ફેસબુક-ઈન્સ્ટા ડાઉન થતા ઝુકરબર્ગને એક કલાકમાં જ થયું કરોડોનું નુકસાન! આંકડો ચોંકાવનારો
નવી દિલ્હી,તા. 6 માર્ચ 2024, બુધવાર
મંગળવાર 5 માર્ચ 2025ના 9 વાગ્યા આસપાસથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ દુનિયાના અનેક દેશોમાં બંધ થઇ ગઇ હતી. લોકો X પર સતત ફરિયાદ કરી રહ્યા હતા. એક તરફ સમગ્ર વિશ્વમાં મેટા સર્વિસ લગભગ એક કલાક ડાઉન રહેવાના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારે બીજી તરફ કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. વીબુશ સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર ડેન ઇવેસે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન માર્ક ઝકરબર્ગને અંદાજે $100 મિલિયનનું નુકસાન થયું છે. તેના કારણે મેટા શેર્સમાં પણ લગભગ 1.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
અગાઉ Metaના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ટેકનિકલ સમસ્યાઓ હતી. વર્ષ 2021માં મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લગભગ 7 કલાક બંધ રહ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ અને વોટ્સએપ મંગળવારે રાત્રે અચાનક બંધ થઈ ગયા હતા. જેના કારણે યુઝર્સ કોઈપણ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા ન હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર યુઝર્સને ફરીથી લોગીન માગી રહ્યું હતુ પરંતુ લોગ ઈન કર્યા બાદ પણ એકાઉન્ટ એક્સેસ થઈ શક્યું ન હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેસબુકના એક અધિકારીએ કહ્યું કે ,યૂઝરને આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો કારણ કે તેમની ઇંટરનલ સિસ્ટમ પણ ડાઉન હતી. મેટાનું સર્વિસ ડેશબોર્ડ ઘણી સેવાઓ માટે મોટા મેજર ડિસરપ્શનના મેસેજ આપી રહ્યો હતો.
કેટલાક નિષ્ણાતો માને છે કે,મેટાના પ્લેટફોર્મમાં સમસ્યાઓનું એક કારણ કેટલીક કોડિંગ ભૂલો હોઈ શકે છે. જોકે, કંપની દ્વારા આ અંગે સ્પષ્ટ કંઈ કહેવામાં આવ્યું નથી.
ઝકરબર્ગ વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ
ફોર્બ્સની યાદી અનુસાર, માર્ક ઝકરબર્ગ વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ છે. વર્ષ 2023માં તેમની કુલ સંપત્તિમાં લગભગ 84 બિલિયન ડોલરનો વધારો થયો છે. હાલ તેમની કુલ સંપત્તિ 139 બિલિયન ડોલરની આસપાસ હોવાનું કહેવાય છે.