સ્પેમ સાથે લડવા મેટાની નવી પદ્ધતિ: પોસ્ટના વ્યુઝને નિયંત્રણ કરી એને લોકોની નજરથી દૂર રાખવામાં આવશે
Facebook Finds a Way to Stop Spam: ફેસબુક દ્વારા તેની સ્કેમ સામે લડવાની નવી પદ્ધતિ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ દ્વારા તેઓ સ્પેમ સામે લડી શકશે અને તેને વધુ લોકો સુધી પહોંચતા અટકાવી શકશે. ખોટી પોસ્ટ કરનારા માટે નવા નિયમ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઈ પણ એકાઉન્ટ પર સ્પેમ મળશે, તો પછી એ એકાઉન્ટ એક પણ કમાણી નહીં કરી શકે.
શરૂઆતનું ફેસબુક બનાવવાની કોશિશ
માર્ક ઝકરબર્ગ દ્વારા જ્યારે ફેસબુકની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે તે ફક્ત લોકોને કનેક્ટ કરવા અને એકમેક સાથે સંપર્કમાં રહેવા માટે બનાવવામાં આવ્યું હતું. જોકે, હવે ફેસબુકનો ઉપયોગ અલગ જ રીતે કરવામાં આવી રહ્યો છે. તે એક કમાણીનું પ્લેટફોર્મ બની ગયું છે. આથી, માર્ક ઝકરબર્ગનું જે વિઝન હતું તે તરફ હવે ફરી પ્રયાણ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર હવે સ્કેમનું પ્રમાણ પણ વધી ગયું છે. એ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ફેસબુક તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી લોકો એકમેકના સંપર્કમાં રહેવા માટે પોતાને સુરક્ષિત સમજી શકે.
સ્પેમને ઓળખવા માટે શું કરશે?
મેટા દ્વારા આ વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે કે કેટલાક યુઝર્સ ફેસબુકની એલ્ગોરિધમ સાથે છેડછાડ કરે છે, જેથી વધુ વ્યુઝ મળે અને વધુ પૈસાની કમાણી કરી શકાય. આ કારણે ઘણાં યુઝર્સના ફીડ પર સ્પેમ પોસ્ટ જોવા મળે છે. મેટા દ્વારા હવે દરેક એકાઉન્ટ કેવી રીતે વર્તન કરે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જો કોઈ કન્ટેન્ટમાં ખૂબ જ મોટી મોટી કેપ્શનનો સમાવેશ કરવામાં આવ્યો હોય અને પોસ્ટ સાથે હેશટેગ્સ સંબંધિત ન હોય, તો એને સ્પેમ એકાઉન્ટ ગણવામાં આવશે.
ખોટા એન્ગેજમેન્ટ પર કન્ટ્રોલ લાવવામાં આવશે
મેટા કંપની દ્વારા હવે ખોટા એન્ગેજમેન્ટ પર પણ કન્ટ્રોલ લાવવામાં આવશે. ફેસબુક હવે ખોટા એન્ગેજમેન્ટને રોકવા માટે યુઝર્સની પોસ્ટને કેટલા લોકો સુધી પહોંચાડવામાં આવશે એના પર નિયંત્રણ લાવશે. આથી, યુઝર્સને વધુ વ્યુઝ નહીં મળે. ફેસબુકની પોસ્ટ પર જે વ્યક્તિ પોતાની ખોટી ઓળખ છુપાવીને કમેન્ટ કરે છે, એની કમેન્ટને હવે સંતાડવામાં આવશે.
યુઝરની પોસ્ટ પર વધુ ફોકસ
ફેસબુક દ્વારા ‘ફ્રેન્ડ્સ’ ટેબ લોન્ચ કરવામાં આવી છે. આ ટેબમાં ફક્ત ફ્રેન્ડ્સ દ્વારા કરેલી પોસ્ટ્સ જ દેખાશે, જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી એડ્સ અથવા તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનાં પોસ્ટ્સ નહીં દેખાય. ફ્રેન્ડ્સ ટેબનો ઉપયોગ કરવાથી યુઝર્સ એ પ્રકારના કન્ટેન્ટથી દૂર રહી શકે છે. સ્પેમ પોસ્ટથી પણ યુઝર્સ દૂર રહી શકશે, કેમ કે ફ્રેન્ડ્સની પોસ્ટ્સ જ તેમને દેખાડવામાં આવશે. ફેસબુક હવે તેના શરૂઆતના દિવસો તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં ફ્રેન્ડ્સની જ પોસ્ટ્સ અને સ્પેમ દૂર કરવાની વ્યવસ્થા મુખ્ય હેતુ છે.