ઓનલાઈન મની ફ્રોડમાં ઉપયોગ થતાં 'મ્યૂલ એકાઉન્ટૂસ ' માટે...

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ઓનલાઈન મની ફ્રોડમાં ઉપયોગ થતાં 'મ્યૂલ એકાઉન્ટૂસ ' માટે... 1 - image


વાત કોઈને ડિજિટલ એરેસ્ટ કરીને ધાકધમકીથી નાણાં પડાવવાની હોય કે પછી કોઈ જાતની લાલચ આપીને નાણાં સેરવવાની વાત હોય, એ દેખીતું છે કે આપણને શિકાર બનાવતી ઠગ ટોળકીઓ આપણા બેંક ખાતામાંથી સીધેસીધા પોતાના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવે નહીં.

પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓની નજરમાંથી બચવા માટે ઠગ ટોળકીઓ અન્ય સામાન્ય લોકોને સકંજામાં લે છે અને નાણાંની હેરફેર કરવા માટે તેમના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. આવા બેંક એકાઉન્ટ ‘મ્યૂલ એકાઉન્ટ’ તરીકે ઓળખાય છે (મ્યૂલ એટલે બોજો વહન કરતું પ્રાણી - ખચ્ચર!).

વિદેશોમાંથી અને ભારતમાંથી થતા ઓનલાઇન ફ્રોડમાં પડાવવામાં આવેલાં નાણાં તરત ને તરત સંખ્યાબંધ મ્યૂલ એકાઉન્ટ્સની માયાજાળમાં ટ્રાન્સફર કરવામાં આવતાં હોય છે, એટલે જે તે દેશની તપાસ સંસ્થાઓને તેનું પગેરું મેળવવું મુશ્કેલ બનતું હોય છે.

ભારતમાં ઓનલાઇન મની ફ્રોડનું પ્રમાણ સખત વધી રહ્યું છે અને મોટા ભાગે આવા દરેક ફ્રોડમાં મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે. આવા એકાઉન્ટનો ઉપયોગ ખાતા ધારકની જાણ સાથે અથવા જાણ વિના, બંને રીતે થઈ શકે છે.

ફક્ત આ વર્ષની વાત કરીએ તો પહેલા ચાર જ મહિનામાં સાયબર ક્રિમિનલ અન્ય લોકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૧૭૫૦ કરોડ કરતાં વધુ રકમ સેરવી ગયાના અહેવાલ છે.

આવા ફ્રોડમાં રૂપિયાની લેવડદેવડ માટે મ્યૂલ એકાઉન્ટનો ઉપયોગ થતો હોવાથી ઠગ ટોળકીઓનું પગેરું દબાવવું મુશ્કેલ બનતું હોય છે.

આના ઉપાય તરીકે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)નું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ મ્યૂલ એકાઉન્ટ ઓળખવા માટે એક નવી પદ્ધતિ વિકસાવી છે. હાલમાં તેની અસરકારકતા તપાસવા માટે એક પાયલોટ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. આ પદ્ધતિમાં વિવિધ એકાઉન્ટમાંથી થતી રૂપિયાની લેવડદેવડના ડેટાના આધારે કોઈ ચોક્કસ ખાતાનો રૂપિયાની ખોટી લેવડદેવડ માટે ઉપયોગ થાય છે કે કેમ એ જાણી શકાશે.


Google NewsGoogle News