Get The App

ગૂગલની સેલ્ફ ડ્રાઇવિંગ કારને ટ્રેઇનિંગ આપશે જેમિની AI, જાણો કેવી રીતે…

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
ગૂગલની સેલ્ફ ડ્રાઇવિંગ કારને ટ્રેઇનિંગ આપશે જેમિની AI, જાણો કેવી રીતે… 1 - image


Gemini Ai Will Train Waymo Car: ગૂગલની સેલ્ફ ડ્રાઇવિંગ કાર વાયમોને હવે જેમિની AI દ્વારા ટ્રેન કરવામાં આવશે. ગૂગલના ડીપ માઇન્ડ પ્રોજેક્ટ હેઠળ આ કાર હમણાં ચાલે છે, પરંતુ બહુ જલદી એને મલ્ટી લેન્ગવેજ લાર્જ મોડલ (MLLM) એટલે કે જેમિની AI દ્વારા ટ્રેન કરવામાં આવશે. વાયમો દ્વારા તેમના રિસર્ચ પેપરમાં આ વાત જણાવવામાં આવી છે. એને એન્ડ-ટૂ-એન્ડ મલ્ટીમોડલ ફોર ઓટોનોમસ ડ્રાઇવિંગ (EMMA) નામ આપવામાં આવ્યું છે.

સેલ્ફ ડ્રાઇવિંગ માટે નવું ટ્રેનિંગ મોડલ

જેમિની AIએ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સને સંપૂર્ણપણે ટ્રેનિંગ આપશે. કારના સેન્સર ડેટાને મેળવી એના પરથી કયા રસ્તે જવું અને કેવી રીતે જવું એ જણાવવામાં આવશે. આ એડ્વાન્સ મોડલના કારણે વાયમોની સેલ્ફ-ડ્રાઇવિંગ કારને નિર્ણય લેવાની શક્તિમાં મદદ મળશે, જેમ કે કયો રસ્તો પસંદ કરવો અને રસ્તામાં કોઈ અડચણ આવી તો એને કેવી રીતે અવોઇડ કરવી. અત્યાર સુધી જેમિની AIનો ઉપયોગ એપ્લિકેશનમાં કરવામાં આવતો હતો, જેમ કે ચેટબોટ, ઇમેલ અને ઇમેજ જનરેટ કરવા માટે. જોકે વાયમોની કારમાં પણ જેમિની AIનો ઉપયોગ કરવો એ એકદમ અલગ જ ચેલેન્જ છે.

ગૂગલની સેલ્ફ ડ્રાઇવિંગ કારને ટ્રેઇનિંગ આપશે જેમિની AI, જાણો કેવી રીતે… 2 - image

સિસ્ટમ ટ્રેનિંગ

ટ્રેડિશનલ ઓટોમેટ્રિક ડ્રાઇવિંગ સિસ્ટમમાં જે-તે ટાસ્ક માટે અલગ-અલગ મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, પર્સેપ્શન, મેપિંગ, પ્રિડિક્શન અને પ્લાનિંગ માટે મોડ્યુલ હોય છે. જો કે, એ દરેક મોડ્યુલ એકમેક સાથે કૉમ્યુનિકેટ કરી શકે એમાં તકલીફ પડે છે અને એના કારણે ઘણી વાર એરર જોવા મળે છે. જેમિની AI આ તમામ સમસ્યાનું સમાધાન છે. એ મનુષ્યની જેમ વિચારી શકે છે, જેથી કારને ટ્રેનિંગ આપશે અને દરેક સમસ્યાનું નિવારણ કરશે.

ટ્રેનિંગમાં સફળતા

વાયમો એ દાવો કરે છે કે જેમિની AI ખૂબ જ ચેલેન્જિંગ પરિસ્થિતિમાં પણ સારી રીતે પરિણામ આપે છે. ઉદાહરણ તરીકે, રસ્તામાં કોઈ પ્રાણી આવી ગયું કે રોડનું કામ ચાલતું હોય તો એ પરિસ્થિતિમાં કેવી રીતે દૂર રહેવું અને એને કેવી રીતે ટાળવું તે માટે ચોક્કસ નિર્ણય લઈ શકે છે. કંપનીનું માનવું છે કે ભવિષ્યમાં આ કાર વધુને વધુ સારું પરિણામ આપશે અને એ માટે જ એમાં જેમિની AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આ માટે હજી થોડું વધુ રિસર્ચ કરવાની જરૂર પડશે અને ત્યાર બાદ જ જેમિની AIને સંપૂર્ણ કન્ટ્રોલ આપવામાં આવશે.

આ પણ વાંચો: ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર ભાવના તફાવતનો વિવાદ: એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે જોવા મળી રહી છે અલગ-અલગ કિંમત

જેમિની AIની મર્યાદા

જેમિની AI ખૂબ જ સારું પરિણામ આપે છે, પરંતુ એમ છતાં તેની કેટલીક મર્યાદાઓ છે. જેમિની AI હાલમાં 3D સેન્સર જેવા કે LiDAR અથવા તો રડાર પાસેથી ઇનપુટ લઈ શકતી નથી. આ સાથે જ જેમિની AI હાલમાં એક ચોક્કસ આંકડામાં ઇમેજની ફ્રેમને એક સમયે વાંચી શકે છે. આથી, આ એક મોટી ખામી છે જેના પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમ જ, જેમિની AI ઘણા સામાન્ય ટાસ્કમાં ઘણી વાર ભૂલ કરે છે. ઉદાહરણ તરીકે, આંકડાઓ વાંચવા અથવા તો રસ્તા પર કેટલી અડચણો છે એના આંકડાઓ ગણવામાં. આથી, ટ્રેનિંગ માટે તે યોગ્ય છે, પરંતુ કારના સંપૂર્ણ કન્ટ્રોલને ગુણવત્તાપૂર્વક કરવા માટે ઘણી બદલાવ કરવા પડશે.


Google NewsGoogle News