ગગનયાન મોકલતા પહેલા અગ્નિપરીક્ષા! 21 ઓક્ટોબરે ISRO કરશે મોટું કામ, જાણો મિશનનો ઉદ્દેશ્ય

ગગનયાન મિશનના લોન્ચ બાબતે ISRO પૂરી રીતે તૈયાર છે

21 ઓક્ટોબરે આ મિશનનો શુભારંભ થશે

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ગગનયાન મોકલતા પહેલા અગ્નિપરીક્ષા! 21 ઓક્ટોબરે ISRO કરશે મોટું કામ, જાણો મિશનનો ઉદ્દેશ્ય 1 - image


Gaganyaan Space: ગગનયાન માટે TV-D1 ટેસ્ટ ફ્લાઇટ 21 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. જો કે, આ પરીક્ષણ પછી, વધુ ત્રણ પરીક્ષણ વાહન મિશન હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણમાં ક્રૂ મોડ્યુલને બાહ્ય અવકાશમાં લોન્ચ કરવાનો અને તેને ટચડાઉન કર્યા પછી બંગાળની ખાડીમાંથી ફરી મેળવવાનો સમાવેશ થાય છે. આમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CIS) ના પરીક્ષણનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ જો અવકાશયાનને કોઈ સમસ્યા આવે તો ક્રૂને પૃથ્વી પર પાછા લાવવા માટે કરવામાં આવશે. 

મિશન કેટલું મહત્વનું છે?

ISRO નું આ મિશન અત્યારે સુધીના બધા મિશનથી ખુબજ અલગ અને ખાસ છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા કરવામાં આવેલા બધા જ સ્પેસ મિશન માનવ રહિત હતા. પરંતુ આ મિશનમાં માણસને પૃથ્વીથી સ્પેસ શટલ મારફતે અંતરીક્ષમાં મોકલવામાં આવશે. ત્યાં સાત દિવસ વિતાવીને પાછો પૃથ્વી પર આવશે. આ પ્રક્રિયા ખુબ જોખમી છે આથી જ દુનિયામાં ઘણા ઓછા દેશ છે જેણેઆ પ્રકારના સ્પેસ મિશન સફળતાપૂર્વક કર્યા હોય.

ગગનયાન મોકલતા પહેલા અગ્નિપરીક્ષા! 21 ઓક્ટોબરે ISRO કરશે મોટું કામ, જાણો મિશનનો ઉદ્દેશ્ય 2 - image
(Photo- Twitter/ ISRO)

પ્રથમ પરીક્ષણ  રહેશે માનવ રહિત 

ISRO અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યુ કે પ્રથમ માનવરહિત મિશન TV-D1 21 ઓક્ટોબરે થશે. આ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે ત્રણ અન્ય પરીક્ષણ TV-D2, TV-D3 અને TV-D4 કરવામાં આવશે.  હાલ ફ્લાઈટ ટેસ્ટ વ્હીકલ એબોટ મિશન-1 (TV-D1)બી તૈયારીઓ ચાલે છે. જે ક્રૂ એસ્કેપ સિસ્ટમ દર્શાવે છે. જો આ મિશન સફળ થશે તો ઓરીજીનલ ગગનયાન મિશન લોન્ચ કરવામાં આવશે. આ મિશનની સફળતા ISRO માટે ખુબ મોટી સફળતા સાબિત થશે. 

3 દિવસ પૃથ્વીની આસપાસ ફરશે ગગનયાન

ISROની યોજના હતી કે ગગનયાન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓ 7 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે, પરંતુ બાદમાં આ યોજના બદલાઈ ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે 7 દિવસના બદલે, અવકાશયાત્રીઓ 1 કે 3 દિવસ પૃથ્વીની પરિક્રમા કરશે. આ મિશનમાં ગગનયાનનું ક્રૂ મૉડલ પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈએ લોઅર અર્થ ઓર્બિટમાં ફરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મિશનમાં ભારતીય વાયુસેનાના સક્ષમ પાયલટ્સને મોકલવાની તૈયારી છે. એ જ કારણ છે કે તેની તૈયારીઓમાં દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેથી આ મિશન ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં ભૂલ માટે કોઈ સ્થાન જ નથી.

ગગનયાન મોકલતા પહેલા અગ્નિપરીક્ષા! 21 ઓક્ટોબરે ISRO કરશે મોટું કામ, જાણો મિશનનો ઉદ્દેશ્ય 3 - image
(Photo- Twitter/ Gaganyaan)

આ માટે ચાર લોકોની ટ્રેનિંગ શરુ 

ગગનયાન મિશનનો ઉદેશ્ય મનુષ્યને પૃથ્વીની નીચેની કક્ષામાં મોકલીને તેને બંગાળની ખાડીમાં કે અરબ સાગરમાં ઉતારીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાની ક્ષમતા જોવાનો છે. આ મિશન માટે ચાર અંતરીક્ષયાત્રીની પસંદગી કરવામાં આવી છે. જેમને હાલ બેંગલુરુમાં ક્રૂ-ટ્રેનીંગ અને ગગનયાન મિશન સ્પેસીફીક ટ્રેનીંગ આપવામાં આવે છે. આ મિશનમાં ભાગ લેનારા અવકાશયાત્રીઓને ગગનૌટ કહેવામાં આવશે. આ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કરવાનું કામ ભારતીય વાયુસેનાને આપવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 પછી ISROનું ગગનયાન મિશન ઘણી રીતે ભારત માટે ખાસ હશે. 

ગગનયાન મિશન શું છે?

ISRO આ મિશન દ્વારા પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષા (LEO)માં માનવયુક્ત અવકાશયાન મોકલશે. ISROનો ઉદ્દેશ્ય મનુષ્યોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને આમ કરવા માટે સ્વદેશી ક્ષમતા વિકસાવવાનો છે. આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઈસરોનો દાવો છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મિશન શરૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. આમાં એર ડ્રોપ ટેસ્ટ (IADT), પેડ એબોર્ટ ટેસ્ટ (PAT) અને ટેસ્ટ વ્હીકલ (TV) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે. ગગનયાન મિશન બનાવવામાં ISROએ DRDO અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની પણ મદદ લીધી છે. જો ISRO અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થાય છે, તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની જશે.

ગગનયાન મોકલતા પહેલા અગ્નિપરીક્ષા! 21 ઓક્ટોબરે ISRO કરશે મોટું કામ, જાણો મિશનનો ઉદ્દેશ્ય 4 - image


Google NewsGoogle News