જાપાનના લેન્ડરની પ્રથમ તસવીર આવી સામે... રોવરે ઐતિહાસિક ફોટો લીધો, આપ્યા લેન્ડિંગના પુરાવા
ચંદ્રની સપાટી પર પડેલા જાપાનના પ્રથમ ચંદ્ર લેન્ડર SLIMનો પહેલો ફોટો આવ્યો છે
આ ફોટો લેન્ડર સાથે ગયેલા LEV-2 રોબોટ રોવર દ્વારા લેવામાં આવ્યો છે
First picture of SLIM on the Moon: જાપાનને ચંદ્રની સપાટી પરથી SLIM (સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન) ની પ્રથમ તસવીર મળી છે. આ એક ઐતિહાસિક ફોટો છે. આ ફોટો સ્લિમ સાથે મોકલેલા LEV-2 રોબોટ રોવર દ્વારા લેવામાં આવ્યો છે. જે નાનો ભૂમિતિ બોક્સ આકારનો રોબોટ છે. 19 જાન્યુઆરી, 2024ના રોજ લેન્ડર સ્લિમ ચંદ્ર પર ઉતર્યું હતું. ત્યારબાદ સોફ્ટ લેન્ડિંગ કરનાર જાપાન પાંચમો દેશ બન્યો હતો.
સ્લિમ સાથે મોકલવામાં આવ્યું હતું LEV-2
LEV-2 એટલે લુનર એક્સપ્લોરેશન વ્હીકલને જાપાની વૈજ્ઞાનિકો SORA-Q પણ કહે છે. સ્લિમ સાથે ચંદ્ર પર LEV-2 સિવાય પણ હજુ એક રોવર મોકલવામાં આવ્યું છે. જાપાનીઝ ટોય કંપની ટાકારા ટોમીના ડિરેક્ટર અને ચેરમેન કિન્તારો તોયામાએ જણાવ્યું હતું કે, 'SORA-Q ચંદ્રની સપાટી પર ઉતરનાર જાપાનનો પ્રથમ રોબોટ છે. હવે ત્યાં ફોટોગ્રાફી કરે છે. આ માટે, આ મિશન સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર. જેણે સાથે મળીને એક સપનું પૂરું કર્યું.'
જાપાને લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયું પરંતુ...
19 જાન્યુઆરી, 2024 ના રોજ, જાપાને લેન્ડરનું ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. પરંતુ તેની સોલાર પેનલ પાવર આપવામાં નિષ્ફળ રહી, જેના કારણે વીજળી ઉત્પન્ન કરી શકાતી નથી. આથી લેન્ડરને પણ એનર્જી મળી રહી નથી. સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ નથી. જેના કારણે લેન્ડરનું ભવિષ્ય જોખમમાં હોવાનું જણાય છે. પરંતુ જાપાનની સ્પેસ એજન્સી JAXAએ હજુ સુધી સ્લિમને ડેડ જાહેર કર્યું નથી. હજુ પણ જાપાનને આશા છે કે ચંદ્ર પરના તેમના સ્લિમ મૂન લેન્ડરને હજુ પણ એક્ટીવ કરી શકે છે.
જાપાન સોફ્ટ લેન્ડિંગ કરવાનાર પાંચમો દેશ બન્યો
જાપાનના અવકાશયાનને ચંદ્ર સુધી પહોંચવામાં 5 મહિનાનો સમય લાગ્યો હતો. સ્લિમે ઘણા બધા ટેકનિકલ ડેટા અને ફોટો જાપાનને મોકલ્યા છે. આ સપ્તાહના અંત સુધીમાં જાણી શકાશે કે જાપાનનું સ્લિમ લેન્ડર ફરી ચાલુ થશે કે તે ત્યાં જ ડેડ થઈ જશે! એક વાત એ પણ જાણવા જેવી છે કે જાપાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનાર પાંચમો દેશ બન્યો છે. આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીનને આ સફળતા મળી છે.
સટીક લેન્ડિંગ કરાવનાર દેશ બન્યો જાપાન
જાપાની સ્પેસ એજન્સી JAXAએ જણાવ્યું હતું કે સૌથી પહેલા તો સ્લિમના લેન્ડિંગ માટે 600x4000 કિમીના વિસ્તાર શોધવામાં આવ્યો હતો. જેના માટે ચંદ્રના ધ્રુવીય પ્રદેશની પસંદગી કરવામાં આવી હતી. સૌથી મોટી બાબત તો એ છે કે લેન્ડિંગ માટે પસંદ કરવામાં આવેલા ચોક્કસ સ્થળે જ લેન્ડિંગ થયું છે. કારણ કે જાપાનનું લક્ષ્ય હતું કે તેનું અવકાશયાન લેન્ડિંગ સાઇટના 100 મીટરની અંદર ઉતરવું જોઈએ. અને તેણે આ કાર્યમાં સફળતા મેળવી છે. શિઓલી ક્રેટર નામની લેન્ડિંગ સાઈટ પર જાપાને સોફ્ટ લેન્ડિંગ કરાવ્યું હતું. જે ચંદ્ર પરના સૌથી અંધારાવાળું સ્થળ કહેવાય છે. આ સિવાય સંભવિત લેન્ડિંગ સાઇટ મેર નેક્ટરિસ છે. જેને ચંદ્રનો દરિયો કહેવામાં આવે છે.
અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે સ્લિમ
સ્લિમ અદ્યતન ઓપ્ટિકલ અને ઇમેજ પ્રોસેસિંગ ટેકનોલોજીથી સજ્જ છે. જેમાં એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી મિશન (XRISM) પણ SLIM સાથે ગયું છે. તે ચંદ્રની આસપાસ ફરશે અને ચંદ્ર પર વહેતા પ્લાઝ્મા પવનોની તપાસ કરશે. જેથી કરીને બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાની ઉત્પત્તિ જાણી શકાય. તે જાપાન, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે.