કેન્સર ડિટેક્શનથી માંડીને વેક્સિનેશન સુધી...બધું 48 કલાકમાં થશે, ORACLEના CEOનો મોટો દાવો
ORACLE CEO Big Claim For Cancer: ઓરેકલના CEO લેરી એલિસને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં કેન્સર ડિટેક્શનથી માંડીને વેક્સિનેશન સુધી બધું 48 કલાકમાં કરી શકાશે. કેન્સર જેવી ખતરનાક બીમારી અંગે એલિસને બુધવારે મોટો દાવો કર્યો છે.
લેરી એલિસને કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે 48 કલાકની અંદર કેન્સરની જાણથી લઈને તેની કસ્ટમ વેકિસન પણ બનાવી શકાશે. કલ્પના કરો કે તમને કેન્સરના રોગની જાણ જલ્દી થઈ જશે. તમારા કેન્સર માટે ઝડપથી કસ્ટમ કેન્સર વેક્સિનનું ડેવલેપમેન્ટ થઈ જશે. જોકે, લેરીએ એ પણ કહ્યું કે, આ ભવિષ્યનો વાયદો છે.
અમેરિકા આ મોટી સિદ્ધિમાં રશિયાથી પાછળ
જો પોતાના વાયદા પ્રમાણે લેરી એલિસન કેન્સરની વેક્સિન બનાવવામાં સફળ થઈ જશે તો રશિયા બાદ અમેરિકા બીજો દેશ બની જશે, જે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે વેક્સિન તૈયાર કરી લેશે. અમેરિકા માટે શક્ય તેટલી વહેલી તકે વેક્સિન બનાવવી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રશિયા એલાન કરી ચૂક્યું છે કે, તેમના દેશમાં 2025થી કેન્સરની વેક્સિન લાગવાનું શરુ થઈ જશે. રશિયા તેના નાગરિકોને આ વેક્સિન મફતમાં આપશે. આવી સ્થિતિમાં અમેરિકા આ મોટી સિદ્ધિમાં રશિયાથી પાછળ રહેતું નજર આવી રહ્યું છે.
આ પણ વાંચો: કર્ણાટકમાં મોટી કરુણાંતિકા, ફળ-શાકભાજી વેચવા જતાં 30 લોકો સાથે ટ્રક પલટી, 10ના મોત
ફ્લોરિડામાં પણ 4 દર્દીઓ પર એક વેક્સિનનો ટેસ્ટ
કેન્સરની સારવારને લઈને અમેરિકામાં પહેલાથી જ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. મે 2024માં ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 4 કેન્સરના દર્દીઓ પર પર્સનલાઇઝ્ડ વેક્સિન ટેસ્ટ કર્યું હતું. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે વેક્સિનેસનના બે દિવસ બાદ જ દર્દીઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિનો ઉત્પન્ન થઈ ગઈ હતી.
વિશ્વમાં દર 6માંથી એક મોતનું કારણ કેન્સર
રશિયા બાદ અમેરિકાની આ જાહેરાતથી આખી દુનિયાને ફાયદો થઈ શકે છે. કારણ કે, કેન્સર એક એવો રોગ છે જેનો દર વર્ષે લાખો લોકો ભોગ બને છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પ્રમાણે કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. વિશ્વમાં દર 6 મૃત્યુમાંથી 1 મૃત્યુનું કારણ કેન્સર છે.
પાંચ વર્ષમાં કેન્સરથી 40 લાખ લોકોના મોત
ભારતમાં પણ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્સરના દર્દીઓ અને તેનાથી થતાં મૃત્યુની સંખ્યા દર વર્ષે વધી રહી છે. 2025 સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા 15 લાખને પાર થવાની ધારણા છે. સરકારી આંકડા પ્રમાણે 2019થી 2023 વચ્ચેના પાંચ વર્ષમાં ભારતમાં કેન્સરના 71 લાખથી વધુ કેસ નોંધાયા છે. 2023માં જ લગભગ 15 લાખ કેસ નોંધાયા હતા. એવી જ રીતે આ પાંચ વર્ષમાં લગભગ 40 લાખ લોકોના કેન્સરના કારણે મોત થયા છે. પાંચ વર્ષમાં સૌથી વધુ મૃત્યુ 2023માં 8.28 લાખ થયા હતા.