Explainer: ઈસરોએ લૉન્ચ કર્યું તે ‘સ્પેડેક્સ’ શું છે, અંતરિક્ષ ક્ષેત્રે આ મિશન ભારતની મોટી છલાંગ ગણાય છે
Spadex Mission: ISROએ 30 સપ્ટેમ્બરે 'સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ' કર્યું હતું જેને સ્પાડેક્સ મિશન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ મિશનનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેનાથી અંતરિક્ષના મિશનમાં દુનિયાભરમાં ભારતનું નામ રોશન થયું છે. ડોકિંગની મદદથી ISRO બે સેટેલાઇટને એકબીજા સાથે જોડશે. અંતરિક્ષમાં આ કામ અત્યાર સુધી અમેરિકા, ચીન અને રશિયાએ કરી દેખાડ્યું છે.
આવનારા થોડા દિવસોમાં ISROના વૈજ્ઞાનિકો PSLV-C60 દ્વારા છોડવામાં આવેલા બે સ્પેસક્રાફ્ટ વચ્ચેનું અંતર ઓછું કરીને અંતરિક્ષમાં તેમને એકમેકની નજીક લાવી તેમને જોડવામાં આવશે. આ જોડવાની પ્રક્રિયાને ડોકિંગ કહેવામાં આવે છે. અવકાશમાં પહોંચ્યાની થોડી જ મિનિટો પછી બન્ને સ્પેસક્રાફ્ટ છુટા થઈ ગયા હતા. ભારતનું અંતરિક્ષમાં આ અત્યાર સુધીનું સૌથી મહત્ત્વનું એક્સપેરિમેન્ટ છે.
ISRO દ્વારા બે સ્પેસક્રાફ્ટને એક રોકેટ દ્વારા છોડવામાં આવ્યા હતા. હવે એ બન્ને સ્પેસક્રાફ્ટ એકમેકની નજીક આવશે, તેમને જોડવામાં આવશે અને ફરી તેમને અલગ કરવામાં આવશે. એને ડોકિંગ અને અનડોકિંગ કહેવામાં આવશે. આ મિશન ખૂબ જ મુશ્કેલ છે કારણ કે બન્ને સ્પેસક્રાફ્ટની સ્પીડ અંતરિક્ષમાં ખૂબ જ વધારે છે. એક બંદુકની ગોળીની જોરે ટ્રાવેલ કરે છે એના કરતાં વધારે સ્પીડ આ સ્પેસક્રાફ્ટની હોય છે.
સ્પાડેક્સ શું છે?
સ્પાડેક્સ એક એક્સપેરિમેન્ટ મિશન છે, જેની મદદથી ISRO અંતરિક્ષમાં સ્પેસક્રાફ્ટને ડોકિંગ અને અનડોકિંગ કરશે. આ મિશન દ્વારા એક એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને તેમાં જો સફળતા મળે તો ભવિષ્યમાં ઘણા મિશન એના દ્વારા સફળ રહેશે અને ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન પણ બની શકશે. એના દ્વારા ઘણા મિશન માટે જ્યાં એક કરતાં વધુ સેટેલાઇટની જરૂર હોય, એવા મિશન પણ ખૂબ જ સરળતાથી પૂરા કરી શકાશે.
સ્પાડેક્સનું મુખ્ય લક્ષ્ય SDX01 એટલે કે ચેઝર અને SDX02 એટલે કે ટાર્ગેટ માટે ડોકિંગ કરવાનું છે. આ મિશન બે વર્ષ સુધી ચાલશે. સ્પાડેક્સના બે સેટેલાઇટ SDX01 અને SDX02ને PSLV-C60 દ્વારા છોડવામાં આવ્યા હતા અને એ બન્ને 470 કિલોમીટરના અંતરે રહેશે. ત્યારબાદ તેમને એકમેકની નજીક લાવવામાં આવશે. તેમની વચ્ચે જ્યારે 20 કિલોમીટરનું અંતર હશે ત્યાંથી લઈને 3 મીટરનું અંતર રહે ત્યાં સુધીમાં ડોકિંગ પ્રોસેસ કરવામાં આવશે. આ બન્ને સ્પેસક્રાફ્ટમાં ભારતીય ડોકિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડોકિંગ પહેલાં બન્ને સેટેલાઇટ 28,800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરિક્રમા કરશે. જો કે આ સ્પીડને ધીમે-ધીમે ઘટાડીને 0.036 કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવશે.
ડોકિંગ-અનડોકિંગ પ્રકિયા ક્યારે કરવામાં આવશે?
30 ડિસેમ્બરે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી હતી. એના 10-14 દિવસ પછી આ પ્રકિયા શરૂ થવાની સંભાવના છે. ડોકિંગ અને અનડોકિંગની પ્રોસેસ પૂરી થયા બાદ બન્ને સેટેલાઇટ બે વર્ષ સુધી અવકાશમાં રહેશે. તેઓ બન્ને પૃથ્વીની પરિક્રમા કરશે અને તેમના મિશનને પૂરા કરશે. SDX01માં એક હાઇ રિઝોલ્યુશન કેમેરા છે અને SDX02માં બે મિનિએચર મલ્ટીસ્પેક્ટ્રલ પેલોડ અને રેડિએશન મોનિટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ISROના જણાવ્યા મુજબ આ પેલોડ હાઇ રિઝોલ્યુશન ફોટા ક્લિક કરશે અને એને પૃથ્વી પર સેન્ડ કરશે. આ સાથે જ આપણા નેચરલ રિસોર્સનું મોનિટરિંગ કરશે, વેજિટેશનને સ્ટડી કરશે અને ઓરબિટમાં પર્યાવરણને લઈને કોઈ રેડિએશન હોય તો એના વિશે માહિતી આપશે. આ તમામ માહિતીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાશે.
આ પણ વાંચો: ISRO આજે લોન્ચ કરશે Spadex મિશન: જાણો ભારત માટે આ મિશન કેમ ખૂબ મહત્ત્વનું છે
સ્પેસ ડોકિંગ શું છે?
અતિ ઝડપે ગતિ કરનાર બે સેટેલાઇટને એક જ લાઇનમાં લાવી તેમની સ્પીડ ઓછી કરીને તેમને એકમેક સાથે જોડવાની પ્રકિયાને ડોકિંગ કહેવામાં આવે છે. આ ટેક્નોલોજી સ્પેસમાં થતી હોવાથી એને સ્પેસ ડોકિંગ કહેવાય છે. આ સાથે જ ઘણા સ્પેસક્રાફ્ટને જોડીને એક કરી શકાશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને પણ આ ટેક્નોલોજી દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. તેમાં ઘણા મોડ્યુલને એકમેક સાથે જોડીને ખૂબ જ મોટું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ભારત પણ હવે એ જ રીતે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે.
આ ટેક્નોલોજી શું કામ આવશે?
આ ટેક્નોલોજી ભારતનું સ્પેસ સ્ટેશન બનાવવાની સાથે ચંદ્રયાન-4 મિશન માટે કામ આવશે. આ મિશનમાં સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર જશે. ચંદ્ર પર ઉતરનારો આ ભાગ અવકાશમાં ફરતા રોકેટ સાથે જોડાશે અને ત્યારબાદ ફરી તેને પૃથ્વી પર લાવવામાં આવશે. 2040 સુધીમાં ભારતીયો પણ ચંદ્ર પર જઈ શકશે. આ સમયે પણ ડોકિંગ અને અનડોકિંગ ટેક્નોલોજીની જરૂર પડશે. આ ટેક્નોલોજીની મદદથી સેટેલાઇટને સર્વિસ, રિપેર અને ફ્યુલ ભરવામાં પણ મદદ મળશે. ભવિષ્યમાં સ્પેસ રોબોટિક્સ માટે પણ આ પ્રકિયા ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ શકે છે.
ક્યા દેશ દ્વારા પહેલી વાર આ ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો?
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા આ ટેક્નોલોજીનો પહેલી વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાસા દ્વારા 1960ના દાયકામાં બે સેટેલાઇટને સફળતાપૂર્વક ડોક કરવામાં આવ્યા હતા. એપોલો પ્રોગ્રામની મદદથી મૂન મિશન સફળ રહ્યું હતું. નાસા આજે પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ડોકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. રશિયા અને ચીન પણ ડોકિંગ ટેક્નોલોજીમાં ખૂબ જ પ્રગતિ કરી ચૂક્યા છે.