થઈ હતી. અમેરિકામાં કોવિડ રોગચાળો જ્યારે ખૂબ વકર્યો હતો એવા સમયે સર્જાયેલા આ આઉટેજને કારણે હજારો ગ્રાહકો કંપનીની સેવાથી વંચિત રહ્યા હતા. 

11. અકામાઈ એજ (Akamai Edge) DNS

વિશ્વભરમાં કન્ટેન્ટ ડિલિવરી પ્રોવાઇડર તરીકે કામ કરતી ‘અકામાઈ એજ’એ પણ 2021 માં તેની DNS સેવામાં આઉટેજ અનુભવી હતી. ખામીયુક્ત સોફ્ટવેર અપડેટને કારણે સિક્યોર એજ કન્ટેન્ટ ડિલિવરી નેટવર્કમાં વાઇરસ લાગ્યો હતો, જે આઉટેજમાં પરિણમ્યું હતું. અકામાઈના આઉટેજને કારણે વ્યાપક નુકસાન થયું હતું. અમેરિકન એરલાઇન્સ, ફોક્સ ન્યૂઝ અને સ્ટીમ સહિતની ઘણી સેવાઓ એને કારણે અસરગ્રસ્ત થઈ હતી. 

12. કોક્સ કોમ્યુનિકેશન્સ

કોક્સ કોમ્યુનિકેશન્સ (Cox Communications) એ ડિજિટલ કેબલ ટેલિવિઝન, ટેલિકોમ્યુનિકેશન્સ અને હોમ ઓટોમેશન સેવાઓ આપતી કંપની છે. અમેરિકાની ત્રીજા ક્રમની સૌથી મોટી કેબલ ટેલિવિઝન પ્રદાતા એવી આ કંપનીમાં માર્ચ 2022 માં ઈન્ટરનેટ આઉટેજની દુર્ઘટના સર્જાઈ હતી, જેને પરિણામે લાસ વેગાસ વિસ્તારમાં લગભગ સાત હજાર ગ્રાહકો પ્રભાવિત થયા હતા. ટ્રાન્સમિશન લાઇનને નુકસાન પહોંચવાથી આ સમસ્યા ઊભી થઈ હતી. પાવરમાં આવેલા એકાએક ઉછાળાને કારણે કેબલ મોડેમ રીસેટ થઈ ગયો હતો. આ આઉટેજ કલાકો સુધી ચાલ્યું હતું.


Google NewsGoogle News