ગગનયાનના ચાર અવકાશયાત્રીઓ પૃથ્વીથી 400 કિ.મી. દૂર જઇને બ્રહ્માંડ દર્શન કરશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
ગગનયાનના ચાર અવકાશયાત્રીઓ  પૃથ્વીથી 400 કિ.મી. દૂર જઇને બ્રહ્માંડ દર્શન કરશે 1 - image


- અંતરિક્ષ પ્રવાસનું પ્રથમ ચરણ : કાઉન્ટડાઉન શરૂ

- ચારેય ભારતીય હવાઇ દળના ફાઇટર પાયલોટ્સ  છે અને આધુનિક ટેકનોલોજીવાળાં વિમાન ઉડાડવાનો  બેથી  ત્રણ હજાર કલાકનો બહોળો અનુભવ છે

- અવકાશયાત્રીઓ અવકાશમાં તેમના મુખ્ય ક્રૂ મોડયુલમાં સતત 72 કલાક રહેશે

થુમ્બા/મુંબઇ : આજે  ૨૦૨૪ની ૨૭,ફેબુ્રઆરી,મંગળવાર ભારતના અંતરિક્ષ સંશોધન ક્ષેત્રના ઇતિહાસમાં મહત્વનો પુરવાર થશે.  ગગનયાન પ્રોજેક્ટના  અવકાશયાત્રીઓ  કોણ કોણ છે  અને તેમનાં નામ  વગેરે વિગતો  જાણવાની આખા ભારતની  આતુરતા આજે પૂરી થઇ છે.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર(વી.એસ.એસ..સી.--થુમ્બા)માં ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટના પ્રથમ  ચાર અવકાશયાત્રીઓનાં નામ જાહેર  કર્યાં છે. 

ગગનયાનના  ચારેય  અવકાશયાત્રીઓ  ભારતીય હવાઇ દળના   ફાઇટર પાયલોટ્સ  છે. ચારેય અવકાશયાત્રીઓને ભારતીય હવાઇ દળનાં વિવિધ પ્રકારનાં અને આધુનિક ટેકનોલોજીવાળાં વિમાન ઉડાડવાનો  ૨,૦૦૦થી ૩,૦૦૦ કલાકનો બહોળો અનુભવ છે. 

ચારેય અવકાશયાત્રીઓનાં નામ  ગૂ્રપ કેપ્ટન પ્રશાન્થ બાલકૃષ્ણન નાયર,   ગૂ્રપ કેપ્ટન  અંગદ પ્રતાપ, ગૂ્રપ કેપ્ટન અજિત કૃષ્ણન, વિંગ કમાન્ડર સુભાંશુ શુકલા છે.  વડા પ્રધાને આ ચારેય અવકાશયાત્રીઓને એસ્ટ્રોનટ વિંગ્ઝ  એનાયત કરીને તેમને હાર્દિક અભિનંદન આપ્યાં હતાં. રાષ્ટ્ર ગૌરવના આ પ્રસંગે ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથ હાજર રહ્યા હતા.

ઇસરોનાં સૂત્રોના સંકેત મુજબ પસંદ થયેલા ચારમાંથી ત્રણ અવકાશયાત્રીઓ ગગનયાનમાં બેસીને પૃથ્વી બહાર ૪૦૦ કિલોમીટરના અંતરે અફાટ અંતરિક્ષમાં જશે. ત્રણેય અવકાશયાત્રીઓ તેમના મુખ્ય ક્રૂ મોડયુલમાં રહીને સતત ૭૨ કલાક(ત્રણ દિવસ-રાત્રિ) રહીને અંતરિક્ષ દર્શન કરીને  ભારતીય સમુદ્રમાં સલામત રીતે ઉતરશે. 

વડા પ્રધાને આ પ્રસંગે  કહ્યું હતું કે  ગગનયાનના ચારેય અવકાશયાત્રીઓ ફક્ત  નામ કે  ચાર વ્યક્તિઓ નહીં પણ  ૧૪૦ કરોડ ભારતવાસીઓની  પ્રેરણાને અંતરિક્ષમાં લઇ  જનારી  ચાર  શક્તિ છે. આઝાદીના ચાર દાયકા બાદ કોઇ  ભારતીય અંતરિક્ષમાં જવાનો છે. જોકે આ વખતે સમય પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું , રોકેટ પણ આપણું છે. 

* ચારેય અવકાશયાત્રીઓનો પરિચય : ઇસરોનાં સૂત્રોએ એવી  માહિતી આપી હતી કે ગગનયાન માટે પસંદ થયેલા ચારેય અવકાશયાત્રીઓ ભારતીય હવાઇ દળના ઓફસર છે. આ ચારેય અવકાશાત્રીઓએ ભારતીય હવાઇ દળમાં ટેસ્ટ પાઇલોટ્સ તરીકે ઉજળી કામગીરી સાથે બહોળો અનુભવ લીધો છે. એટલે કે આ ચારેય અવકાશત્રીઓએ  અફાટ ગગનમાં  વિમાન ઉડાડવા સાથે  સતત  બદલાતા જતા હવામાનની પડકારરૂપ પરિસ્થિતિમાં  ઉત્તમ -સફળ  કામગીરી  કરી છે. આધુનિક ટેકનોલોજીનાં વિમાનની બધી યંત્રણાથી બરાબર વાકેફ છે. એટલે જ  ગગનયાનના અવકાશયાત્રીઓ તરીકે  ભારતીય હવાઇ દળના  આ ચારેય ઓફિસરની અંતિમ પસંદગી  થઇ છે.

 આ દ્રષ્ટિએ આ ચારેય અવકાશાત્રીઓ ગગનયાનની આધુનિક ટેકનોલોજી, તેની યંત્રણા,સુવિધા,પડકારરૂપ પરિસ્થિતિ,સચોટ નિર્ણયશક્તિ વગેરે પાસાંથી પણ વાકેફ હોય તે સ્વાભાવિક  છે. 

ભારતીય હવાઇ દળનાં સૂત્રોએ ચારેય અવકાશયાત્રીઓના તેજસ્વી અભ્યાસ સહિત ઉજળી કારકિર્દી વિશે રસપ્રદ માહિતી આપી છે.  

  * ગૂ્રપ કેપ્ટન  પ્રશાન્થ બાલકૃષ્ણ નાયર  :  પ્રશાન્થનો જન્મ ૧૯૭૬માં  કેરળના  પલક્કડ નજીકના નેનમારા ગામમાં થયો છે. પ્રશાન્થ નાયરે પલક્કડની એન.એસ.એસ.કોલેજમાંથી એન્જિનિેયરિંગની ડિગ્રી મેળવી છે. પ્રશાન્થે ઇન્ડિયન ડિફેન્સ એકેડમી(એન.ડી.એ.)નો વિદ્યાર્થી છે. અભ્યાસ દરમિયાન શ્રેષ્ઠ  કેડેટ તરીકે સ્વોર્ડ ઓફ ઓનરનું સન્માન મળ્યું  છે. પ્રશાન્થ ત્યારબાદ ,ડિસેમ્બર,૧૯૯૮માં ભારર્તીય  હવાઇ દળમાં જોડાયો છે. પ્રશાન્થને   ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર  અને   ટેસ્ટ પાયલોટ તરીકે ૩,૦૦૦ કલાકના ઉડ્ડયનનો બહોળો અનુભવ છે.તેણે એસયુ-૩૦એમકેઆઇ, મિગ-૨૧,મિગ-૨૯,હોક,ડોર્નિયર,એઅન-૩૨ વગેરે પ્રકારનાં  અને આધુનિક ટેકનોલોજીવાળાં વિમાન ઉડાડવાનો પણ બહોળો અનુભવ છે. પ્રશાન્ત  નાયરે અમેરિકાની યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટાફ કોલેજમાં પણ તાલીમ લીધી છે.

  * ગૂ્રપ કેપ્ટન અંગદ પ્રતાપ : અંગદ પ્રતાપનો જન્મ  ૧૯૮૨માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો છે. અંગદ પ્રતાપ પણ  એન.ડી.એ.નો વિદ્યાર્થી છે.અંગદ ૨૦૦૪માં ભારતીય હવાઇ દળમાં જોડાયો છે.તે ફાઇટર પાલયોટ છે.અંગદને ટેસ્ટ પાયલોટ તરીકે ૨,૦૦૦ કલાકનો અનુભવ છે.સાથોસાથ તેને  ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર  તરીકે હવાઇ દળનાં એસયુ-૩૦, મિગ -૨૧,મિગ-૨૯,જગુઆર,હોક,ડોર્નિયર, એએન-૩૨ વગેરે વિમાન ઉડાડવાનો અનુભવ છે.

* ગૂ્રપ કેપ્ટન અજિત  કૃષ્ણન  : અજિત કૃષ્ણનનો જન્મ ૧૯૮૨માં તામિલનાડુના ચેન્નાઇ શહેરમાં થયો છે. અજિત પણ  એન.ડી.એ. નો વિદ્યાર્થી છે. અભ્યાસ અને તાલીમ દરમિયાન અજિતની ઉજળી કામકિર્દી માટે સ્વોર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયો છે.અજિત કૃષ્ણન ૨૦૦૩માં  ભારતીય હવાઇ દળમાં જોડાયો છે.તેને ટેસ્ટ પાયલોટ અને ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે ૨,૯૦૦ કલાકનો ઉપયોગી અનુભવ છે.અજિતને મિગ-૨૧,મિગ--૨૯,જગુઆર,ડોર્નિયર, એએન-૩૨ વગેરે ઉડાડવાનો પણ અનુભવ છે.અજિતે પણ અમેરિકાની વેલિંગ્ટન કોલેજમાં તાલીમ લીધી છે.

* વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા :  શુભાંશુ શુક્લાનો જન્મ ૧૯૮૫માં ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો છે. શુભાંશુ પણ એન.ડી.એ.નો વિદ્યાર્થી  છે. શુભાંશુ ૨૦૦૬માં ભારતીય હવાઇ દળમાં જોડાયો છે.   શુભાંશુને  ટેસ્ટ પાયલોટ તરીકે ૨,૦૦૦ કલાકનો બહોળો અનુભવ  છે.તેણે પણ મિગ-૨૧,મિગ-૨૯,જગુઆર,ડોર્નિયર, હોક,એએન-૩૨ વગેરે વિમાન ઉડાડવાનો ઉપયોગી અનુભવ મેળવ્યો છે.

   *  ચારેય અવકાશત્રીઓની  પસંદગી કઇ રીતે થઇ ?  ઇસરોનાં સૂત્રોએ એવી  માહિતી આપી હતી કે ૨૦૧૮માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનની જાહેરાત કરી હતી. ત્યારબાદ ૨૦૧૯માં ભારતીય હવાઇ દળ (આઇ.એ.એફ.)અને તેની સાથે સંકળાયેલી ઇન્સ્ટિટયુટ ઓફ  એરોસ્પેસ મેડિસીન(આઇ.એ.એમ)  દ્વારા    શરૂઆતના તબક્કે ભારતીય હવાઇ દળના કુલ ૬૦  પાયલોટ્સની પસંદગી કરી હતી. ત્યારબાદ તે ૬૦માંથી ૧૨ પાયલોટ્સની પસંદગી થઇ. છેલ્લા અને અંતિમ તબક્કે ૧૨ માંથી કુલ ચાર પાયલોટ્સની પસંદગી થઇ છે.

* ક્યાં અને કેવી તાલીમ અપાઇ ?  ભારતીય હવાઇ દળના આ ચારેય  ફાઇટર પાયલોટ્સને  ૨૦૨૦માં  સોવિયેત રશિયામાં યુરી ગાગારીન તાલીમ કેન્દ્રમાં સઘન  તાલીમ મોકલવામાં આવ્યા હતા. રશિયામાં તાલીમ લઇને  ભારત  પાછા આવ્યા ત્યારબાદ તેમને  ઇસરોના  બેંગલુરુ નજીકના હ્યુમન  સ્પેસ ફ્લાઇટ સેન્ટર(એચ.એસ.એફ.સી.)માં પણ   વધુ સઘન તાલીમ આપવામાં આવી છે. ગગનયાન માટેની તાલીમ લગભગ પૂરી થઇ ગઇ  છે.

ચારેય પાયલોટ્સને શારીરિક-માનસિક તંદુરસ્તી સહિત અમુક ખાસ પ્રકારની કસરત, શૂન્ય ગુરુત્વાકર્ષણ પરિસ્થિતિમાં કઇ રીતે રહેવું, વિવિધ પ્રકારનાં આધુનિક યંત્રો અને તેની યંત્રણા જાણવી, અંતરિક્ષયાત્રા દરમિયાન કદાચ પણ કોઇ પડકારરૂપ પરિસ્થિતિ સર્જાય તો ઝડપી અને સચોટ નિર્ણયશક્તિથી તેમાંથી કઇ રીતે ઉગરવું અને સાથી અવકાશયાત્રીઓને પણ કઇ રીતે બચાવવા, એરો-મેડિકલ ટ્રેનિંગ, ગગનયાનમાં પોતાનો ફ્લાઇટ સ્યુટ કઇ રીતે પહેરવો અને તેની જાળવણી કઇ રીતે કરવી, ગગનયાન ફ્લાઇટ સિસ્ટમ સમજવાની ખાસ તાલીમ, સિમ્યુલેટર ટ્રેનિગ,પેરાશ્યુટ ટ્રેનિંગ  વગેરે પ્રકારની સઘન તાલીમ આપવામાં આવી છે.

*   સૌથી  શક્તિશાળી એલવીએમ -૩ પ્રકારનું  રોકેટ  ગગનયાનને લઇને ઉડશે  ?  પૃથ્વીથી ૪૦૦ કિ.મી.ના અંતરે જશે :  ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી  આપી છે કે લોન્ચ વેહિકલ માર્ક -૩(એલવીએમ -૩) શ્રેણીનું  અને સૌથી શક્તિશાળી ગણાતું રોકેટ ગગનયાનને લઇને અફાટ આકાશમાં ઉડશે. એલવીએમ -૩ રોકેટ ત્રણ સ્ટેજનું છે જેમાં સોલીડ,લિક્વિડ,ક્રાયોજેનિક એવા હિસ્સા હોય છે.રોકેટમાં સીઇ -૨૦ ક્રાયોજેનિક એન્જિન હોય છે. એલવીએમ -૩ ૪૩.૫ મીટર ઉંચું, તેનો વ્યાસ ૪.૦ મીટર, વજન ક્ષમતા ૬૦૦ ટનની છે. આ રોકેટ ગગનયાનના ઓર્બિટલ મોડયુલને આકાશમાં ૪૦૦ કિલોમીટરના દૂરના અંતર સુધી લઇ જઇ શકશે. પૃથ્વીથી ૪૦૦ કિ.મી.ના અંતરને ખગોળશાસ્ત્રની ભાષામાં પૃથ્વીની નીેચેની ભ્રમણકક્ષા( લો -અર્થ ઓર્બિટ કહેવાય છે) 

* ગગનયાનનાં કુલ ત્રણ મહત્વનાં મોડયુલ્સ હશે :  ગગનયાનમાં ઓર્બિટલ મોડયુલ(ઓ.એમ.), ક્રૂ મોડયુલ(સી.એમ.), સર્વિસ મોડયુલ(એસ.એમ.) હશે. મોડયુલ્સ એટલે એક મોટા કદનું એકમ, જેમાંથી બીજા નાના નાના હિસ્સા છૂટા પડી શકે. ગગનયાનના સંભવિત ત્રણ અવકાશયાત્રીઓ ક્રૂ મોડયુલમાં રહીને અંતરિક્ષ દર્શન કરવાનો અદભુત,યાદગાર,અજીબોગરીબ અનુભવ કરશે.ગગનયાનમાં આપણા અવકાશયાત્રીઓની સલામતી માટે અત્યાધુનિક ટેકનોલોજીવાળી લાઇફ સપોર્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.સાથોસાથ તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અવકાશયાત્રીઓને કોઇપણ પડકારરૂપ સંજોગોમાંથી બચવાની સચોટ -સમયસર સૂચના આપશે.


Google NewsGoogle News