સૂર્યની વિરાટ થાળી પર સર્જાયું મહાવિરાટ કોરોનલ હોલ : 60 પૃથ્વી સમાઇ જાય એટલું મોટું
- વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ ઘેરી ચિંતામાં
- 80,0000 કિલોમીટરની લંબાઇવાળા કોરોનલ હોલમાંથી ફેંકાતા સૌર તોફાનોની વેધક અસરથી પૃથ્વી પર રેડિયો બ્લેક આઉટ સર્જાઇ શકે : કોરોનલ હોલની સ્થિતિ કદાચ 27 દિવસ સુધી રહેવાનો અંદાજ
વોશિંગ્ટન/મુંબઇ : પૃથ્વી માટે ચિંતાજનક સમાચાર છે. સમાચાર એ છે કે સમગ્ર સૂર્ય મંડળના અધિપતિ ગણાતા સૂર્ય નારાયણની ધગધગતી થાળી પર વિરાટ કદનું કોરોનલ હોલ (ખગોળશાસ્ત્રની ભાષામાં સૂર્યની સપાટી પર સર્જાયેલું વિરાટ કદનું કાળું ધાબું) સર્જાયું છે.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (એસડીઓ)એ ૨૦૨૩ની ૨, અને ૪, ડિસેમ્બરે સૂર્યની સપાટી પર સર્જાયેલા આ મહાકાય કોરોનલ હોલની ઇમેજ લીધી છે.
* સૂર્યમાંનું કોરોનલ હોલ કેટલું મોટું છે ?
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સૂર્યની સપાટી પરના આ કોરોનલ હોલનું કદ ૬૦ પૃથ્વીના કદ જેટલું છે. બીજા શબ્દોમાં કહીએ તો સૂરજના આ વિરાટ કાળા ધાબામાં આપણી ૬૦ પૃથ્વી સમાઇ જાય. વળી, આ કોરોનલ હોલની લંબાઇ ૪,૯૭,૦૦૦ માઇલ (૮,૦૦,૦૦૦ કિલોમીટર) છે. આ જ કારણસર સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ ઘેરી ચિંતામાં છે કારણ કે સૂર્યના આ જ વિરાટ કાળા ધાબાના હિસ્સામાંથી સૌર તોફાનો આખા બ્રહ્માંડમાં ફેંકાવાની શક્યતા છે. સૌર તોફાનોની ભયાનક અસર કદાચ પૃથ્વી પર પણ થાય.
* કોરોનલ હોલ એટલે શું?તે ક્યારે સર્જાય ?
નાસાનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે ખરેખર તો કોરોનલ હોલ શબ્દ પ્રમાણે સૂર્યની સપાટ પર કોઇ મોટા કદનું છેદ નથી સર્જાતું પણ સૂરજનો તે હિસ્સો કાળોધબ્બ થઇ જાય છે.વળી, તે ભાગનું તાપમાન પણ આદિત્યના અન્ય હિસ્સાના તાપમાનની સરખામણીએ ઓછું થઇ જાય છે. હવે નભદેવતાની સપાટીના મોટાભાગનું તાપમાન ૬,૦૦૦ ડિગ્રી કેલ્વિન (કોઇપણ તારાના તાપમાન માટે કેલ્વિન શબ્દ ઉપયોગમાં લેવાય છે) હોવાથી તે હિસ્સો અતિશય ઝળહળતો હોય. જ્યારે સૂરજના આ ભાગનું તાપમાન ઘટી જવાથી ત્યાં ઉજાસ પણ ઓછો થઇ જાય. પરિણામે સૂર્યનો તે હિસ્સો અન્ય ભાગ કરતાં ઓછા ઝળહળાટવાળો હોવાથી તે કાળો લાગે.
આમ તો સૂરજમાં સર્જાયેલું આ કોરોનલ હોલ ચોક્કસ ક્યાં સુધી રહેશે તેની કોઇ ખગોળશાસ્ત્રી સચોટ આગાહી ન કરી શકે.આમ છતાં સૂર્યની અકળ ગતિવિધિના નિષ્ણાત અને બહોળો અનુભવ ધરાવતા ખગોળ વિજ્ઞાાનીઓના કહેવા મુજબ આ કોરોનલ હોલ લગભગ ૨૭ દિવસ સુધી રહે તેવી શક્યતા છે.
સૂર્યનારાયણ નામનો તારો ખરેખર તો પ્લાઝ્મા નામના વાયુનો બનેલો છે. પ્લાઝ્મા વાયુ અતિશય ગરમ હોવાથી તેના અણુઓ નોખા પડી જઇને પોઝીટીવ ચાર્જ્ડ આયન્સ અને નેગેટિવ ચાર્જ્ડ ઇલેક્ટ્રોનમાં ફેરવાઇ જાય. સાથોસાથ આયન્સ અને ઇલેક્ટ્રોન બંને એકબીજા ફરતે ગોળ ગોળ ફરવા પણ લાગે.આ બંને પાર્ટિકલ્સની ગતિ અતિ અતિ વધી જાય ત્યારે તે મેગ્નેટિક ફિલ્ડ (જેને વિદ્યુતચુંબકીય ક્ષેત્ર કહેવાય છે) બનાવે. આ જ મેગ્નેટિક ફિલ્ડની અસર આખા અંતરિક્ષમાં ફેલાય.પરિણામે સૂર્યના તે હિસ્સાનું તાપમાન ઘટી જાય અને ત્યાં ઉજાસ પણ ઓછો થઇ જાય. કાળો થઇ જાય.ઓછા પ્રકાશવાળા આ હિસ્સાનેખગોળશાસ્ત્રની ભાષામાં કોરોનલ હોલ કહેવાય છે.
*પૃથ્વી પર કેવી અસર થાય ?
બીજીબાજુ અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશન(એન.ઓ.એ.એ.)ના કહેવા મુજબ કોરોનલ હોલ સાથે કિરણોત્સર્ગની ભારે વેધક અસર પણ હોય છે. તેની ગતિ પણ અતિ તીવ્ર હોય છે.આ બંને પરિબળોની અસર પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં થાય. પરિણામે પૃથ્વી પર રેડિયો બ્લેકઆઉટ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય. એટલે કે પૃથ્વી પરનો સંદેશા વ્યવહારમાં જબરો અવરોધ સર્જાય.
પૃથ્વીનો વ્યાસ અને વજન કેટલાં છે ? સૂર્યનું કોરોનલ હોલ કેટલું વિરાટ હોય?
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ પૃથ્વીનો વ્યાસ ૧૨,૭૫૬.૨૮ કિલોમીટર છે. સરળ રીતે સમજીએ તો આપણી પૃથ્વી ૧૨,૭૫૬.૨૮ કિલોમીટરનો વ્યાસ ધરાવતો મોટો ગોળો છે.પૃથ્વીનું વજન ૫,૯૭૦,૦૦૦,૦૦૦,૦૦૦, ૦૦૦, ૦૦૦, ૦૦૦,૦૦૦ કિલો છે. જરા કલ્પના કરો કે સૂર્યની સપાટી પર સર્જાયેલાકોરોનલ હોલનું કદ ૬૦ પૃથ્વીના કદ કરતાં પણ વધુ હોય તો તેનું કદ ખરેખર કેટલું મોટું હશે ?