'Facebook-Instagram બાળકોને બળજબરીપૂર્વક અશ્લીલતા તરફ ધકેલી રહ્યાં છે', META પર મોટો આરોપ
ન્યુ મેક્સિકોના એટોર્ની જનરલે કેસ દાખલ કરી સનસનાટી મચાવી, લગાવ્યા ગંભીર આરોપ
તેમણે એક્સપેરિમેન્ટ કરીને મેટાની પોલ પણ ખોલી નાખી, મેટાની પોલિસીમાં ધરખમ ફેરફારની કરી માગ
Allegations On Facebook: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ગંભીર આરોપોનો ખડકલો સર્જાતો જઈ રહ્યો છે. થોડાક સમય પહેલા આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોને લાઈક્સની કૂટેવ પાડીને તેમનું માનસિક સ્વાસ્થ્ય બગાડવાનો આરોપ લાગ્યો હતો અને હવે બંને સામે વધુ એક આરોપ લાગ્યો છે.
આ વખતે શું છે આરોપ?
ખરેખર તો અમેરિકાના ન્યુ મેક્સિકોના એટોર્ની જનરલે માર્ક ઝુકરબર્ગની કંપની મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) સામે મોરચો માંડ્યો છે. તેમણે આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોના શોષણનો આરોપ લગાવતાં કેસ દાખલ કર્યો છે. ન્યુ મેક્સિકોના એટોર્ની જનરલ રાઉલ ટોરેજનો આરોપ છે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે અને વાંધાજનક પોસ્ટ્સના માધ્યમથી અશ્લીલતા માટે ઉશ્કેરવાનું કામ કરે છે.
આ રીતે પોલ ખુલી ગઈ
રાઉલ ટોરેજે કહ્યું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બાળકોને શિકાર બનાવતા ગુનેગારોનું બજાર બની ગયા છે. તેમણે આરોપ મૂક્યો કે રસ ન હોવા છતાં પણ બાળકોના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ફીડમાં વાંધાજનક અને પ્રતિબંધિત કન્ટેન્ટ નાખવામાં આવે છે. પુરાવા માટે રાઉલ ટોરેજે એક એક્સપેરિમેન્ટ પણ કર્યું હતું. મેં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી અમુક બાળકોના ફેક એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ બનાવતાની સાથે જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના એલ્ગોરિદમને કારણે તેના પર અશ્લીલ ફોટા અને એડલ્ટ કન્ટેન્ટ આવવા લાગ્યા.
તેનાથી કેવી રીતે બચી શકાશે?
આટલું જ નહીં આ કાલ્પનિક બાળકોના ફોલોવરમાં હજારો વયસ્કો જોડાઈ ગયા હતા. રાઉલ ટોરેજે કોર્ટને અપીલ કરી હતી કે તે મેટાને તેની પોલિસીમાં ધરખમ ફેરફાર કરવા આદેશ આપે જેથી ભવિષ્યમાં બાળકોને અશ્લીલ કન્ટેન્ટ, સાઇબર બુલિંગ અને યૌન શોષણના શિકાર થતા બચાવી શકાય.
મેટાએ આપ્યો આ જવાબ?
જ્યારે મેટાએ એવી દલીલ કરી હતી કે તે બાળકોના હિતોની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ઊઠાવી રહી છે. તેના માટે કામ કરતી ટાસ્ક ફોર્સનું કહેવું છે કે મેટાએ તેની ચાઈલ્ડ સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરનારા 5 લાખથી વધુ એકાઉન્ટ્સને ઓગસ્ટમાં જ હટાવી દીધા હતા.