ડિનર-ટેબલની આઈડિયાને લઈને દુનિયાભરમાં બન્યું નંબર 1: યૂટ્યૂબના 14 ફેબ્રુઆરીએ પૂરાં થઈ રહ્યા છે 20 વર્ષ
Youtube Turns 20: દુનિયાનું સૌથી મોટું વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબની શરૂઆત ડિનર-ટેબલ પર એક આઈડિયા દ્વારા થઈ હતી અને 20 વર્ષ બાદ એ દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. યૂટ્યૂબ આજે ગૂગલનું સૌથી મોટી ઇન્કમ ધરાવતું પ્લેટફોર્મ છે. આજે કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય કે કોઈ પણ ન્યૂઝ હોય કે પછી કોઈ પણ ફની કે પ્રાઈવેટ ફંક્શનના વીડિયો કેમ ન હોય એને યૂટ્યૂબ પર શેર કરવામાં આવે છે.
યૂટ્યૂબની શરૂઆત
યૂટ્યૂબનો આઈડિયા સ્ટીવ ચેન, ચેડ હર્લી અને જાવેદ કરિમને 2005માં એક ડિનર-પાર્ટી દરમિયાન આવ્યો હતો. આ આઈડિયાનો અમલ 2005ની 14 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યો હતો. એ દિવસે યૂટ્યૂબની શરૂઆત થઈ હતી અને આ અઠવાડિયે એ 20 વર્ષ પૂરા કરી રહ્યું છે. 20 વર્ષમાં યૂટ્યૂબે ખૂબ જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
યૂટ્યૂબનો પહેલો વીડિયો
યૂટ્યૂબનો પહેલો વીડિયો એને શોધ કરનાર કરિમ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. એ વીડિયો 18 સેકન્ડનો હતો અને એનું નામ ‘મી એટ ધ ઝૂ’ આપવામાં આવ્યું હતું. આજના કન્ટેન્ટની જેમ એ વીડિયો એ સમયે વાયરલ નહોતો થયો. જો કે એ વીડિયોને આજે 348 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ત્યાર બાદ એ વીડિયોને કારણે યૂટ્યૂબ ઘર-ઘરમાં જાણીતું બની ગયું હતું.
ગૂગલે ખરીદ્યું યૂટ્યૂબ
2006માં ગૂગલ દ્વારા યૂટ્યૂબને 1.65 બિલિયન ડોલરમાં ખરીદી લેવામાં આવ્યું હતું. ટેક્નોલોજીની દુનિયામાં આ ડીલને ખૂબ જ સ્માર્ટ ડીલ તરીકે આજે પણ ગણવામાં આવે છે. યૂટ્યૂબને ચલાવવામાં આવતી ટેક્નોલોજી જ નહીં, પણ આ પ્લેટફોર્મ યુઝરના કન્ટેન્ટથી ચલાવવામાં આવતું હોવાથી એને ખૂબ જ વાહ-વાહી થઈ હતી. ત્યાર બાદ ગૂગલ દ્વારા એના દ્વારા કેવી રીતે પૈસા બનાવવાના એની શરૂઆત કરી હતી. આથી ગૂગલ સર્ચ, વીડિયો અને એડ્સ દ્વારા આજે ગૂગલ ખૂબ જ કમાણી કરે છે.
રેવેન્યુ શેરિંગ મોડલને કારણે સફળ છે યૂટ્યૂબ
યૂટ્યૂબની ખરી સફળતા એમાં વીડિયો બનાવનારા ક્રિએટર્સને પણ પૈસા આપવામાં આવે એ છે. આજે કન્ટેન્ટ ક્રિએટર્સ વીડિયો બનાવે છે અને એની કારણે તેમને પૈસા મળે છે. લોકો આ વીડિયો જોવા આવે છે અને એ સમયે યૂટ્યૂબ એડ્સ બતાવે છે અને એ દ્વારા પૈસાની કમાણી કરે છે. આ પૈસામાંથી થોડા પૈસા તેઓ ક્રિએટર્સને આપે છે. આથી તેઓ પણ પૈસા મળતા અને પ્રસિદ્ધિ મળતા ખુશ થાય છે. યૂટ્યૂબ પર 2.5 બિલિયન યુઝર્સ છે અને દરરોજ લાખો કરોડો કલાકના વીડિયો એના પર જોવામાં આવે છે. નેટફ્લિક્સ અને ડિઝની+ અને કેબલ ટીવી જેવા પ્લેટફોર્મની સાથે તેની ટક્કર થાય છે.
કન્ટ્રોવર્સીનો સતત સામનો
યૂટ્યૂબ જેટલું ફેમસ છે એટલું જ એ કન્ટ્રોવર્સીમાં પણ ફસાય છે. કૉપિરાઈટનું ઉલ્લંઘન અને અશ્લીલ કન્ટેન્ટ વગેરેને કારણે તે સતત કન્ટ્રોવર્સીમાં ફસાય છે. જો કે સમયની સાથે યૂટ્યૂબ દ્વારા તેમના નિયમો અને તેમની એલ્ગોરિધમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. આથી તેઓ હવે તમામ કન્ટ્રોવર્સીને વધુ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે અને આર્ટિસ્ટના હક્કને પણ તેઓ વધુ સારી રીતે સાચવી રહ્યા છે.