દશેરા અને દિવાળીમાં નવા વાહનની ખરીદી: નવી કાર માટે 20-10-4 નિયમને કેમ ફોલો કરવો જોઈએ?
Follow This Rule While Buying New Car: દશેરા નજીક હોવાથી ઘણા લોકો આ દિવસે નવું વાહન ખરીદે છે. આ માટે તેમણે અગાઉથી બૂકિંગ કરી દીધું હોય છે. જોકે, દિવાળી પર પણ ઘણાં લોકો નવા વાહન ખરીદે છે. આ માટે તેઓ હવે બૂકિંગ કરવા જઈ રહ્યાં છે. હંમેશાં નવી કાર ખરીદતા પહેલાં 20-10-4 નિયમને ફોલો કરવો જરૂરી છે. આ નિયમ શું છે એ વિશે વિગતવાર જાણીએ. જો કે, એ પહેલાં કાર કંપની દ્વારા આપવામાં આવતી ઓફરમાં ન ફસાઈ જવું.
કારનું ઓછુ વેંચાણ
કારની ડીમાન્ડ હાલમાં ખૂબ જ ઓછી થઈ ગઈ છે. લોકોની કારની ખરીદી પર બ્રેક લાગી ગઈ છે. ભારતભરમાં કાર કંપનીઓ અને ડીલરશિપમાં અત્યારે 7.9 લાખ નવી કાર એમની એમ પડી છે. આ કારની કિંમત 79,000 કરોડ રૂપિયા છે. આથી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી-નવી ઓફરો રજૂ કરી રહી છે. જો કે, આ તમામ ઓફરો પાછળ ઘેલા થવાની જરૂર નથી, કારણ કે કાર ખરીદતા પહેલા 20-10-4 નિયમને ફોલો કરવો જરૂરી છે.
SUV છે ડિમાન્ડમાં
સપ્ટેમ્બર મહિનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા ખૂબ જ વધુ કારનું વેચાણ કરવામાં આવ્યું હતું. 2023ના સપ્ટેમ્બરની સરખામણીએ આ વર્ષે 24 ટકા વધુ કાર વેચી છે. મહિન્દ્રાએ ભારતભરમાં સપ્ટેમ્બરમાં ટોટલ 51,062 કાર્સ વેચી છે. ટાટા કંપનીએ સપ્ટેમ્બરમાં 41,063 કાર્સ વેચી છે. 2023ની સરખામણીએ આ વર્ષે ટાટા કંપનીના વેચાણમાં 8 ટકાનો ઘટાડો થયો છે. સૌથી વધુ કાર મારુતિ સુઝુકીએ 1,44,962 અને હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાએ 51,101 કાર્સનું વેચાણ કર્યું છે. આટલી કારનું વેચાણ થતાં ઓવરઓલ કારની ખરીદી કરનાર ગ્રાહકોની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
શું છે 20-10-4 નિયમ?
કાર ખરીદવા માટે 20-10-4 નિયમને ફોલો કરવો ખૂબ જ જરૂરી છે. ઘણીવાર કાર કંપનીઓ ઓફર આપે છે કે એક હજાર, દસ હજાર, અથવા તો એક લાખ રૂપિયા ચૂકવો અને કાર લઈ જાઓ. જો કે, કાર ખરીદવા માટેનો સૌથી પહેલો નિયમ છે કે ઓછામાં ઓછા 20 ટકા કારની રકમ ડાઉનપેમેન્ટ તરીકે ચૂકવવી. કાર પાંચ લાખ રૂપિયાની હોય તો ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ડાઉનપેમેન્ટ તરીકે ચૂકવવા જરૂરી છે.
કાર ખરીદવા માટેનો બીજો નિયમ છે 10. એટલે કે, કારની માસિક EMI, ઇન્સ્યોરન્સ ખર્ચ, અને અન્ય ખર્ચાનું કુલ વ્યક્તિની એક મહિનાની આવકના ફક્ત 10 ટકા હોવું જોઈએ. કાર ખરીદીવાને કારણે જીવન જીવવું મુશ્કેલ ન થાય, એ ધ્યાન રાખવું. હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે કારનું માલિક બનવાથી જીવન સુધરવું જોઈએ, ન કે લાઈફ પર બોજ વધવો જોઈએ.
કાર ખરીદવા માટેનો ત્રીજો નિયમ છે 4. એટલે કે, જો લોન લેવામાં આવે તો તે વધુમાં વધુ ચાર વર્ષ માટેની હોવી જોઈએ. એનાથી વધુ સમય માટેની લોન ક્યારેય ન લેવી.