આંગળીના ઇશારે ઘરકામમાં મદદ મેળવો- હાજર થશે 15 મિનિટમાં
આપણી રોજબરોજની જરૂરિયાતો ઝપાટાભેર પૂરી કરતી અનેક આપણા સ્માર્ટફોનમાં હાજર થઈ
છે. કરિયાણું, દૂધ-દહીંથી માંડીને રેડીમેડ
ફૂડ પર આંગળીના ઇશારે હવે હાજર છે. સ્માર્ટફોન જો બધું સહેલું બનાવી દેતો હોય તો
ગૃહિણીઓની એક કાયમી ઝંઝટનો ઉપાય તેમાંથી કેમ ન મળે?
કામવાળી બહેનની મદદ લગભગ દરેક ગૃહિણી માટે અનિવાર્ય હોય છે. એ રજા પાડે ત્યારે
આખું ઘર ઉપરતળે થઈ જાય. હવે એનો પણ ઉપાય સ્માર્ટફોનમાં આવી ગયો છે.
અર્બન કંપનીએ ફક્ત ૧૫ મિનિટમાં ઘેર બેઠાં કામવાળી બાઈની મદદ ઉપલબ્ધ કરાવતી સર્વિસ
શરૂ કરી છે. શરૂઆતમાં કંપનીએ આ સર્વિસને ઇન્સ્ટા મેઇડ્સ એવું મોડર્ન નામ આપ્યું હતું, પણ લોકો તેની સામે અકળાયા.
આથી કંપનીએ સર્વિસનું નામ બદલીને ઇન્સ્ટા હેલ્પ કરી નાખ્યું છે. કંપનીનું માનવું છે કે આપણા ઘરે રોજે રોજ આવીને વાસણ માંજવાં, કપડાં ધોવાં, રસોઈમાં મદદ કરવી કે
કચરા-પોતાં કરવા જેવાં કામ કરી આપતી બહેન અચાનક રજા પાડે ત્યારે આ સર્વિસ આશીર્વાદ
રૂપ થઈ શકે છે. તેનો લાભ લેવા આપણે ફોનમાં અર્બન કંપનીની એપ ઓપન કરવાની. તેમાં ઇન્સ્ટા હેલ્પ સર્વિસ શોધવાની અને ઓર્ડર બુક
કરવાનો. કંપનીના દાવા મુજબ ફક્ત ૧૫ મિનિટમાં કંપનીમાં રજિસ્ટર્ડ અને વેરિફાઇડ હોય
તેવી કોઈ વ્યક્તિ આપણા ઘેર મદદ માટે આવી પહોંચશે.
આ સર્વિસ માટે કલાક દીઠ રૂપિયા ૪૯નો ચાર્જ લેવામાં આવશે. એ વ્યક્તિ રોજિંદી
કામવાળી બાઈની જેમ બધા પ્રકારનાં કામ કરી આપશે.
જોકે હાલમાં આ સર્વિસ ફક્ત મુંબઈના અમુક વિસ્તારોમાં લોન્ચ થઈ છે અને તેનું
ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. થોડા સમયમાં તે અન્ય શહેરોમાં પણ લોન્ચ થશે. ગૃહિણીઓની આ
પ્રકારની મદદની રોજિંદી જરૂર ધ્યાનમાં લેતાં આ સર્વિસ હિટ સાબિત થવા પૂરી સંભાવના
છે. સામે પક્ષે પરિવારની આવક વધારવા માગતા લોકો માટે આવકનો નવો સ્રોત પણ ઊભો થશે.