સૂર્યમંડળના લાલ ગ્રહ મંગળ પર વહેતું જળ હોવાના નક્કર સંકેત મળ્યા : કાંકરા અને ખડકોની ઇમેજીસ મળી
- નાસાના પર્સિવરન્સ રોવરનું અદભુત સંશોધન
- જેઝેરો ઉલ્કાકુંડ નજીકના કેસ્ટેલ હેન્લેઝ નામના સ્થળેથી મળેલા ખડકો અને કાંકરા ભૂતકાળમાં નદીઓનાં તોફાની પૂરને કારણે ત્યાં સુધી તણાઇ આવ્યા હોવા જોઇએ
વોશિંગ્ટન/મુંબઇ : અનંત બ્રહ્માંડ સહિત આપણા સૂર્ય મંડળનાં રહસ્યો અને આશ્ચર્યોનો પણ તાગ મળી રહ્યો છે. પૃથ્વીના પડોશી અને સૂર્ય મંડળના લાલ ગ્રહમંગળ પર ભૂતકાળમાં ખળખળ જળ વહેતું હોવાના મજબુત પુરાવા મળ્યા છે.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના મંગળ પર સંશોધન કરી રહેલા પર્સિવરન્સ રોવરે મંગળની ધરતી પર ભૂતકાળમાં એટલે કે લાખો વર્ષ પહેલાં ખળખળ જળ વહેતું હોવાના મજબૂત પુરાવા શોધ્યા છે.એટલે કે આ લાલ ગ્રહની ધરતી પર ભૂતકાળમાં નદીઓ, મહાસાગરો વહેતા હોવાના પુરાવા મળ્યા છે. હવે આ બધા પુરાવાના આધારે એવા મજબૂત સંકેત પણ મળે છે કે આ લાલ ગ્રહ પર ભૂતકાળમાં ખળખળ વહેતું જળ હોય તો ત્યાં એક તબકકે જીવન પણ પાંગર્યું હોવું જોઇએ.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે અમારું પર્સિવરન્સ રોવર ૨૦૨૧ની ૧૮, ફેબુ્રઆરીએ મંગળના જેઝેરો ઉલ્કાકુંડ નજીકના પરિસરમાં ઉતર્યું છે.પર્સિવરન્સ રોવરે છેલ્લાં ત્રણ વર્ષથી મંગળના આ જેઝેરો ઉલ્કાકુંડ નજીકના વિસ્તારમાં ફરતું રહીને આ રાતા ગ્રહની ધરતી પરના ખડકો,પથ્થર,માટી વગેરેના નમૂનાની યાદગાર ઇમજીસ મેળવી છે.
રોવરે આ બધા ખડકો, પથ્થર, માટી વગેરેના નમૂનાની ઇમેજીસ તેના અત્યાધુનિક માસ્ટકેમ-ઝેડ કેમેરા દ્વારા લીધી છે. ઉપરાંત, રોવરે હમણાં જેઝેરો ઉલ્કાકુંડ નજીકના કેસ્ટેલ હેન્લેઝ નામના સ્થળેથી કેટલાક ખડકો અને કાંકરાના નમૂનાની પણ મહત્વની ઇમેજીસ લીધી છે. આ ઇમેજીસના એસ્ટ્રોબાયોલોજીકલ અભ્યાસ (અંતરિક્ષમાં કોઇપણ ગ્રહ કે ઉપગ્રહ પર જીવન હોવાની શક્યતા દર્શાવતો વૈજ્ઞાાનિક અભ્યાસ) દ્વારા એવા સંકેત મળ્યા છે કે કેસ્ટેલ હેન્લેઝ નામના સ્થળેથી મળેલા ખડકો અને કાંકરાના નમૂના મંગળ પર નદીનાં ભારે તોફાની પૂરથી અહીં સુધી આવ્યા હોવા જોઇએ. મંગળ પર નદીઓનાં ધસમસતાં પૂર ઉમટયાં હોવાની ઘટનાઓ આજથી લાખો-કરોડો વર્ષ પહેલાં થઇ હોવી જોઇએ.
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ અંતરિક્ષના કે આપણા સૂર્ય મંડળના કોઇપણ ગ્રહ કે ઉપગ્રહ પરથી રેતી અને કાંકરા મળે તો તેનો સ્પષ્ટ અર્થ એવો થાય કે તે ગ્રહ અથવા ઉપગ્રહ પર ભૂતકાળમાં ખળખળ વહેતું જળ હોવું જોઇએ. રેતી અને કાંકરા વહેતું પાણી હોવાનો સૌથી મોટો અને મહત્વનો પૂરાવો ગણાય છે. નદીના વહેણની અને દરિયાનાં મોજાંની સતત થપાટ વાગવાથી ખડકો તૂટી જાય અને સમય જતાં તેમાંથી રેતી અને કાંકરા બને.
અમેરિકાની નાસા,યુરોપની યુરોપિયન સ્પેસ એજન્સી, સોવિયેત રશિયાની રાકા વગેરે અંતરિક્ષ સંશોધન સંસ્થાઓ ઘણા દાયકાથી પૃથ્વી સિવાય સૂર્ય મંડળના અને અંતરિક્ષના અન્ય કોઇ ગ્રહ પર વહેતું જળ શોધવા સંશોધન કરી રહી છે. આવા સંશોધનનો મૂળ હેતુ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્ય કોઇ ગ્રહ પર ભૂતકાળમાં જીવન પાંગર્યું હતું કે કેમ ? અને હવે ભવિષ્યમાં આ ગ્રહો પર જીવન પાંગરવાની કોઇ શક્યતા છે ખરી ?
પૃથ્વી પર વહેતા જળનું સર્જન થયુ હોવાથી જળમાં જ માઇક્રોઓર્ગેનેઝમ( સુક્ષ્મ જીવાણુ)ના સ્વરૂપમાં જ જીવન પાંગરવાની શરૂઆત થઇ છે.આ દ્રષ્ટિએ પણ ખગોળશાસ્ત્રીઓ સૂર્યમંડળના અને અંતરિક્ષના અન્ય કોઇ ગ્રહ પર વહેતું પાણી હોવાની શોધ કરી રહ્યા છે.
એક મહત્વના સંશોધન મુજબ ગુરુ ગ્રહના યુરોપા ઉપગ્રહના ભૂગર્ભમાં અને શનિ ગ્રહના ટાઇટન ઉપગ્રહના પેટાળમાં બરફ નીચે પ્રવાહી જળના વિપુલ ભંડાર ભરેલા હોવાનું જાણવા મળ્યું છે. એટલે ખગોળશાસ્ત્રીઓને એવી આશા છે કે ભવિષ્યમાં આ બંને ઉપગ્રહ પર જીવન પાંગરવાની શક્યતા છે. એ જીવન ભલે પછી કોઇપણ સ્વરૂપમાં હોઇ શકે.
બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્ય કોઇ સ્થળે જીવન હોય તો તેનો અર્થ એવો થયો કે આ અફાટ અને અગોચર અંતરિક્ષમાં આપણે પૃથ્વીવાસીઓ એકલા નથી. વળી, તે જીવનનું સ્વરૂપ કેવું હોય ?આ બંને મુદ્દા વિશે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ સંશોધન કરી રહ્યા છે.