દુનિયાની સૌથી મોટી ટેક કંપનીએ કરી 600 કર્મચારીની છટણી, બે પ્રોજેક્ટ બંધ થતા લીધો નિર્ણય
Global Layoff : વિશ્વભરની મોટી ટેક કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો છે. આ વર્ષે શરૂઆતમાં ઘણી કંપનીઓએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી ચુકી છે. ત્યારે હવે દુનિયાની સૌથી મોટી ટેક કંપનીમાં 600 કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે. એપ્પલ કંપનીએ 600થી વધુ લોકોને નોકરીમાંથી કાઢ્યા છે.
કાર-સ્માર્ટ વૉચ ડિસ્પ્લે પ્રોજેક્ટ બંધ થતા છટણી કરી
મીડિયા અહેવાલો મુજબ એપ્પલે છટણીની વાતની પુષ્ટી કરી છે. કંપનીએ કેલિફોર્નિયા એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફાઇલિંગમાં આ વાત કહી છે. તેમાં જણાવાયું છે કે, એપ્પલે કેલિફોર્નિયામાં 600થી વધુ કર્મચારીની નોકરીમાંથી છટણી કરી છે. કંપનીનું કહેવું છે કે, કાર અને સ્માર્ટ વૉચ ડિસ્પ્લે પ્રોજેક્ટ બંધ થતા આ નિર્ણય લીધો છે. એપ્પલનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના કૂપર્ટીનોમાં આવેલું છે, તેથી કંપની જો કોઈ કર્મચારીની છટણી કરે અથવા કંપનીમાંથી કાઢી મુકે તો તેણે લોકલ રેગ્યુલેશનને જાણ કરવાની રહે છે, તેથી કંપનીએ આ માહિતી આપી છે.
અમેરિકી માર્કેટમાં એપ્પલનો શેર ડાઉન, એમકેપ પણ ઘટ્યું
અમેરિકી માર્કેટમાં ગુરુવારે એપ્પલનો શેર 0.49 ટકા ઘટી 168.82 ડૉલર પર પહોંચતા તેનું એમકેપ 2.61 ટ્રિલિયન ડૉલરે પહોંચ્યું હતું. આ વેલ્યુએશન મુજબ એપ્પલ માત્ર માઈક્રોસોફ્ટથી પાછળ છે અને વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. આવી સ્થિતિમાં છટણીની વાત ચિંતાજનક છે.
વિશ્વભરમાં જે પ્રોજેક્ટની ચર્ચા થઈ, તેમાંથી જ એપ્પલ ખસી ગઈ
મીડિયા અહેવાલો મુજબ એપ્પલે એપ્પલની સીક્રેટ ફેસિલિટીમાં નેક્સ્ટ-જેનરેશન સ્ક્રીન ડેવલપમેન્ટમાં કામ કરતા 87 કર્મચારીઓની છટણી કરી છે, જ્યારે છટણી થયેલા કર્મચારીઓ કાર પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા. એપ્પલના કાર પ્રોજેક્ટની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. હાલના સમયમાં ઘણી મોબાઈલ અને ગેઝેટ કંપનીઓ ઈવી સેગમેન્ટમાં ઉતરી રહી છે. શાઓમી જેવી સ્માર્ટફોન બનાવતી કંપની પણ ઈવી માર્કેટમાં ઝંપ લાવી રહી છે. એપ્પલે થોડ સમય પહેલા જ આવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જોકે હવે કંપનીએ કાર પ્રોજેક્ટમાંથી ખસી ગઈ છે.